Abtak Media Google News

ગુજરાત ડુપ્લીકેટ બાબતોમાં હવે લગભગ ચીનની સમકક્ષ પહોંચી ચુક્યું છે. ઘી હોય કે અધિકારી તમામ વસ્તુંઓ અહીં ડુપ્લીકેટ મોટા પ્રમાણમાં બની રહી છે. તેવામાં બોગસ બિલિંગ બાબતે પણ ગુજરાત કાઠુ કાઢી રહ્યું છે! આ બોગસ બિલિંગને ડામવા માટે સ્ટેટ જીએસટી વિભાગ એક્ટિવ થયો છે. આ અંગે હાથ ધરાયેલા એક મેગા ઓપરેશન અંતર્ગત રાજ્યની અલગ અલગ 37 પેઢીમાં દરોડા પાડવામાં આવ્યા હતા. જેના પગલે 53 કરોડ રૂપિયાની કરચોરી ઝડપી હતી.

67 પેઢી ઉપર સર્ચ ઓપરેશનમાં આવી ચોકાવનારી વિગતો : 37 પેઢીઓ માત્ર કાગળ પર જ

ગુજરાતમાં બોગસ બોલિંગ કિસ્સાઓમાં ધરખમ વધારો

બોગસ જીએસટી બિલીંગને ડામવા માટે ગાંધીનગરમાં સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા 67 પેઢીઓ પર સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. જે પૈકી 37 પેઢીઓ માત્ર કાગળ પર જ હોવાનું સામે આવ્યું હતું. અમદાવાદમાં 13, વડોદરામાં 8 અને સુરતમાં 7 બોગસ પેઢીઓ ઝડપાઇ હતી. રાજકોટમાં 5, મોરબીમાં 2, જૂનાગઢ અને ગાંધીધામમાંથી 2 બોગસ પેઢીઓ મળી આવી હતી. 37 પેઢીમાંથી 53 કરોડ રૂપિયાનું બોગસ બિલિંગ ઝડપાયું હતું.

જીએસટી વિભાગ દ્વારા હાલમાં ગુજરાતમાં વિવિધ સ્થળો પર એક પછી એક તબક્કાવાર દરોડા પાડી રહ્યું છે. જેના કારણે કરચોરોમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે. ભાવનગરમાંથી પણ એક વિશાળ બોગસબિલિંગ કૌભાંડ ઝડપી લીધા બાદ વિવિધ હોટલોમાં પણ દરોડા પાડવામાં આવ્યા હતા. ત્યાર બાદ રેસ્ટોરન્ટ અને ફ્રેંચાઇજીઓ પર પણ દરોડા પડાયા હતા. આ દરેક પેઢી ઉપર હવે આવકવેરા વિભાગ પણ ત્રાટકે તો નવાઈ નહી. એક તરફ ભારત આર્થિક સધરતા મેળવવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યું છે. ત્યારે આવનારા દિવસોમાં કર ચોરી અને બોગસ બોલિંગ કરતી પેઢીઓ પર તવાઈ બોલાવામાં આવશે.

હાલ રાજકોટ સહિત મોરબી, જૂનાગઢ , અમદાવાદ સહિતના શહેરોમાં બોગસ પેઢીઓ પર તવાઈ બોલાવામાં આવી છે અને આ પેઢીના અન્ય સાથે સાઠગાઠ હોવાનું પણ ખૂલ્યું છે. ત્યારે આ મેગા ઓપરેશન કેટલા દિવસ ચાલશે તેનો કોઈ અંદાજો નથી. બીજી તરફ જે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું તેમાં કુલ 67 પેઢી ઉપર દરોડા પાડવામાં આવ્યા છે. અધિકારીઓ દ્વારા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું તેમાં 37 પેઢીઓ માત્ર કાગળ પરજ જોવા મળી હતી. સમગ્ર ગુજરાત રાજ્યમાં કિસ્સાઓ ખૂબ વ્યાપક પ્રમાણમાં ઊભા થઈ રહ્યા છે અને તેમાં ગુજરાત આગળ નીકળી ગયું છે. સેન્ટ્રલ જીએસટી અને સ્ટેટ જીએસટી સંયુક્ત રીતે હાલ સમગ્ર રાજ્યમાં વિવિધ સ્થળો અને વિવિધ ઉદ્યોગો ઉપર તવાઈ બોલાવી રહ્યા છે. હાલ ખૂબ મોટા પ્રમાણમાં ઘરચોરી પકડાઈ રહી છે. પેઢીઓને દંડિત પણ કરવામાં આવી રહી છે ત્યારે જીએસટી વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલું આ સર્ચ ઓપરેશનથી પેઢીઓમાં ફફડાટ મચી ગયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.