Abtak Media Google News

રાજકોટના વર્ણથંભ્યા વિકાસને વધુ વેગ આપવાના કોલ સાથે 32માં મ્યુનિસિપલ કમિશનર તરીકે ચાર્જ સંભાળતા આનંદ પટેલ:ડીએમસી તરીકે અનિલ ધામલીયા એ પણ ચાર્જ સંભાળી લીધો

રાજકોટ મહાનગરપાલિકાના 32માં મ્યુનિસિપલ કમિશનર તરીકે આજે આનંદ પટેલ વિધિવત રીતે ચાર્જ સંભાળી લીધો છે પૂર્વ કમિશનર અને કચ્છ જિલ્લાના નવ નિયુક્ત કલેકટર અમિત અરોરાએ તેઓને આવકાર્યા હતા.આ ઉપરાંત ડીએમસી તરીકે અનિલ ધામલીયાએ પણ આજે ચાર્જ સંભાળી લીધો છે.તેઓએ અધિકારીઓ સાથે ઓળખ બેઠક પણ યોજી હતી.

મ્યુનિસિપલ કમિશનર તરીકે ચાર્જ સંભાળ્યા બાદ પત્રકારો સાથેની વાતચીત દરમિયાન આનંદ પટેલ જણાવ્યું હતું કે, મ્યુનિસિપલ કમિશનર તરીકે રાજકોટમાં મારુ આ પ્રથમ પોસ્ટિંગ છે.સૌરાષ્ટ્રના હૃદય એવા રાજકોટમાં કામ કરવાનો મોકો મળવો તે નસીબની વાત છે. રાજકોટ એક વિકાસશીલ શહેર છે જેના વિકાસને વધુ વેગ આપવો મારી પ્રથમ પ્રાથમિકતા રહેશે મારા પહેલાના મ્યુનિસિપલ કમિશનરોએ જે કામગીરી કરી છે તે જ પ્રકારે હું વિકાસની કામગીરીને સતત આગળ ધપાવતો રહીશ હાલ શહેરમાં જે પ્રોજેક્ટ ચાલુ છે.

તેની સમીક્ષા કરવામાં આવશે અને તમામ પ્રોજેક્ટ નિયત સમય મર્યાદામાં કોણ થઈ જાય તેવા પ્રયાસો કરવામાં આવશે.રાજકોટના વિકાસને અનુરૂપ નવા-નવા પ્રોજેક્ટ મુકવા માટે સતત પ્રયત્નો કરવામાં આવશે. રાજકોટમાં મને કામ કરવાનો જે મોકો મળ્યો છે તેનો હું પૂરો લાભ ઉઠાવીશ અને શ્રેષ્ઠ આપવાના પ્રયાસો કરીશ. સ્ટાફ અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે સંકલન રાખી વિકાસ કામોને આગળ ધપાવામાં આવશે .ટૂંકમાં મારી કામગીરીને ટીમવર્કથી આગળ વધારતો રહીશ.

હાલ શહેરમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે,બીજી તરફ વેક્સિનની પણ અછત હોય આ અંગે સરકારમાં રજૂઆત કરવામાં આવશે.તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે એક ગુજરાતી તરીકે હું પાણીની કિંમત સારી રીતે જાણું છું. હાલ રાજકોટને સૌની યોજના અંતર્ગત પર્યાપ્ત માત્રામાં નર્મદાના નીર ફાળવી દેવામાં આવ્યા હોવાના કારણે પાણીની કોઈ જ સમસ્યા નથી.ભવિષ્યમાં પણ શહેરીજનોને પાણીની કોઈ હાડમારી વેઠવી ન પડે તેવા પ્રયાસો સતત કરતો રહીશ.ટૂંક સમયમાં શહેરમાં ચાલતા અલગ અલગ પ્રોજેક્ટ માટે અધિકારીઓ સાથે રીવ્યુ બેઠક બોલાવવામાં આવશે.

જરૂર જણાશે તો સાઈડ વિઝીટ પણ કરવામાં આવશે. રાજકોટનો વિકાસ અટકે નહીં સાથો સાથ વધુ વેગવાન બને તેવા પ્રયાસો કરવામાં આવશે. આજે આનંદ પટેલ 32માં મ્યુનિસિપલ કમિશનર તરીકે ચાર્જ સંભાળ્યા બાદ અલગ અલગ વિભાગના અધિકારીઓ અને પદાધિકારીઓ તથા કોર્પોરેટરો દ્વારા તેઓને આવકારવામાં આવ્યા હતા.

