Abtak Media Google News

સિંચાઇ માટે પાણી ન મળે તો રવી પાક નિષ્ફળ જવાનો ભય : લખતર બંધનું એલાન.

લખતર તેમજ તલવણી ગામના ખેડૂતોએ સિંચાઇ માટે પાણી આપવાની સાથે માંગ રેલી યોજી મામલતદાર કચેરીએ હલ્લાબોલ કર્યો હતો. સિંચાઇના અભાવે રવી પાક નિષ્ફળ જવાનો ભય હોવાથી ખેડૂતોએ આવેદન આપી સિંચાઇ માટે પાણી આપવા માંગ કરી હતી.

Advertisement

લખતર પંથકના ખેડૂતોએ ઘઉં, જીરૂ સહિતના રવીપાકો તેમજ પશુઓ માટે ઘાસચારાનું વાવેતર કર્યું છે પરંતુ પાણીના અભાવે પાક નિષ્ફળ જવાનો ભય છે ત્યારે ખેડૂતોએ સિંચાઇ માટે કેનાલમાંથી પાણી આપવાની માંગ સાથે જિલ્લા પંચાયતના સભ્ય ભૂપતસિંહ રાણા, હસમુખભાઇ હાડી, ઘનશ્યામભાઇ પટેલ, જયેન્દ્ર પટેલ સહિતનાઓએ ખેડૂતોને સાથે રાખી લખતર મામલતદારને લેખિત આવેદનપત્ર પાઠવ્યું હતું.

જેમાં જણાવ્યું હતું કે કેનાલોના કામ અધુરા હોવાથી ખેડૂતોના ખેતરો સુધી પાણી પહોંચતુ નથી જેથી પાણીના અભાવે ખેડૂતોનો ઉભો પાક નિષ્ફળ જવાનો ભય ઉભો થયો છે. તેમજ ચાલુ વર્ષે ચોમાસામાં પણ નહિવત વરસાદ થયો હોવાથી ખેડૂતો માટે રવીપાક એ જ એકમાત્ર આશા છે.

ત્યારે રવીપાકમાં સિંચાઇ માટે પાણી ન મળે તો ખેડૂતોની હાલત કફોડી બને તેવી સ્થિતિ સર્જાઇ છે. આથી તંત્ર દ્વારા આ અંગે તાત્કાલિક નિર્ણય કરી પાણી આપવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરી તંત્રને જગાડવામાં આવશે અને તેમ છતાં જો તંત્ર ખેડૂતોની માંગણી નહીં સંતોષે તો સામુહિક આત્મવિલોપન કરવાની ચીમકી પણ રજૂઆતના અંતે ઉચ્ચારી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.