Abtak Media Google News

નવી એજ્યુકેશન પોલિસી અંતર્ગત વિધાર્થીઓએ ફાઉન્ડેશનમાં પણ હવે ચાર વિષયની જ પરીક્ષા આપવાની રહેશે: આર્ટિકલશીપ માત્ર બે જ વર્ષ રહેશે

ઈન્સ્ટિટયુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ ઓફ ઈન્ડિયા દ્વારા સીએના અભ્યાસક્રમમાં ધરખમ ફેરફારો સૂચવતો પ્રસ્તાવ મુકવામાં આવ્યો છે અને તેને ભારત સરકારની મિનિસ્ટ્રી ઓફ કોમર્સે સૈધ્ધાંતિક રીતે મંજૂરી પણ આપી દીધી છે.હાલમાં તેના પર સમાજના વિવિધ વર્ગોના સૂચન લેવામાં આવી રહ્યા છે.1 જુલાઈ સુધી કોઈ પણ વ્યક્તિ આઈસીએઆઈની વેબસાઈટ પર જઈને સંભવિત ફેરફારો અંગે સૂચન કરી શખશે.એ પછી આ પ્રસ્તાવને ફરી મિનિસ્ટ્રી પાસે મોકલવામાં આવશે.

Advertisement

નવી એજ્યુકેશન પોલિસીને ધ્યાનમાં રાખીને આઈસીએઆઈના બોર્ડ ઓફ સ્ટડીઝ(એકેડમિક્સ)ના વાઈસ ચેરમેન તથા વડોદરા સીએ ચેપ્ટરના સભ્ય વિશાલ દોશીએ આજે એક વાતચીતમાં કહ્યુહતુ કે, સામાન્ય રીતે દર 10 વર્ષે સીએના કોર્સની સમીક્ષા કરવામાં આવતી હોય છે પણ નવી શિક્ષણ નીતિને ધ્યાનમાં રાખીને 10 વર્ષ કરતા પહેલા જ સમીક્ષા કરવામાં આવી છે.

જેના ભાગરુપે સીએના વિદ્યાર્થીની ઈન્ટર્નશિપ 3 વર્ષની જગ્યાએ બે વર્ષની કરવાનો પ્રસ્તાવ સૂચવવામાં આવ્યો છે.આ ઉપરાંત સીએના કોર્સના 20 પેપરની હાલમાં ત્રણ તબક્કામાં પરીક્ષા લેવાય છે તેની જગ્યાએ ચાર તબક્કામાં પરીક્ષા લેવાનુ નક્કી કરાયુ છે.હાલમાં વિદ્યાર્થીએ ફાઉન્ડેશનમાં 6 , ઈન્ટરમાં 8 અને ફાઈનલમાં આઠ વિષયની પરીક્ષા આપવાની હોય છે.જેની જગ્યાએ વિદ્યાર્થીએ ફાઉન્ડેશન કોર્સમાં ચાર, ઈન્ટરમાં 6 વિષયની પરીક્ષા આપવાની રહેશે.જ્યારે ઈન્ટર્નશિપના સમયગાળા દરમિયાન ચાર વિષયની જાતે જ તૈયારી કરીને તેની ઓનલાઈન પરીક્ષા આપવાની રહેશે.આ ચાર વિષય ક્લીયર કર્યા બાદ જ વિદ્યાર્થી ફાઈનલની પરીક્ષા આપી શકશે.

ઈન્ટર્નશિપ બાદ 6 મહિના સુધી વિદ્યાર્થી ફાઈનલની પરીક્ષા આપી નહીં શકે.આ સમય તેને ફાઈનલ પરીક્ષાની તૈયારી માટે મળશે.ફાઈનલમાં વિદ્યાર્થીએ 6 વિષયની પરીક્ષા આપવાની રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.