સમયના સંકોચનની ચાડી ફૂંકતા ગ્રેવિટેશનલ વેવ્સ, પ્લાસ્ટિકનો ઉપીયોગ ઓછો નહીં કરોતો વધશે આવા ખતરા

ભારત પ્લાસ્ટિકનો વિશ્વ ભરમાં સૌથી વધુ ઉપયોગ કરતો દેશ છે, વિશ્વ ભરમાં જેટલું પ્લાસ્ટિકનું ઉત્પાદન થાય છે એના 79 ટકા પ્લાસ્ટિક ભારતમાં પ્રવેશે છે!

ભાઈ 2 કપ ચા આપો ને, પ્લાસ્ટિક ના કપ માં આપજો. સવાર પડે ને ચા પીવી એ ગુજરાતી ની આદત છે. ઘણા લોકો માટે ચા નો દુકાળ સહન કરવો એ અશક્ય છે. પરંતુ એક આદત એવી છે જે આપણાં અને આપણી ધરતી માતા માટે ખૂબ જ હાનિકારક છે. એ છે પ્લાસ્ટિક નો કચરો! આજ થી જો સદી પહેલા ની વાત કરીએ તો આ પ્લાસ્ટિક ની જંજટ નહોતી. પ્રકૃતિ માથી મળી આવતી વસ્તુઓ વપરાતી. જો કે હવે લોકો થોડા સભાન થયા છે પરંતુ જે કચરા ની માત્રા આપણાં દેશ માં છે તે ખરેખર ચિંતાજનક છે. સ્વચ્છ ભારત ની ચળવળ તો ચાલુ થઈ પરંતુ એવા તત્ત્વો નું શું કે જેનું વિઘટન થઈ શકતું જ નથી!

આ પ્લાસ્ટિક ની શરૂઆત ક્યાંથી થઈ? આદિકાળ ના લોકો પત્થર કે માટી ના પાત્રો વાપરતા. ધીમે ધીમે ધાતુઓ ની શોધ થતાં તાંબા, કાંસા અને લોખંડ ના પાત્રો બન્યા. આ સાથે લાખ ના અને કાંચ ના પાત્રો પણ બન્યા. વર્ષ 1862 માં એલેક્ઝાન્ડર પર્કેસ એ લંદન ઇન્ટરનેશનલ એક્સિબિશન માં દુનિયા માં સૌપ્રથમ પ્લાસ્ટિક પ્રદર્શિત કર્યું. ત્યારે તેનું નામકરણ પરકેસીન એવું થયું. ખરેખર એલેક્ઝાન્ડર પર્કેસ લાખ ની બનેલ વસ્તુઓ નો વિકલ્પ શોધવા માંગતા હતા. મુખ્ય કારણ વોટર પ્રૂફ પદાર્થ બનાવવાનું હતું. તેમણે બનાવેલ સેલ્યુલોઇડ ત્યારે એટલું વાણિજ્યવિષયક સફળતા ન મેળવી શક્યું. સમીકરણ ત્યારે બેસવાનું શરૂ થયું જ્યારે વર્ષ 1907 માં બેકેલાઇટ બન્યું. આ દુનિયા નું સૌપ્રથમ સંપૂર્ણ રીતે માનવસર્જિત પ્લાસ્ટિક હતું. ડો. લિયો બકેલેંડ એ બેકેલાઇટ ના ઔદ્યોગિક ઉત્પાદન ની પદ્ધતિ શોધી કાઢી. આ સમય આધુનિક પ્લાસ્ટિક યુગ ની શરૂઆત ગણી શકાય. ઝબલા, કપ અને જાણે બીજા કેટલાય પ્રકારે છવાયેલ પોલિમર લગભગ વર્ષ 1920 માં શોધાયું. ત્યાર બાદ 1930 ના દશક માં ઇંગ્લૈંડ દ્વારા યુદ્ધ ક્ષેત્રે અને ત્યાર બાદ જીવન જરૂરિયાત ની વસ્તુઓ બનાવવા પ્લાસ્ટિક નો બહોળો ઉપયોગ થવા માંડ્યો. ખરેખર સૌથી વધુ વિકસિત સમય 1950 થી શરૂ થયો. ફક્ત 60-70 વર્ષ માંજ આપણે રોજબરોજ ની સંખ્યાબંધ વસ્તુઓ પ્લાસ્ટિક માં ફેરવી નાંખી. વજન માં હળવું, વોટરપ્રૂફ અને સસ્તું એવું પ્લાસ્ટિક કોને ન ગમે! પરંતુ એ બાબત તો જોવાઈ જ નહીં કે આ પ્લાસ્ટિક વાતાવરણ અને પશુઓ માટે કેટલું હાનિકારક નીવડશે!

