Abtak Media Google News

માળીયા તાલુકાના દહીંસરા ગામ નજીક અજાણ્યા વાહને બાઈક ઉપર જઈ રહેલા નાના દહીંસરા ગામના પાણી પુરીના ધંધાર્થી એવા મૂળ મધ્યપ્રદેશના વતની પતિ, પત્ની અને ત્રણ બાળકોને હડફેટે લઈ અકસ્માત સર્જાયો હતો જ્યારે આ અકસ્માતમાં પત્નીની નજર સામે બે બાળકો અને પતિનું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે આ અકસ્માતમાં ગંભીર રીતે ઇજા પામેલ પત્ની અને એક બાળકીને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

પીપળીયા ચાર રસ્તા પાસે બર્થડે પાર્ટીમાંથી બાઈક પર પરત પાંચ સવારીમાં આવતા પરિવારની ત્રણ વ્યક્તિઓ કાળનો કોળીયો બન્યા

ઈજાગ્રસ્ત માતા – પુત્રી સારવાર માત્ર રાજકોટ સિવિલમા ખસેડાય: અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોધાયો

બનાવ મામલે મળતી વિગતો મુજબ માળીયા તાલુકાના નાના દહીંસરા ગામે રહેતા મૂળ મધ્યપ્રદેશના વતની અને પાણીપુરીનો ધંધો કરતા કલ્પેશભાઈ પટેલ અને તેમના પત્ની લક્ષ્મીબેન પોતાના ત્રણ નાના બાળકો સાથે પીપળીયા ચાર રસ્તા નજીક બર્થડે પાર્ટી મનાવી પરત ઘેર જતા હતા ત્યારે દહીંસરા નજીક અજાણ્યા વાહને ઠોકર મારતા અકસ્માતમાં કલ્પેશભાઈ પટેલ ઉ.35, તેમની ત્રણ વર્ષનો પુત્ર શુભમ અને બે વર્ષની પુત્રી પરીનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું.

વધુમાં માળીયા પોલીસે જણાવ્યું હતું અકસ્માત સર્જ્યા બાદ અજાણ્યો વાહન ચાલક નાસી ગયો હતો અને આ અકસ્માતમાં કલ્પેશભાઈના પત્ની લક્ષ્મીબેન અને બે વર્ષની બીજી પુત્રી ખુશીને ઇજાઓ પહોંચતા પ્રથમ મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા છે જ્યાં લક્ષ્મીબેનનો એક હાથ કાપવો પડ્યો છે. હાલમાં હિટ એન્ડ રનના આ બનાવમાં માળીયા પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

જ્યારે ઉલેખનિય છે કે,હાઇવે પર માર્ગ અકસ્માતની ઘટનાઓ દિન પ્રતિદિન વધતી જઈ રહી છે.જેથી આવા પૂરપાટ ઝડપે દોડતા વાહન ચાલકોને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું જરૂરી બન્યું છે.હાલ પોલીસ દ્વારા આ હિટ એન્ડ રન કરી નાશી છૂટેલા વાહન ચાલક સામે ગુનો નોંધી તેની ઓળખ મેળવવા સીસીટીવી ફૂટેજ આધારે તપાસ હાથ ધરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.