ગુજરાતની સ્થાનિક ચૂંટણીઓમાં સૌ પ્રથમવાર ભાજપે ભરૂચમાં ૩૧ મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપી

ભરૂચમાં ઓવેસીની એમીમ અને સ્થાનિક બીટીપીને કાબુમાં લેવા પક્ષના વરિષ્ઠ મુસ્લિમ કાર્યકરોને ટિકિટો અપાઈ: જિલ્લા પ્રમુખ

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીઓમાં મોટાભાગની બેઠક પર ભાજપ-કોંગ્રેસ-આપ વચ્ચે ત્રિપાંખીયો જંગ તો કયાંક અપક્ષ અને સ્થાનિક પરિબળો વચ્ચે ચતુર્સ જંગ જામ્યો છે ત્યારે ભાજપે સૌપ્રથમવાર ભરૂચ જિલ્લામાં ૨૮મી ફેબ્રુઆરીએ યોજાનારી ચૂંટણીમાં ૩૧ મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપી ભાજપે પોતાના એજન્ડામાં એક નવી કેડી કંડારી છે.

ભરૂચના જિલ્લા પ્રમુખ મારૂતિસિંહ અટોદરીયાએ જણાવ્યું હતું કે, જિલ્લામાં સૌપ્રથમવાર મુસ્લિમ સમાજના કાર્યકરોને મેદાનમાં ઉતાર્યા છે. પક્ષ સ્થાનિક ધોરણે પોતાના પ્રતિસ્પર્ધી ભારતીય ટ્રીબ્યુલ પાર્ટી, બીટીપી અને અસુદીન ઓવેશીની ઓલ ઈન્ડિયા મજલીશે ઈતે હાદુલ મુસ્લેમીનને કોઈપણ સંજોગામાં પરાસ્ત કરવા કટીબદ્ધ બની છે. ભરૂચ જિલ્લામાં મુસ્લિમ મતદારોની પ્રભાવી સંખ્યાને લઈ જિલ્લા પંચાયત અને ૯ તાલુકા પંચાયત અને ચાર નગરપાલિકામાં ભાજપે રણનીતિ અંતર્ગત  ૩૧ ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે.

કુલ ભાજપના ૩૨૦ ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા હતા. જેમાંથી અત્યાર સુધીમાં સૌથી વધુ ભરૂચમાં ૩૧ મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપી છે. કેટલાંક ઉમેદવારોના નામાંકન રદ થાય તો અન્યને ઉતારવા માટે ડમી તરીકે પણ ફોર્મ ભરાવ્યા છે. ભરૂચ જિલ્લા પંચાયતની ૩૪ બેઠકોમાં કોંગ્રેસ અને જઘડીયાના ધારાસભ્ય છોટુભાઈ વસાવાની બીટીપી અને જેડીયુનું શાસન છે. વસાવાએ અસુદીન ઓવેસીની પાર્ટી સાથે ગઠબંધનની જાહેરાત કરી હતી. જો કે, પ્રમુખ મારૂતિસિંહે જણાવ્યું હતું કે, સ્થાનિક ધોરણે ભાજપને કોઈ મહાત કરી શકશે નહીં. અમે માત્ર મુસ્લિમ ઉમેદવારોને જ્ઞાતિના ધોરણે પસંદ નથી કર્યા તેઓ પક્ષમાં મેરીટના ધોરણે પસંદ કરવામાં આવ્યા છે. અમે જ્યાં હિન્દુઓની બહુમતિ છે તેવા જિલ્લા પંચાયતની વાલીયા બેઠક પર ભાજપના મુસ્લિમ કાર્યકરને ટિકિટ આપી છે.

ભાજપમાં હવે મુસ્લિમોનો જોક વધતો જાય છે અને વધુમાં વધુ મુસ્લિમો ભાજપમાં જોડાઈ રહ્યાં છે.