Abtak Media Google News

રાજકોટ જિલ્લાના પ્રભારી મંત્રી રાધવજીભાઈ પટેલ સમક્ષ વિવિધ પ્રશ્નો રજુ  કરતા કોર્પોરેશનના હોદેદારો,સાંસદ અને ધારાસભ્યો:ઉકેલની  માત્ર ખાતરી

રાજકોટ જિલ્લાનાપ્રભારી મંત્રીશ રાઘવજીભાઈ પટેલની ઉપસ્થિતિમાં રાજકોટ મહાનગરપાલિકા અને રૂડાના વિવિધ વિકાસ કામો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા કરાયેલી જુદી જુદી રજૂઆતો અંગે સમીક્ષા બેઠક યોજાઈ હતી.

જેમાં મંત્રીએ રાજ્ય સરકાર, રાજકોટ મહાનગરપાલિકા તથા રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ (રૂડા) લગત પ્રશ્નો અંગે સંકલન કરી વિકાસ કામો આગળ ઘપે તેવા સૌ સાથે મળીને પ્રયાસો કરીશું તેવી ખાતરી આપી હતી.

આજે રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના  મંત્રી તથા રાજકોટ જીલ્લાના પ્રભારી મંત્રી રાઘવજીભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલી

બેઠકમાં સાંસદ  મોહનભાઈ કુંડારિયા અને  રામભાઈ મોકરિયા,મેયર ડૉ. પ્રદીપ ડવ, ધારાસભ્ય  ઉદયભાઈ કાનગડ,  રમેશભાઈ ટીલાળા અને  ડો. દર્શીતા શાહ,શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ડે. મેયર કંચનબેન સિધ્ધપુરા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલ, મ્યુનિ. કમિશનર આનંદ પટેલ, શાસક પક્ષના નેતા વિનુભાઈ ઘવા, દંડક સુરેન્દ્રસિંહ વાળા, નાયબ મ્યુનિ. કમિશનર અનીલ ધામેલિયા અને ચેતન નંદાણી ઉપરાંત વિવિધ શાખાના અધિકારીઓ ઉપસ્થિત રહયાં હતા..

આ બેઠકમાં સરકારમાં પેન્ડિંગ  પ્રશ્નો જેવા કે, રામનાથ મંદિર ડેવલપમેન્ટ અને આજી રીવરફ્રન્ટ અને નવા ભળેલા વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાના કામ તેમજ “રૂડા” દ્વારા ૧૫૦ ફૂટ રીંગ રોડને ચાર માર્ગીય બનાવવા માટે ગ્રાન્ટ, મવડી – વાવડી – માધાપરની ટી. પી. સ્કીમો વહેલા સર મંજુર થાય તે માટે પ્રભારી મંત્રી સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી.

આ ઉપરાંત સંસદ સભ્ય ધારાસભ્ય તેમજ મહાનગરપાલિકાના પદાધિકારીઓ દ્વારા રજુ થયેલ વિવિધ પ્રશ્નો જેવા કે, વિધાનસભા – ૬૮માં પીવાના પાણી તેમજ ચોમાસા પૂર્વે રસ્તાના પેચ વર્કના કામો, વિધાનસભા – ૭૦માં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ શાળા બિલ્ડીંગ સત્વરે કાર્યરત થાય તે માટે શિક્ષણ વિભાગની વહેલાસર મંજુરી મળે તે માટે તેમજ રૂડા દ્વારા બનાવવામાં આવતા આવાસો રૂડા હેઠળના વિસ્તારોમાં અલગ-અલગ સ્થળોએ બનાવવા જેમ કે, શાપર વેરાવળમાં કામ કરતા શ્રમિકોને નજીકના સ્થળોએ જ આવાસો મળે તેવું આયોજન કરવું. વિધાનસભા – ૬૯માં વોર્ડ નં.૩માં આવેલ ચોમાસાની ઋતુમાં પોપટપરા નાળામાં જે સમસ્યા સર્જાઈ છે તેના નિરાકરણ માટે રજૂઆત કરાયેલ. આ ઉપરાંત કોર્પોરેશનના અન્ય વિભાગો લગત પ્રશ્નોની ચર્ચા વિચારણા કરાવામાં આવી હતી.

આ તમામ ચર્ચા વિચારણા અને સમીક્ષાને અંતે પ્રભારી મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવેલ કે, સરકાર કક્ષાએ નિર્ણય લેવાના થતા રાજકોટ મહાનગરપાલિકા અને “રૂડા”ના વિવિધ પ્રશ્નો અંગે સરકાર સાથે યોગ્ય સંકલન કરીશું. આ ઉપરાંત રાજકોટ શહેર સૌરાષ્ટ્રનું પાટનગર છે અને વિકસિત શહેર છે જેથી લોક પ્રશ્નો અંગે વહીવટી તંત્ર દ્વારા ચુટાયેલા પ્રતિનિધિઓ સાથે યોગ્ય સંકલન કરી લોક સુખાકારીના કામો ઝડપથી આગળ ધપે તેવા આપણે સૌ સાથે મળી પ્રયાસો કરીએ. પ્રભારી મંત્રી તરીકે મારી આજની આ મીટીંગમાં થયેલી કાર્યવાહીથી હું સંતુષ્ઠ અને ખુશ છું. રાજકોટના સાંસદ, ધાસભ્યો,  મહાપાલિકાના પદાધિકારીઓ અને મ્યુનિ. કમિશનર વગેરે શહેરની વિકાસ પ્રક્રિયા આગળ ધપાવવા માટે ખુબ જ ઉત્સાહી છે. શહેરના વિકાસ તેમજ પ્રાથમિક સુવિધાના કામો અંગે નગરજનોની અપેક્ષા ઝડપભેર પૂર્ણ થાય તેવી આશા રાખું છું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.