ભારત પ્લાસ્ટિકનો વિશ્વભર માં સૌથી વધુ ઉપયોગ કરતો દેશ છે. વિશ્વ ભાર માં જેટલું પ્લાસ્ટિક નું ઉત્પાદન થાય છે એના 79 ટકા પ્લાસ્ટિક ભારત માં પ્રવેશે છે! સરકાર પ્લાસ્ટિક ના બેગ પર ગમે તેટલો પ્રતિબંધ લાદે, ઠેર ઠેર દુકાનો માં હજી પણ પ્લાસ્ટિક બેગ ની માંગ થાય જ છે. ભારત માં વર્ષ 2019 માં 5.3 મિલિયન મેટ્રિક ટન પોલિથિલીન નો ઉપયોગ થયો હતો. 5.08 મિલિયન મેટ્રિક ટન પોલીપ્રોપીલીન અને 3.31 મિલિયન મેટ્રિક ટન પીવીસી વપરાયું હતું. શું આ બધા નો નિકાલ થઈ શક્યો હશે? શું રીસાઇકલ થયું હશે? ભારત માં પ્લાસ્ટિક પ્રોસેસિંગ ક્ષેત્રે લગભગ 40 હજાર જેટલા ઉદ્યોગો કાર્યરત છે. આ ઉદ્યોગો માથી ઉત્પન્ન થતું 43 ટકા  પ્લાસ્ટિક એ સિંગલ યુઝ પ્લાસ્ટિક છે. જો પ્લાસ્ટિક ના વેસ્ટ ની વાત કરીએ તો આંકડો ખૂબ મોટો છે. ભારત દેશ વાર્ષિક લગભગ 9.46 મિલિયન ટન પ્લાસ્ટિક વેસ્ટ ઉત્પન્ન કરે છે. આ વેસ્ટ માથી 40 ટકા તો કોઈ કચેરી દ્વારા કલેક્ટ જ થતો નથી! ભારત સરકાર એ વર્ષ 2016 માં પ્લાસ્ટિક વેસ્ટ ના પ્રબંધન માટે નિયમો જાહેર કર્યા. આ નિયમો હેઠળ સરકાર પ્લાસ્ટિક ના વેસ્ટ ને સંતોષકારક રીતે નિકાલ કરવા પહેલ કરે છે. પરંતુ શું તેટલું જ કરવું પૂરતું છે? ખરેખર તો પ્લાસ્ટિક અને તેના જેવા બધા જ પદાર્થો ને સંપૂર્ણ રીતે વિઘટિત કરવા વૈજ્ઞાનિક અભિગમ વિચારવાની જરૂર છે. આપણે સહુ જાણીએ જ છીએ કે પ્લાસ્ટિક ફક્ત મનુષ્યો માટે જ નહીં પરંતુ પર્યાવરણ અને પશુઓ માટે પણ અત્યંત હાનિકારક છે.

હાઇડ્રો પીઆરએસ: હવે સમય આવી ગયો છે!

વર્ષો થી આટલા પ્રમાણ માં પ્લાસ્ટિક નું ઉત્પાદન થાય છે અને વાતાવરણ માં કચરા સ્વરૂપે ઠલવાય પણ છે. સમુદ્ર માં ફેંકાયેલ પ્લાસ્ટિક નું વિઘટન થતું જ નથી અને આ કારણે સમુદ્ર ના પેટાળ માં રહેલ જીવો આ પ્રદૂષણ ના ભોગ બને છે. પરંતુ શું આ સમસ્યા નો કોઈ ઉકેલ જ નથી? શું પ્લાસ્ટિક ને વિઘટિત કે રીસાઇકલ કરવાની કોઈ અસરકારક પદ્ધતિ છે?


