Abtak Media Google News
  • આરોગ્ય વિભાગ સ્ટેન્ડ બાય રહેશે: પરીક્ષા દરમિયાન આકસ્મિક સંજોગોમાં વિદ્યાર્થીઓને સારવારની જરૂર પડે તો તેના માટે પરીક્ષાના સ્થળ સંચાલકોને ડોક્ટરોના નંબરો મોકલી અપાયા

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની 11 માર્ચથી ધોરણ-10 અને 12ની પરીક્ષા શરૂ થઈ રહી છે, ત્યારે પરીક્ષાને લઈ આરોગ્ય વિભાગ સ્ટેન્ડ બાય રહેશે. પરીક્ષા દરમિયાન આકસ્મિક સંજોગોમાં વિદ્યાર્થીઓને સારવારની જરૂર પડે તો તેના માટે પરીક્ષાના સ્થળ સંચાલકોને ડોક્ટરોના નંબરો મોકલી આપવામાં આવ્યા છે. અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા પણ 7 જેટલી હોસ્પિટલ અને 95 આરોગ્ય કેન્દ્રના નંબરોની યાદી તમામ સ્થળ સંચાલકોને મોકલી આપી છે. જેથી પરીક્ષા વખતે અચાનક સારવારની જરૂર પડે તો છેલ્લી ઘડીએ દોડધામ કરવાના બદલે તાત્કાલીક સારવાર માટે નજીકની આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલી શકાશે.

અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા કોર્પોરેશન વિસ્તારમાં આવેલી વી.એસ. હોસ્પિટલ, એલ.જી. હોસ્પિટલ, શારદાબેન જનરલ હોસ્પિટલ, અસારવા સિવિલ હોસ્પિલટ, સોલા સિવિલ હોસ્પિટલ, એસવીપી હોસ્પિટલ તથા ઋક્ષ્મણીબેન હોસ્પિટલના આરએમઓ નામ અને નંબર સાથેની યાદી સ્થળ સંચાલકોને મોકલી દીધી છે. આ સિવાય અમદાવાદ શહેરમાં આવેલા 48 વોર્ડમાં આવેલા 95 UHC-PHC સેન્ટરના મેડિકલ ઓફીસરના નામ, ઈ-મેઈલ આઈડી અને કોન્ટેક્ટ નંબર સાથેની યાદી પણ મોકલી દેવામાં આવી છે.

પરીક્ષા વખતે ઈમરજન્સી સમયે સ્થળ સંચાલક તેમના વિસ્તારના ડોકટરનો તાત્કાલિક સંપર્ક કરી વિદ્યાર્થી કે સ્ટાફના કોઈ સભ્યને સારવારની જરૂર હશે તો સારવાર કરાવી શકશે. અમદાવાદમાં ખુબ જ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપતાં હોવાથી ગમે ત્યારે મેડિકલ ઈમરજન્સી આવવાની ઘટના બની શકે તેમ હોવાથી પરીક્ષા પહેલા જ તકેદારીના ભાગરૂપે તમામ સ્થળ સંચાલકોને આ યાદી મોકલી દેવામાં આવી છે. પરીક્ષા દરમિયાન સ્થળ સંચાલક પાસે મોબાઈલ ફોન રાખવાની પરવાનગી હોય છે, જેથી તેઓ ડોક્ટરનો સંપર્ક કરી શકશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.