તેઓએ જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા હોઈ તેનો સીધો સંપર્ક નાગરિકો સાથે રહે છે.

લોકોને મહાનગરપાલિકાની વિવિધ સેવાઓ સારીરીતે પ્રાપ્ત થાય તે ખુબ જ જરૂરી છે. મનપાની સેવાઓ સંબંધી લોકપ્રશ્નોના અને લોક્સુખાકારીની બાબતો અંગે સૌ સંબંધિત સાથે સંકલન કરી જરૂરી કામગીરી પર ભાર મુકવામાં આવશે.

રાજકોટની જનતા પ્રેમાળ અને પોઝિટિવ,અહીંથી મળેલા અનુભવનો લાભ કચ્છને મળશે: અમિત અરોરા

લાયન સફારી પ્રોજેક્ટ અને સીએનજી બસ સેવા શરૂ ન થઈ શક્યાનો અફસોસ: રામવન,4 બ્રિજ ટેક્સની રેકોર્ડ બ્રેક આવક થયાનો સંતોષ

રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરાએ આજે વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે રાજકોટની જનતા ખૂબ જ પ્રેમાળ અને પોઝિટિવ છે.અહીંના લોકો લાગણીથી જોડાયેલા છે કોઈ કામમાં કચાશ હોય તો તંત્રનું ધ્યાન દોરે છે અને કોઈ કામ સમય મર્યાદામાં ન થાય તો જતો કરવાની પણ ભાવના ધરાવે છે.મ્યુનિસિપલ કમિશનર તરીકે મેં રાજકોટમાં કરેલી કામગીરી અને તેમાંથી મને મળેલા અનુભવનો લાભ કચ્છ જિલ્લાના કલેકટર તરીકેની કામગીરીમાં પણ મને મળશે તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, મારા કાર્ય કાળમાં શહેરમાં રામવનનું નિર્માણ થયું ચાર બ્રિજ બન્યા કોર્પોરેશનના અધિકારીઓ અને કર્મચારીઓને નિવૃત્તિના દિવસે જ પીએફ અને હક રજાના લાભો મળવાની નવી પહેલ શરૂ થઈ,કોર્પોરેશનના ઇતિહાસમાં ટેક્સની રેકોર્ડ બ્રેક આવક થઈ આ તમામ કામોથી મને ખૂબ જ સંતોષ થયો છે .વન વિક વન રોડ અભિયાન પણ એક સારી કામગીરી રહી છે.

મેં રાજકોટમાં ઈલેક્ટ્રીક સીટી બસ સેવા કરાવી હોવાનો મને વિશેષ આનંદ છે તેઓએ એ વાતનો અફસોસ વ્યક્ત કર્યો હતો કે રાજકોટમાં હું લાયન સફારી પાર્ક શરૂ કરાવી ન શક્યો હોવાનો મને થોડો વસવસો રહી ગયો છે,આટલું જ નહીં શહેરમાં સીએનજી સીટી બસ શરૂ કરાવવા માટે ઘણી મથામણ કરી હવે જ્યારે ટેન્ડર પ્રસિદ્ધ કરવાની કામગીરી ત્યારે હું અહીં છું નહીં તેનો મને થોડો ઘણો અફસોસ છે.મ્યુનિસિપલ કમિશનર તરીકેના મારા કાર્યકાળમાં પદાધિકારીઓનો ખૂબ જ સારો સહયોગ મળ્યો અમે સતત સંકલનથી વિકાસ કામોને આગળ વધારતા રહ્યા સ્ટાફ મિત્રો અને શહેરીજનોનો પણ ખૂબ જ સપોર્ટ પ્રાપ્ત થયો.રાજકોટ ખૂબ જ સારું શહેર છે અને વિકાસની ભરપૂર શક્યતા ધરાવે છે

વિકાસને વધુ વેગ આપવા માટે શહેરમાં એક સાથે લાઈન ઓફ પબ્લિક સ્ટ્રીટની કામગીરીને આગળ વધારવાની જરૂરિયાત છે. આટલું જ નહીં શહેરના રાજમાર્ગો પર દબાણ હટાવની ઝુંબેશ રોજીંદી ચલાવવી જોઈએ. વધારે ટીપી સ્કીમ બનાવવાની પણ આવશ્યકતા છે.રાજકોટની જનતાએ આપેલો પ્રેમ ક્યારેય ભૂલી શકીશ નહીં કોર્પોરેશનના પદાધિકારીઓ અને કોર્પોરેટરો દ્વારા પણ અમિત અરોરાને ફેરવેલ આપવામાં આવી હતી જેમાં તેઓએ મ્યુનિસિપલ કમિશનર તરીકે કરેલા કાર્યોની સરાહના કરાય હતી.