આ વિશે યુ.કે. સ્થિત કંપની મુરા ટેક્નોલોજી એ પહેલ કરી. પ્રકૃતિશાસ્ત્રવેદા તથા ફિલ્મ નિર્માતા એવા સર ડેવિડ અટેનબોરો એ એક વિડિયો મારફતે ચળવળ શરૂ કરી. આ ચળવળ માં યુ.કે. માં પ્લાસ્ટિક રીસાઇકલ માટે ટેક્નોલોજીના વિકાસ વિશે વાત હતી. મુરા ટેક્નોલોજી નામની કંપની એ આ વિડિયો ને પ્રકાશિત કર્યો અને સાથે પોતે વિકસિત કરેલ એક નવી ટેક્નોલોજી દુનિયા સામે રાખી. આ ટેક્નોલોજી દરેક પ્રકાર ના પ્લાસ્ટિક ને સંપૂર્ણ રીતે વિઘટિત અને રીસાઇકલ કરવા સક્ષમ છે. હાઇડ્રોથર્મલ પ્રક્રિયા મારફતે પ્લાસ્ટિક નું અતિ ઊંચા તાપમાને બનતી વરાળ દ્વારા પ્લાસ્ટિક નું વિઘટન થાય છે. સુપરક્રિટિકલ સ્ટીમ દ્વારા પ્લાસ્ટિક ને રીસાઇકલ કરતી આ ટેક્નોલોજી હાઇડ્રોપીઆરએસ નામથી ઓળખાય છે. મુરા ટેક્નોલોજી એ દાવો કર્યો છે કે 2022 સુધી માં તેઓ દરેક પ્રકાર ના પ્લાસ્ટિક ને રીસાઇકલ કરવા સક્ષમ બની જશે. તેઓ દર વર્ષે લગભગ 80 હજાર ટન પ્લાસ્ટિક વેસ્ટ ને પ્રોસેસ કરી શકશે.  જો આજ રીતે ભારત પણ જો પ્લાસ્ટિક ને રીસાઇકલ કરવા કોઈ નવો વૈજ્ઞાનિક અભિગમ શોધી શકે તો પર્યાવરણ ની એક અતિ મુશ્કેલ સમસ્યા નિવારી શકાય. પ્લાસ્ટિક નો ઉપયોગ તરત જ ઘટાડી દેવો મુશ્કેલ છે પરંતુ જો તેને સંપૂર્ણ રીતે રીસાઇકલ કરી શકીએ તો પણ સમસ્યા ઉકેલાઈ જશે. આત્મનિર્ભર ભારત હેઠળ જો પર્યાવરણ ની સમસ્યાઓ નો હલ કાઢતા નાના ઉદ્યોગો સ્થપાય તો આત્મનિર્ભરતા સાથે આત્મસ્વસ્થતા પણ વિકસિત થશે.

 વાઇરલ કરી દો ને

દુકાનો માં જે કપડાંની બેગ મળે છે તે વરસાદમાં રેઇનકોટ ની ટોપી જેવુ કામ ન કરે એમાં તો પેલું ઝબલું જ ચાલે!

તથ્ય કોર્નર

સી એજ્યુકેશન સોસાયટીના અભ્યાસ મુજબ એટલાંટિક ક્ષેત્ર માં પ્રતિ સ્કવેર કિમી 5,80,000 પ્લાસ્ટિક ટુકડાઓ છે.

મુરા ટેક્નોલોજીએ દાવો કર્યો છે કે 2022 સુધીમાં તેઓ દરેક પ્રકારના પ્લાસ્ટિકને રીસાઇકલ કરવા સક્ષમ બની જશે , તેઓ દર વર્ષે લગભગ 80 હજાર ટન પ્લાસ્ટિક વેસ્ટને પ્રોસેસ કરી શકશે