Abtak Media Google News

કેસ ઘટતા એમ્બ્યુલન્સના કોલ્સ સાત દિવસમાં 80% ઘટી ગયા

ગુજરાત જાગ્યુ…. કોરોના ભાગ્યું…. છેલ્લા એક વર્ષ કરતાં વધુ સમયથી આતંક મચાવી રહેલા કોરોનાની બીજી લહેરનો અંત આવી રહ્યો તેમ કેસમાં સદંતર ઘટાડો થઇ રહ્યો છે. તો સામે રીકવરી રેટમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. એમાં પણ ગુજરાત અને ખાસ સૌરાષ્ટ્રની સ્થિતિ વધુ સુધરી છે. અન્ય રાજયોની સરખામણીએ ગુજરાતમાં કોરોનાની સ્થિતિ વધુ ઝડપથી રીકવર થઇ રહી છે. કેસ ઘટતા એમ્બ્યુલન્સના ‘ઇમરજન્સી’ કોલમાં પણ ઘટાડો થયો છે. ફકત એક જ અઠવાડીયામાં એમ્બ્યુલન્સના સાયરનની ગુંજ 64 હજારથી 14 હજારે પહોંચી ગઇ છે. માંગમાં ઘટાડો થતા સાયરનની ગુંજ 80 ટકા શાંત થઇ ગઇ છે. ગુજરાત સહિત સમગ્ર દેશને બાનમાં લેનાર કોરોનાના બીજા તબકકાની તીવ્રતા હવે ઘટતા તંત્ર, ડોકટરો સહિત લોકોએ પણ રાહતનો શ્ર્વાસ લીધો છે. રાજયમાં કોરોનાના કેસમાં જે ઘટાડો નોંધાઇ રહ્યો છે. તે પાછળ સરકાર તંત્રની કામગીરી ઉપરાંત લોકોની જાગૃકતા કારણભૂત પરિબળ છે. ગુજરાતની જનતા હવે જાગી જતા કોરોનાએ ઊંધી પૂછડીએ ભાગવું પડયું છે. સંયમ રાખી શિસ્ત જાળવી, સ્વકાળજી લેવી તેમજ ગાઇડલાઇનનું ચૂસ્ત પાલન જ કોરોનાને હરાવવા સક્ષમ છે. કોરોનાની ખતરનાક સાબિત થયેલી ગતિ મંદ પડતા હોસ્પિટલો બહાર 108 એમ્બ્યુલન્સની લાઇનો ઘટી છે. રેમડેસિવિર ઇન્જેકશન માટેની પડાપડી ખત્મ થઇ છે તો આ સાથે ખુટતા બેડ, ઓકિસજનની અછતના ંગંભીર બનેલા પ્રશ્ર્નો પણ ઉકેલાયા છે.

બીજી લહેરમાં કોરોનાનો ધમાસાણ નિયંત્રિત થતા તંત્રને મોટી રાહત

કોરોનાના વધુ નિયંત્રણ માટે રાજ્ય સરકાર દ્વારા આગામી સમય માટે શું વ્યવસ્થા છે ?? તેવા હાઇકોર્ટના પ્રશ્નના જવાબમાં સરકાર દ્વારા માહિતી આપવામાં આવી છે કે કેસ ઘટતા 108 એમ્બ્યુલન્સને દરરોજના આવતા કોલ્સમાં ઘટાડો થયો છે. એમાં પણ ખાનગી વાહનો વધુ ઉપયોગ થવા લાગતા દૈનિક કોલ્સમાં સાડા ચાર ગણો ઘટાડો થયો છે. છેલ્લા અઠવાડિયામાં એક દિવસના 108ની જરૂરિયાતના કોલ 64000 થી ઘટી 14000 થઈ ગયા છે. તો આ સાથે દર મિનિટે આવતા કોલ પણ 40થી ઘટી 10ની સંખ્યાએ પહોંચી ગયા છે.મિનિટ દીઠ કોલ ડ્રોપ 44 થી 10 ની છે. નિષ્ણાતો માને છે કે આ  તીવ્ર ઘટાડો મોટી રાહતરૂપ છે. આગાઉ કોવિડ સિવાયની આપાતકાલીન સેવા માટે સરેરાશ  8500 કોલ્સ આવતા હતાં તેવા કેસ ઘટી કોવિડ અને વધુ આગ લાગવાના બનાવ જ નોંધાઈ રહ્યા છે. જો કે હજુ આગામી સમયમાં આમાં સદંતર ઘટાડો નોંધાશે તેવી શક્યતા છે. તાજેતરમાં ઇએમઆરઆઈ 108 દ્વારા જારી કરવામાં આવેલા ડેટા પણ સેવા પરના બોજ તરફ દોરી જાય છે. એપ્રિલમાં, અમદાવાદમાં એમ્બ્યુલન્સમાં દરરોજ સરેરાશ 1,602 દર્દીઓ અને કલાકદીઠ 67 દર્દીઓ હોસ્પિટલોમાં 48,065 કોવિડ -19 પોઝિટિવ દર્દીઓ લઈ જવાયા હતા. આ આંકડાને પરિપ્રેક્ષ્યમાં મૂકવા માટે, એપ્રિલનો કુલ હિસ્સો તેના અગાઉના છ મહિના કરતા વધારે હતો અને જાન્યુઆરી-ફેબ્રુઆરી મહિનાના આંકડાને એપ્રિલના રોજિંદા આંકડા કરતા ઓછા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.