ભરૂચની પટેલ વેલ્ફેર કોવિડ હોસ્પિટલમાં આગ: 12 દર્દી, બે કર્મચારીઓ સહિત 16 જીવતા ભુંજાયા

ગુજરાતના ભરૂચની કોવિડ હોસ્પિટલમાં મોડી રાત્રે ભીષણ આગ લાગી હતી, જેમાં 12 કોરોના દર્દીઓનાં મોત થયા હતાં. આ ઘટનામાં ઘણા ઘાયલ થયા હોવાના પણ એહવાલ છે. ભરૂચના પટેલ વેલ્ફેર હોસ્પિટલમાં શનિવાર રાત્રે 12:30 AM થી 1:00 AM દરમિયાન આ અકસ્માત સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમો આગ પર કાબૂ મેળવા ઘટના સ્થળ પર પહોંચી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે પટેલ વેલ્ફેર હોસ્પિટલના પહેલા માળે કોરોના દર્દીઓ માટે કોવિડ કેર સેન્ટર બનાવવામાં આવ્યું હતું.

આ ઘટના અંગે માહિતી આપતી વખતે ભરૂચના SP રાજેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, ‘આ હોસ્પિટલના કોવિડ વોર્ડમાં 12 કોરોના દર્દીઓ મૃત્યુ પામ્યા છે. આશરે 50 લોકોને આ આગમાંથી બચાવી બીજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.’

આ ચાર માળની હોસ્પિટલ ભરૂચ-જંબુસર હાઇવે પર આવેલી છે, અને ટ્રસ્ટ દ્વારા સંચાલિત છે. ફાયર બ્રિગેડના ઓફિસર શૈલેષ સાંસિયાએ જણાવ્યું હતું કે, ‘કોવિડ વોર્ડ હોસ્પિટલના પહેલા માળે બનાવવામાં આવ્યો હતો. ત્યાં ખુબ ભીષણ આગ લાગી હતી, અને એક કલાકમાં આગને કાબૂમાં લેવા માટે ફાયર ફાઇટરો અને સ્થાનિક લોકોની મદદએ આવ્યા હતા. જેમાં ઓછામાં ઓછા 50 લોકોને સુરક્ષિત રીતે બચાવવામાં આવ્યા છે.’

આગના કારણે 40 થી વધુ એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડની 12 ગાડી, પોલીસ કાફલો અને સેવાભાવી યુવાનોએ બચાવ રાહત કામગીરી રાતો રાત ઉપાડી લીધી હતી. આગના પગલે લાઈટ ગુલ થઈ જતાં બચાવ રાહત કામગીરીમાં વિક્ષેપ ઉભો થયો હતો. કોવિડ હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના નિરંતર રીતે બની રહી છે. ભરૂચની આ હોસ્પિટલનું નામ આ કરૂણાંતિકમાં નોંધાયું છે.

અધિકારીએ જણાવ્યું કે બચાવવામાં આવેલા લોકોને અન્ય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હજી સુધી, આગનું કારણ જાણવા મળ્યું નથી. હોસ્પિટલમાં આટલી મોટી આગ લાગવાથી થોડા જ સમયમાં અનેક વસ્તુઓ બળીને ખાખ થઈ ગઈ હતી.

અમદાવાદ, વડોદરા, જામનગર, રાજકોટ પછી ભરૂચની હોસ્પિટલની આગની પરંપરા ક્યારે અટકશે ? ભરૂચની કોવિડ હોસ્પિટલમાં લાગેલી આગ અગાઉ એક વર્ષમાં અમદાવાદ,વડોદરા, જામનગર અને રાજકોટમાં પણ કોરોનાની સારવાર લઈ રહેલા દર્દીઓ આઈસીયુમાં જ આગની લપેટમાં આવી ગયાની ઘટના બની છે. છેલ્લા એક વર્ષમાં કોવિડ હોસ્પિટલમાં આગ લાગવાની ઘટનાના સીલસીલામાં ગઈકાલે રાત્રે ભરૂચની ઘટના પાંચમો
અગ્નિકાંડ બન્યો છે.

બે સીનીયર સનદી અધિકારીઓની સમીતીને તપાસ સોંપાઈ

પટેલ વેલ્ફેર કોવિડ હોસ્પિટલની કરૂણાંતિકા અંગે તપાસના આદેશો આપવામાં આવ્યા છે. જો કે આ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું કહેવામાં આવ્યું છે. અલબત આ આગની ઘટનાની તપાસ માટે 2 આઈએસ અધિકારીની સમીતી બનાવી તેની સંપૂર્ણ તપાસના સરકારે આદેશ જારી કર્યા છે અને બે સીનીયર આઈએસ અધિકારીને ભરૂચ મોકલી દેવામાં આવ્યા છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યના સીનીયર અધિકારી શ્રમ રોજગારના મુખ્ય અધિક સચિવ વિપુલ મિત્રા અને કમિશનર મ્યુનિસિપાલીટીસ એડમીનીસ્ટ્રેશન રાજકુમાર બેનીવાલની નિમણુંક કરી ભરૂચ તપાસ શરૂ કરવાના આદેશો આપી દીધા છે.

આ આગની જાણ થતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દુઃખ વ્યક્ત કર્યું, અને ટ્વિટ કરી મૃત્યુ પામેલા લોકોના પરિવારને 4 લાખની આર્થિક સહાય કરવાની જાહેરાત કરી.