21 મહિનામાં તમે કરેલી કામગીરી રાજકોટ ક્યારેય નહીં ભૂલે

અમિત અરોરાને શુભેચ્છા આપતા પદાધિકારીઓ-કોર્પોરેટરો

અમિત અરોરાની બદલી ભુજ જીલ્લા કલેકટર તરીકે થતા  મેયર ડો પ્રદીપ ડવ,શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહ, ડે. મેયર કંચનબેન સિદ્ધપુરા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, શાસક પક્ષ દંડક સુરેન્દ્રસિંહ વાળા, વિવિધ સમિતિના ચેરમેન અને કોર્પોરેટરો  દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી હતી.

અ પ્રસંગે  મેયર ડો. પ્રદીપ ડવે જણાવ્યું હતું કે, કમિશનર  દ્વારા તેઓના સમયગાળામાં અનેકવિધ પ્રોજેક્ટો હાથ ધરવામાં આવેલ તેમજ નિવૃત થતા કર્મચારીઓને તુરતજ હકહિસ્સા મળી રહે તેવા ઉમદા નિર્ણયો કરેલ. તેઓ ગ્રાઉન્ડ લેવલથી કામ કરવાની આગવી સુજ ધરાવતા, તેમજ દરેક પ્રોજેક્ટ્સની સતત વિઝીટ લઇ કામગીરી માટે સતત કાર્યરત રહેતા તેઓએ ચૂંટાયેલી પાંખ, અધિકારી કર્મચારીઓ તથા શહેરના નગર જનોમાં ઘણી લોક ચાહના મેળવેલ. તેઓ ભવિષ્યમાં ઉતરોતર પ્રગતિ કરે તેવી શુભકામના પાઠવેલ. આ આ તકે શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મીરાણીએ મ્યુનિ. કમિશનરને કચ્છ જેવા સમગ્ર દેશના સૈથી મોટા જિલ્લામાં કલેકટર તરીકે પોસ્ટીંગ મળવા બદલ અભિનંદન આપતા જણાવેલ કે, રાજકોટ શહેરમાં કમિશનર તરીકેના 21 માસના કાર્યકાળ દરમ્યાન  અરોરાએ ટુંકા ગાળામાં ઘણી લોકચાહના મેળવેલ છે અને અનેક પ્રોજેકટ્સ પૂર્ણ કરેલ છે. તેઓ એક અધિકારી તરીકે આ શહેરમાં એક ખૂબજ સારી ઇમેજ છોડીને જઇ રહ્યા છે, ત્યારે નવી જગ્યાની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું.

મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ તમામ પધાધિકારીઓનો આભાર વ્યક્ત કરતા જણાવેલ  કે, 21 મહિનામાં તમામ લોકોનો ખુબ સાથ સહકાર મળેલ. ખાસ કરીને  મેયર, શહેર ભાજપ પ્રમુખ તેમજ સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન સાથે એકદમ નજીકથી કામ કરવાની તક મળેલ. મારા સમગ્ર કાર્યકાળ દરમ્યાન કામ કરવાની સૌથી વધુ મજા મને રાજકોટમાં આવેલ, અને અત્યાર સુધીનું શ્રેષ્ટ પોસ્ટીંગ રાજકોટ શહેર રહેલ છે. ચુંટાયેલ પાંખ એક પરિવારની જેમ રહેલ છે, અને ખૂબજ સાથ સહકાર સાંપડેલ છે. કોર્પોરેટરો પણ ખૂબજ ઉમદા સેવાકિય પ્રવૃત્તિઓ કરે છે. આ શહેર આધુનીકરણમાં પણ અગ્રેસર હોવા છતાં અહીંના લોકોમાં ગ્રામ્ય વિસ્તારના લોકો જેવી લાગણી અને આગતા સ્વાગતાનો ભાવ સવિશેષ જોવા મળેલ છે. મારે પરિવાર સાથે ભવિષ્યમાં જો કોઇ શહેરમાં સેટલ થવાનુ થશે ત્યારે ચોક્કસપણે રાજકોટ શહેરને પસંદ કરીશ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.