ડિજિટલમાં ગફલા !!! : રૂ.700 કરોડ “ડાયરેક્ટ કેશ ટ્રાન્સફર” આડા હાથે વહી ગયા!!!

અબતક, નવી દિલ્હી : જ્યારે રાજીવ ગાંધી વડાપ્રધાન હતા ત્યારે તેઓએ સ્વીકાર્યું હતું કે દિલ્હીથી નીકળેલો એક રૂપિયો છેવાડાના માનવી સુધી પહોંચતા 15 પૈસા થઈ જાય છે. આ વાતને ધ્યાને રાખીને નરેન્દ્ર મોદીએ ડિજિટલાઇઝેશન ઉપર ધ્યાન મૂક્યું છે. તેમ છતાં આંધ્રપ્રદેશમાં રૂ. 700 કરોડ ડાયરેક્ટ કેશ ટ્રાન્સફર આડા હાથે વહી જતા ચકચાર મચી ગઇ છે.

લાભની મોટી રકમ ખોટા લોકોના ખાતાઓમાં પડી જતા સરકાર ધંધે લાગી ગઇ, તપાસનો ધમધમાટ

આંધ્રપ્રદેશ સરકાર દ્વારા અમલમાં મુકેલી વિવિધ સીધી રોકડ ટ્રાન્સફર યોજનાઓ અંતર્ગત આ વર્ષે અત્યાર સુધીમાં રૂ. 700 કરોડની આશ્ચર્યજનક રકમ ક્યાં ગઈ તેનો કોઈ હિસાબ મળતો નથી. વાય એસ જગન મોહન રેડ્ડી સરકારે દાવો કર્યો છે કે તેણે જૂન 2019 થી જૂન 2021 દરમિયાન વિવિધ  યોજનાઓ હેઠળ એક લાખ કરોડ રૂપિયાની રકમ ચૂકવી દીધી છે. જ્યારે રાજ્યના નાણાં પ્રધાન બગના રાજેન્દ્રનાથે તાજેતરમાં જ તેમના વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે રોકડ પ્રવાહની પરિસ્થિતિની સમીક્ષા કરી હતી, ત્યારે તાળો મેળવવા માટે લાભાર્થીઓના ડેટાને ફરીથી કાયદેસર કરવા નિર્ણય લેવાયો હતો.

ત્યારબાદ કેટલીક મોટી યોજનાઓની પરીક્ષણ ચકાસણીએ લાભાર્થીઓના ડેટા તપાસતા સંકેત મળ્યો હતો કે મોટી રકમ ખોટા ખાતામાં પડી ગઈ છે, એમ નાણાં વિભાગના અધિકૃત સૂત્રોએ જણાવ્યું હતું. અમને હવે શંકા છે કે છેલ્લા બે વર્ષમાં આશરે 3 હજાર કરોડ રૂપિયાથી વધુ શંકાસ્પદ વ્યક્તિઓને ગયા હશે, તેમ સૂત્રોએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું.

સરકાર કઈ યોજનામાં કેટલા નાણાની ઓનલાઇન સહાય કરે છે?

લાખો લાભાર્થીઓને મોટી રકમ ચૂકવવાની વાર્ષિક યોજનાઓમાં અમલમાં છે. જેમાં અમ્મા વોડી (દરેક માતાને રૂ. 15,000), પીએમ કિશન રાયથુ ભરોસા (દરેક ખેડૂતને રૂ. 13,500), ચિયુતા (દરેક બક્ષીપંચ, એસસી, એસટીને રૂ. 18,750 અને 45 વર્ષથી વધુ વયની લઘુમતી મહિલા), વહના મિત્રા (દરેક કેબ / ઓટો ડ્રાઈવરને 10,000 રૂપિયા) અને મત્સ્યકાર ભરોસા (દરેક માછીમારને 10,000 રૂપિયા).

મુખ્યમંત્રીના હસ્તે ખાતામાં ડિપોઝીટ થયેલી કરોડોની સહાય અટકાવી દેવાય!

22 જૂને, મુખ્યમંત્રીએ ચિયુતા યોજના હેઠળ 23,41,827 લાભાર્થીઓને  18,750 રૂપિયા સ્થાનાંતરિત કર્યા હતા. પરંતુ, ત્યારબાદ 89869 મહિલાઓને 168.17 કરોડ રૂપિયાની ચુકવણી અટકાવી દેવામાં આવી છે, કારણ કે સરકારે લાભાર્થીઓની અસલિયતની ચકાસણી કરવાની માંગ કરી હતી, એમ નાણાં વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું.18 મેના રોજ, મત્સ્યકાર ભરોસા હેઠળ 1,19,875 માછીમારોના બેંક ખાતાઓમાં રૂ. 119.88 કરોડની રકમ જમા કરવા માટે કમ્પ્યુટર બટન દબાવ્યું હતું. પરંતુ પાછળથી 21.73 કરોડ રૂપિયા રોકી દેવામાં આવ્યા હતા.