Abtak Media Google News

ચેન્નઈની ટીમ પ્લે-ઓફમાં પહોંચનારી પ્રથમ ટીમ બની ગઈ!!

ચેન્નઈ સુપર કિંગ્સની ટીમના ચાહકો માટે ગુરુવાર યાદગાર બની ગયો. ચેન્નાઈ માત્ર પ્લેઓફ માટે ક્વોલિફાય નથી થયું, પણ ચાહકોને તેમના ‘ફિનિશર ધોની’ જોવાની તક પણ મળી. મહેન્દ્ર સિંહ ધોનીએ સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની મેચમાં સિક્સર ફટકારીને પોતાની ટીમને મહત્વની જીત અપાવી અને ચેન્નાઇ પ્લેઓફમાં પહોંચનાર પ્રથમ ટીમ બની.

મહેન્દ્ર સિંહ ધોનીના નેતૃત્વમાં ચેન્નઈ લીગની ટોચની ટીમોમાં સામેલ છે. જોકે, ગયા વર્ષે આ ટીમ પ્લેઓફમાં પહોંચી શકી નહોતી. ધોની સહિત સમગ્ર ટીમની ઘણી ટીકા થઈ હતી. જો કે, આ વખતે ટીમે તેનો પૂરો હિસાબ બરાબર કરી લીધો છે. અત્યાર સુધી, ભલે ધોનીનું બેટ લીગમાં વધારે કમાલ કરી શક્યું ન હોય, પરંતુ ગુરુવારે પોતાની જાણીતી અદામાં તેણે સિક્સર સાથે ટીમને જીત અપાવી હતી. તેના છગ્ગા પછી, સ્ટેડિયમમાં હાજર તેની પત્ની સાક્ષી અને પુત્રી જીવા ખૂશી થી ઝૂમી ઉઠ્યા હતા અને ચાહકોને તેમના થાલાના ગમતા પરિવારની ખુશીની પળો જોવા મળી.

ચેન્નઈ સુપર કિંગ્સ ટીમને છેલ્લા ત્રણ બોલમાં બે રનની જરૂર હતી. ધોનીએ છેલ્લી ઓવરના ચોથા બોલ પર સિક્સર ફટકારીને પોતાની ટીમને જીત અપાવી હતી. વિજય દરમિયાન સમગ્ર સ્ટેડિયમનું વાતાવરણ જોવા લાયક હતું. ખાસ કરીને તેની પત્ની સાક્ષી ધોની અને જીવા ધોનીના રિએક્શન. ધોનીએ વિનિંગ સિક્સ ફટકારી કે તરત જ સાક્ષી ઉભી થઈ અને તાળીઓ વગાડવા લાગી હતી.

તેની સાથે ઉભેલી જીવ પણ તેના ડેડી ને જોઈને ખૂબ જ ખુશ હતી, તે તેની માતા સાથે છગ્ગાની ઉજવણી કરતા પણ જોવા મળી હતી. સાક્ષી અને જીવા ગયા વર્ષે આઈપીએલ માટે ધોની સાથે યુએઈ ગયા ન હતા. જોકે આ વખતે તે ટીમ સાથે ત્યાં હાજર છે. ધોનીના લકી ચાર્મ પરત આવતા જ ચેન્નઈ સુપર કિંગ્સનું શાનદાર ફોર્મ પાછું આવી ગયુ છે.

કેપ્ટન ધોની પોતાની ટીમની સફળતાથી ઘણો ખુશ છે. મેચ બાદ તેણે કહ્યું, આનો (પ્લેઓફ સુધી પહોંચવાનો) ઘણો અર્થ થાય છે. કારણ કે છેલ્લી વખત મેચ બાદ મેં કહ્યું હતું કે, અમે મજબૂત રીતે પાછા આવવા માંગીએ છીએ. અમે તેની પાસેથી એક પાઠ શીખ્યા. સંપૂર્ણ ક્રેડિટ ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફને જાય છે. તેણે સનરાઇઝર્સ સામેની જીતનો શ્રેય બોલરોને આપ્યો, જેમણે હરીફ ટીમને સાત વિકેટે ૧૩૪ રન જ બનાવવા દીધા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.