જામનગર, ગાંધીનગર અને અમદાવાદ સહિત 10 શહેરોમાં શરૂ થશે હેલિકોપ્ટર સેવા

હવે બસ કે કારમાં નહીં હેલિકોપ્ટરમાં ‘ઉડા ઉડ’ કરવાનો સમય…!!

દિલ્હી-બોમ્બે, અંબાલા-કોતપુલી અને અંબાલા-ભાટિંડા-જામનગર એમ ત્રણ રૂટ પર ખાસ મેડિકલ સેવા માટે હેલિકોપ્ટર ઉડાડવા સરકારનો મહત્વનો પ્રોજેક્ટ

દેશમાં ચાર હેલી હબ વિકસાવવાની કેન્દ્રિય ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાની જાહેરાત

આકાશમાં ઊડવાનું કોને ન ગમે….  ઉડતા પક્ષીઓ અને હવે તો વિમાન જોઈને દરેકને આકાશમાં ઉડવાનું મન થાય એ સ્વાભાવિક છે. તમારી આ ઈચ્છા અને આકાશમાં ઉડવાની આકાંશા ટૂંક જ સમયમાં પુરી થઈ શકે તેમ છે. કારણ કે તમે એક શહેર માંથી બીજા શહેરમાં હેલિકોપ્ટરમાં બેસીને જઈ શકશો..!! જી, હા હવે અમદાવાદથી ગાંધીનગર જવું હશે તો તમે બાય રોડ નહિ બાય એર હેલિકોપ્ટરથી જઈ શકશો..!! બસ, કાર કે ટુ વ્હીલર નહીં પણ ઉડાઉડ કરતા એક શહેરથી બીજે શહેર જઈ શકશો. સરકાર હેલી સેવા ઉભી કરવા પર  મહત્વનું ધ્યાન દોરી રહી છે. ગઈકાલે કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ મહત્વની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે જામનગર, ગાંધીનગર અને અમદાવાદ સહિત દેશના 10 શહેરોમાં હેલિકોપ્ટર સેવા શરૂ થશે..!!

મોટા શહેરો વચ્ચેની મુસાફરી હેલિકોપ્ટર થકી શક્ય બનવા જઈ રહી છે. પુનાથી મુંબઈ જુહુ, મુંબઈના મહાલક્ષ્મી રેસ કોર્સ અને પૂના અને ગાંધીનગર અને અમદાવાદ જેવા શહેરો વચ્ચે હેલિકોપ્ટરની સુવિધાઓ ઉભી કરવામાં આવશે. આગામી દિવસોમાં હેલિપોર્ટ આ ત્રણ એક્સપ્રેસ વે ઉપર ઊભા કરવામાં આવશે. જેમાં દિલ્હીથી મુંબઈ અંબાલા-કોટપુલી અને અંબાલા-ભટિંડા-જામનગર રૂટ વચ્ચે ખાસ ઝડપી મેડિકલ સેવા સુનિશ્ચિત કરવા હેલિકોપ્ટર સેવા સાકાર કરવામાં આવશે.

કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ જણાવ્યું કે મોટાભાગે તો હેલિકોપ્ટર સુવિધા આકસ્મિક સંજોગોમાં તાત્કાલિક મેડિકલ ટ્રીટમેન્ટ માટે સવિશેષ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. તેમણે ઉત્તરાખંડમાં ગઇકાલે પ્રથમ હેલી સેવાનું ઉદ્ઘાટન કરતા જણાવ્યું  કે ભારતમાં ચાર હેલી હબનું નિર્માણ કરવામાં આવશે. જેમાં મુંબઈ જુઉ, ગુવાહાટી, દિલ્હી અને બેંગ્લોરનો સમાવેશ થાય છે. અમે એવા 10 શહેરોના રૂટ પસંદ કર્યા છે જેના ઉપર હેલિકોપ્ટર કોરિડોરનો વિકાસ કરવામાં આવશે. આ માટે 6 રૂટ જુહુ-પુના-જુહુ, મહાલક્ષ્મી રેસકોર્સ-પુના અને ગાંધીનગર- અમદાવાદ-ગાંધીનગર પસંદ કર્યા છે.

આ સુવિધાઓનો મુખ્ય ઉદ્દેશ્ય હવાઈ પરિવહનમાં સૌથી વધુ તબીબી સુવિધાઓને વધુ વેગવાન બનાવવા માટે હેલિકોપ્ટરનો ઉપયોગ થશે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા હેલિકોપ્ટર સુવિધાઓમાટેની મંજૂરી અને નિયમો હળવા કરવામાં આવશે. નવી હેલિકોપ્ટર પોલીસીમાં હેલીકોપ્ટર સંચાલકોને પાર્કિંગ ડિપોઝિટ અને લેન્ડિંગ ચાર્જમાંથી મુક્તિ આપવામાં આવશે. સાથે સાથે ટ્રાફિક કંટ્રોલ ઓફિસ પણ આપવામાં આવશે. આ ઉપરાંત તાલીમ પણ આપવામાં આવશે. રાજ્ય સરકાર સાથે સંકલનમાં રહી હેલિકોપ્ટર ઉદ્યોગને વિકસાવવા માટે કટિબદ્ધ બન્યા છીએ તેમ કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ જણાવ્યું છે.