Abtak Media Google News

કોમી એકતાનું સર્વોચ્ચ ઉદાહરણ: ભાઈચારાના દર્શન, મુસ્લિમ બિરાદરો પણ હિન્દુઓના તહેવારમાં સામેલ થાય છે

હાલ દેશભરમાં વ્યાપેલી સાંપ્રત પરિસ્થિતિને લઈને હિન્દુ-મુસ્લિમો વચ્ચે તંગદિલી જેવું વાતાવરણ પ્રવર્તી રહ્યું છે. વાંકાનેર તાલુકાનું મેસરીયા ગામ હિન્દુ-મુસ્લિમ એકતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પુરુ પાડી રહ્યું છે. દાયકાઓની આ ગામના હિન્દુ-મુસ્લિમ ગ્રામ્યજનો શાંતિપૂર્વક ભાઈચારાથી રહીને એકબીજાના તહેવારો અને સુખ-દુ:ખમાં ભાગ લેતા રહે છે. તાજેતરમાં આ ગ્રામ્યજનોએ કોમી એકતાનું વધુ એક જીવંત દષ્ટાંત પુરુ પાડયું છે.

Advertisement

હાલ મુસ્લિમોનો પવિત્ર મનાતો રમઝાન માસ ચાલી રહ્યો છે. ત્યારે આ માસમાં દિવસભર પાણી અને અન્ન લીધા વગર, ભુખ્યા-તરસ્યા રહીને રોઝા રાખનારા રોઝેદારોને સાંજે રોઝા છુટયા બાદ ઈફતારી આપવાનો ઈસ્લામ ધર્મમાં અનેરો મહિમા આપવામાં આવ્યો છે. ગામના મુસ્લિમ બિરાદરોને એકબીજાને ઈફતારી આપતા જોઈને મેસરીયા ગામમાં જમીન ધરાવતા સવજીભાઈ રણછોડભાઈ રાઠોડ નામના હિન્દુ ભાઈને અનેરો ભાવ જાગ્યો અને તેમને પણ ગામના તમામ રોઝેદાર મુસ્લિમ બિરાદરોને ઈફતારી આપવાની ઈચ્છા થઈ હતી.

સવજીભાઈએ પોતાની આ ઈચ્છા પોતાના મુસ્લિમ મિત્ર મહેબુબભાઈને કહી હતી. તેમને સવજીભાઈની આ ઈચ્છાને બિરદાવી ગામના મુસ્લિમ આગેવાનો ઉસ્માનભાઈ ચૌધરી, અલીભાઈ વડાલીયા, ઈમામ મૌલાના આબીદ વગેરે પાસે રજુ કરી હતી. ગામના મુસ્લિમ આગેવાનોએ પણ સવજીભાઈના આ વિચારને બિરદાવીને મસ્જિદમાં જ ઈફતારી ગોઠવી આપવાનો નિર્ણય કર્યો હતો. જેથી તાજેતરમાં ગામાની જગવિખ્યાત જગ્યાના કોઠારી મંગનીદાસબાપુ, સરપંચ શીવકુભાઈ, ધી‚ભાઈ કુમાર ખાણીયા, ઘુસાભાઈ કુમારખાણીયા વગેરે હિન્દુ સમાજના આગેવાનોને સાથે રાખીને સવજીભાઈએ મસ્જિદમાં જઈને રોઝાની નમાઝ બાદ રોઝા રાખનારા તમામ રોઝેદાર મુસ્લિમ બિરાદરોને ખજુરનું પાણી તથા મીઠાઈ ખવડાવીને રોઝા છોડાવ્યા હતા.

કોમી એકતાના અદભુત પ્રસંગના સાક્ષી દિનેશભાઈ રાઠોડ, જસ્મીનભાઈ રાઠોડ, રામજીભાઈ રાઠોડ, રવજીભાઈ મકવાણા, વજુભાઈ માલવી, અરવિંદભાઈ ચિત્રોડા વગેરે આગેવાનોએ બનીને પોતાના હાથે રોઝેદારને રોઝા છોડાવ્યા હતા. હિન્દુ ભાઈઓના આ પગલાથી ગામના મુસ્લિમ બિરાદરે ગહગહીત થઈ ગયા હતા. આમ પણ મેસરીયા ગામમાં દાયકાઓથી હિન્દુ-મુસ્લિમ ગ્રામ્યજનો સંપ અને શાંતિપૂર્ણ વાતાવરણમાં રહીને કોમી એખલાસનું શ્રેષ્ઠ ઉદાહરણ પુરુ પાડતા રહ્યા છે. ગામમાં આવેલી જગપ્રસિઘ્ધ પુ.જલારામબાપાના પૂર્વજન્મના ભકત જગ્યામાં જવા માટે પાકો રસ્તો બનાવવા માટે આસપાસમાં વાડી ધરાવતા મુસ્લિમભાઈઓએ પોતાની જગ્યા નિ:શુલ્ક આપી હતી. મુસ્લિમભાઈઓ યોજાતા ધાર્મિક પ્રસંગો વખતે પણ હિન્દુ ભાઈઓ સાથે ખંભેખંભા મિલાવીને સેવા આપતા રહે છે તો હિન્દુ ભાઈઓ પણ ગામના મુસ્લિમ બિરાદરોને તેમના ધાર્મિક પ્રસંગોમાં મદદરૂપ થતા રહે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.