Abtak Media Google News

ગઢડા (સ્વામી) નજીક આવેલા નાના સખપર ગામના એક જ પરિવારની ચાર વ્યક્તિઓએ નિગાળા પાસે ટ્રેન નીચે પડતું મુકી કરેલા સામુહિક આપઘાતના પગલે નાના એવા સખપર ગામમાં ભારે કરુણાંતિકા સાથે અરેરાટી મચી ગઇ છે. મોટા ભાઇની હત્યાની કોશિષના ગુનામાં સાડા ત્રણ માસ જેલમાં રહેવાથી આર્થિક અને માનસિક રીતે ભાંગી પડેલાં પરિવાર એક સાથે આત્મહત્યા કર્યાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.  મૃતક પરિવારને પોતાના પાંચ ભાઇઓ પૈકી એક સાથે જ સામાન્ય સંબંધો હોવાથી જેલમાંથી છુટયા બાદ ફરી સમાજના પ્રવાહમાં ભળવા માટે કયાંયથી સધિયારો ન મળતા સામુહિક આપઘાત કર્યાની ઘટનાથી ગમગની  છવાઇ ગઇ છે.

મોટા ભાઇની હત્યાની કોશિશના ગુનામાં સાડા ત્રણ માસ જેલમાં રહ્યા તે દરમિયાન આર્થિક,અને માનસિક ભાંગી પડતા ત્રણ બાળકો સાથે જીવન ટૂંકાવ્યું: નાના એવા ગામમાં કરુણાંતિકા સાથે અરેરાટી

ચાર દિવસ પહેલાં જેલમાંથી છુટેલા પરિવાર નાના ભાઇના ઘરે બે દિવસ રોકયા બાદ સાઢુભાઇના ઘરે જવાનું કહી નિગાળા પાસે ટ્રેન નીચે પડતુ મુકી ચારેયે આત્મહત્યા કરી

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ગઢડા તાલુકાના નાના સખપર ગામે રહેતા અને ચાર દિવસ પહેલાં જ જેલમાંથી છુટેલા મંગાભાઇ વાઘાભાઇ વિંજુડા, તેના પુત્ર જીજ્ઞેશ, બે પુત્રી રેખા અને સોનલ સાથે ગઇકાલે સાંજે ભાવનગરથી અમદાવાદ તરફ જતી ટ્રેન નીચે નિગાળા ગામ પાસે પડતું મુકી આપઘાત કર્યો હતો. એક સાથે ચાર વ્યક્તિના ટ્રેન નીચે પડતુ મુકવાથી ચારેય મૃતદેહના કટકે કટકા થયા હોવાથી ગઢવા અને રેલવે પોલીસે ચારેયની ઓળખ મેળ્યા બાદ કરેલી તપાસમાં ચોકાવનારી વિગતો પ્રકાશમાં આવી છે.

મૃતક મંગાભાઇ વિજુડાની બાજુમાં રહેતા પોતાના મોટા ભાઇ હીરાભાઇ વિજુડા સાથે મકાનમાં ડોકીયા કરવાના પ્રશ્ર્ને અવાર નવાર ઝઘડા થતા હોવાથી ગત તા.15 ઓગસ્ટના રોજ હીરાભાઇ વિજુડા પર મંગાભાઇ તેના પુત્ર જીજ્ઞેશ, અને બે પુત્રી રેખા તથા સોનલે ખૂની હુમલો કર્યાનો ગઢડા પોલીસમાં ગુનો નોંધાયો હતો. સોનલની ઉમર નાની હોવાથી તેનો છુટકારો થયો હતો જ્યારે મંગાભાઇ, જીજ્ઞેશ અને રેખા સાડા ત્રણ માસ જેલમાં રહ્યા બાદ ચાર દિવસ પહેલાં છુટયા હતા.

મંગાભાઇ વિજુડાની પત્ની એકાદ વર્ષ પહેલાં જ ટીબીની બીમારીના કારણે મોત નીપજયુ હતું. અને સાડા ત્રણ માસ દરમિયાન નાની પુત્રી સોનલ પોતાના મામાના ઘરે કીયાનગર રહેવા જતી રહી હતી. સાડા ત્રણ માસ બાદ પરિવારના ચારેય સભ્ય નાના સખપર પોતાના ઘરે ગયા ત્યારે તેની પાસે જમવાના પૈસા ન હતા અને કોઇ કામ ધંધો પણ ન હોવાથી પોતાના નાના ભાઇ ચનુભાઇને ત્યાં બે દિવસ રોકાયા હતા તે દરમિયાન પોતાના મોટા ભાઇ પર હુમલો કર્યો હોવાથી સમાજમાં કોઇ સાથે સંબંધ ન હોવાથી પોતાના પુત્ર અને પુત્રીના સંબંધ માટે કોઇ સાથે રહે તેમ હોવાથી માનસિક સંતુલન ગુમાવી દીધી હતુ તેમ છતાં ચારેય મોરબી પંથકમાં જઇને મજુરી કામ કરવાનો નિર્ણય કર્યો હતો. અને પોતાના નાના ભાઇ ચનુભાઇને સાળંગપુર પાસે રહેતા સાઢુભાઇને ત્યાં આટો મારવા જવાનું કહીને ગઈકાલે નાના સખપર ગામેથી નીકળ્યા બાદ ચારેય સામુહિક આપઘાત કર્યાનું ગઢડા પી.આઇ. એમ.જી.જાડેજા અને રાઇટર હેમરાજસિંહ સહિતના સ્ટાફની તપાસમાં બહાર આવ્યું છે.

સાડા ત્રણ માસ જેલમાં રહેલા પરિવાર સામાજીક, આર્થિક અને માનસિક ભાંગી પડયો હોવાથી સામુહિક આપઘાત કર્યાની ઘટનાથી નાના એવા સખપર ગામમાં શોક છવાયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.