Abtak Media Google News

ભારતીય કેદીઓ સાથે ખરાબ વર્તન કે મારકૂટ થતી નથી: પાકિસ્તાનની જેલમાંથી મુકત થયેલા તળાજાના સરતાનપર બંદરના બે માછીમારોએ પોતાના અનુભવો વર્ણવ્યા

પાકિસ્તાન સ્થિત મુળ ગોંડલના એ.ડી.સરકાર નામે જાણીતા શ્રીમંત ભારતીય કેદીઓની ખુબ મદદ કરે છે

પાકિસ્તાનની જેલમાં છેલ્લા એક વર્ષથી વધુ સમયથી જેલવાસ ભોગવતા સૌરાષ્ટ્રનાં માછીમારો સાથે તળાજાનાં સરતાનપર બંદરનાં બે દરિયા ખેડૂ વીનુભાઇ મુળજીભાઇ વેગડ (ઉ.વ.૫૦) અને ચેતનભાઇ વીનુભાઇ બારૈયા (ઉ.વ.૨૦) તાજેતરમાં જેલમાંથી મુકત થઇને પોતાના વતન સરતાનપર ગામે આવતા તેઓનાં ચિંતિત પરિવારો, સગાઓ સહીત ગામ લોકોએ હાશકારો અનુભવ્યો છે.

Advertisement

સરતાનપરથી પરિવાર માટે રોજી રોટી કમાવા જીવનને જોખમમાં મુકીને અમે દર વર્ષે સીઝનમાં માછીમારીની મજુરી માટે પોરબંદર જઇએ છીએ તેમ આ વર્ષે પણ મત્સ્ય ઉદ્યોગનાં મોટા મથક પોરબંદરનાં બારામાંથી મત્સ્યોઉદ્યોગનાં જાણીતા કારોબારી નાથાબાપાના દરિયાઇ કાફલાની મોટી સાઇઝની ચાર બોટમાં ખોરાક, પાણી, ડીઝલ, કોલ્ડ સ્ટોરેજ સાધનો સાથે ગત વર્ષની ૨૫/૩/૨૦૧૮ નાં રોજ માછલી પકડવા લાંબી ટ્રીપમાં નિકળેલ હતાં.

એક બોટમાં એક ટંડેલ અને છ ખલાસી સાથેનાં કાફલાને વધુ માછલી મળે તે માટે દરિયામાં દૂર દૂર સુધી લઇ જવામાં આવે છે. જેમાં ભારત-પાક દરિયાઇ સીમા ઓળંગાતા પાકિસ્તાન નેવીનાં કાફલાએ ચારેય બોટને તા.૨૭/૩/૨૦૧૮ નાં દિવસનાં સમયે આંતરીને તમામને બોટ સાથે ઝડપી લઇને કડક પુછપરછ અંગ ઝડતી લઇ સર સામાન કબજે કરી કરાંચી બંદરે લઇ ગયાબાદ બીજા દિવસે સીટી કોર્ટ સમક્ષ રજુ કરીને કરાંચીની લાડી જેલ હવાલે કરેલ તે સમયે અમારા ૨૪ સહિત કરાંચીની જેલમાં ૫૧૨ જેટલા ભારતિય કેદીઓ હોવાનું જાણવા મળ્યું છે.

જેલવાસ દરમિયાન અમારા સાથે સામાન્ય વ્યવહાર થતો. કે મારકુટ નહી. શરૂનાં દિવસોમાં સફાઇકામ કરાવાતું. સવારે ૬.૩૦ વાગે ચા-નાસ્તો-નાવા-ધોવાની સુવિધા હોય છે. બપોરે રોટલી, સબ્જી, અથવા ચાવલ-સબ્જી, રાત્રે હળવો ખોરાક, નોનવેજ પણ ખરૂ, જેલવાસ દરમિયાન ત્યાંની કોઇ સંસ્થા દ્વારા કરાવાતા કામોની મજુરી મળતી જો કે જેલવાસ દરમિયાન જેલતંત્ર કે અન્ય કેદીઓનો કોઇ ત્રાસ અનુભવ્યો નથી. ભારત સરકાર દ્વારા તમામ ભારતીય કેદીઓની માહિતી નોંધણી નિયમાનુસાર થાય છે અને તેમની મુક્તિ માટે સતત પ્રયાસો કરવામાં આવે છે. જેલવાસમાં પત્રવ્યવહારની છૂટ હોય છે.

પાકીસ્તાન સ્થિત મુળ ગોંડલનાં એ.ડી.સરકાર નામે જાણીતા શ્રીંમત અને વગદાર પાક પ્રતિનીધી દરેક ભારતિય કેદીની સહાય માટે તત્પર રહે છે. પાકની જેલમાંથી છુટતા દરેક કેદીઓને મુકતી સમયે તેમનાં તરફથી રૂ.પાંચ હજાર રોકડા, કપડા સહીત પરિવાર માટે ઉપયોગી કીટ, શુભેચ્છાનાં પ્રતિક રૂપે આપે છે. જે મુકત થનાર દરેક કેદીઓ માટે ખૂબજ રાહત રૂપ છે. તેમ વિનુભાઇ મુળજીભાઇએ જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.