Abtak Media Google News

માનસિક શાંતિ માટે શાસ્ત્રીય સંગીત શ્રેષ્ઠ વિકલ્પ

પ્રખ્યાત સંગીતજ્ઞો દ્વારા વાંસળી, પખવાજ, સિતાર, સારંગી, તબલાવાદનની રજૂઆત થશે

સમગ્ર વિશ્વ હાલના સમયે કોરોનાની મહામારીને કારણે શારિરીક અને માનસિક રીતે અસ્વસ્થ છે. લોકડાઉનના કારણે લોકો માનસિક રીતે પણ ભોગ બની રહ્યા છે. જીટીયુ સંલગ્ન નવોદિત કલાકારોને પ્લેટફોર્મ મળી રહે તથા શાસ્ત્રીય સંગીત દ્વારા લોકોને માનસિક શાંતીનો અનુભવ થાય. તે હેતુસર જીટીયુના સ્પોટ્સ અને મીડિયા વિભાગ દ્વારા ૬ દિવસીય ઓનલાઈન શાસ્ત્રીય સંગીત મહોત્સવ  આગામી તારીખ ૧૧થી  ૧૬ એપ્રિલ સુધી રાત્રે ૮ કલાકે જીટીયુના ફેસબુક પેજ પર લાઈવ કરવામાં આવશે. જેનાથી લોકો ઘરે રહીને શાસ્ત્રીય સંગીત સાંભળી  શકશે. જીટીયુના કુલપતિ પ્રો ડો નવિન શેઠ અને કુલસચિવ ડો કે.એન. ખેર દ્વારા વધુમાં વધુ લોકો આ મહોત્સવને સાંભળીને માનસિક શાંતીનો અનુભવ કરે  તેવી રજૂઆત કરવામાં આવી છે.

જીટીયુ ઓનલાઈન સંગીત મહોત્સવમાં તારીખ ૧૧થી ૧૬ એપ્રિલ સુધી અનુક્રમે સુમિત ભટ્ટ રાગ હંસધ્વનીમાં વાંસળીવાદન, અભિષેક દેવતી તાલ ચૌતાલમાં પખાવજવાદન , પૂજા પરમાર રાગ યમનમાં સિતાર વાદન, અર્પિત માંડવિયા રાગ બિહાગમાં સારંગીવાદન, જયદિપ લાકુમ તાલ તિનતાલમાં તબલાવાદન અને પાર્થ પંચોલી રાગ યમનમાં વાંસળી વાદનની પ્રસ્તુતી રજૂ કરશે. આ તમામ સંગીતજ્ઞો દ્વારા ચોપાસેની , નાના સાહેબ પાનસે , મઈહાર , દિલ્હી અને અજરાડા ઘરાનાની ધરાનેદાર રચનાઓ રજૂ કરવામાં આવશે. સમગ્ર મહોત્સવનું સંચાલન સ્પોટ્સ ઑફિસર ડો. આકાશ ગોહિલ તથા મીડિયા ઓફિસર શ્રી મિલન પાઠક દ્વારા કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.