Abtak Media Google News

દશેરા પહેલા DBTના માધ્યમથી કર્મચારીઓના ખાતામાં જમા થશે નાંણા

બજારમાં માંગને વેગ આપી તેજી લાવવા સરકાર સતત પ્રયાસો કરી રહી છે. ત્યારે કેન્દ્ર સરકારે ફરી નાંણાનો કોથળો ખુલ્લો મૂકયો છે.
એલટીસી કેશ વાઉચર સ્કીમની જાહેરાત બાદ હવે સરકારે 3737 કરોડની દિવાળી બોનસની જાહેરાત કરી છે. જેનો લાભ કેન્દ્રના 31 લાખ કર્મચારીઓને મળશે.

કેન્દ્રીય કેબીનેટે આજે નાણાકીય વર્ષ 2019-20 માટે ઉત્પાદકતા અને બિન-ઉત્પાદકતા લિંક્ડ બોનસને મંજૂરી પ્રદાન કરી છે. સરકારની આ ઘોષણાથી 30 લાખ 67 હજાર સરકારી અધિકારીઓ અને કર્મચારીઓને ફાયદો થશે.

જો કે, આ નિર્ણયથી સરકારી તિજોરી ઉપર 3737 કરોડનો બોજો વધશે. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે આ અંગે જાહેરત કરી જણાવ્યું છે કે બોનસ એક હપતામાં બહાર પાડવામાં આવશે. આ રકમ તમામ કર્મચારીઓ અને અધિકારીઓના ખાતામાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા વિજયાદશમી પહેલાં જમા થશે.

બોનસનો લાભ 17 લાખ નોન-ગેઝેટેડ કર્મચારીઓને મળશે. જેમાં રેલ્વે, પોસ્ટ ઓફિસ, ઇપીએફઓ, ઇએસઆઈસીના કર્મચારીઓ શામેલ છે. તેને આશરે 2791 કરોડ રૂપિયા બોનસ તરીકે આપવામાં આવશે. બાકીના 13 લાખ કર્મચારીઓને નોન-પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ તરીકે 946 કરોડ અપાશે.અગાઉ, સરકાર દ્વારા એલટીસી કેશ વાઉચરની અને 10 હજાર રૂપિયાના ફેસ્ટિવલ એડવાન્સની પણ જાહેરાત કરવામાં આવી હતી.

અર્થવ્યવસ્થાને બુસ્ટર ડોઝ આપવા સરકારના પ્રયાસો

કોરોના મહામારીને કારણે સમગ્ર વિશ્વ પર મંદીના વાદળો ઘેરાયા છે. તેમાં પણ વિશ્વના સૌથી મોટા લોકતંત્ર દેશ એટલે ભારતની અર્થવ્યવસ્થાની હાલત ખરાબ છે. કોરોનાને લીધે માંગ અને પુરવઠો એમ બંને ખૂબ પ્રભાવિત થયા છે. આવી સ્થિતિમાં અર્થવ્યવસ્થાને બુસ્ટર ડોઝ આપી માંગને વેગ આપવા માટે સરકાર દ્વારા અસરકારક પગલા લેવામાં આવી રહ્યા છે. આગામી તહેવારોની સીઝનમાં 3700 કરોડ રૂપિયા 30 લાખ કર્મચારીઓના હાથમાં જશે. જેનો ખર્ચ થશે અને પરોક્ષ રીતે માર્કેટમાં જ વહેશે. આમ, બજારમાં તરલતા આવશે અને મંદીમાંથી તેજી લવાશે. આ અગાઉ, 10,000 ફેસ્ટીવલ એડવાન્સની ઘોષણા પણ આ જ હેતુથી કરવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.