31મે સુધીમાં એડવાન્સ ટેકસ ભરનાર કરદાતાઓને વેરામાં 10થી 15 ટકા વળતર આપવાની જાહેરાત કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ
બાકી વેરો ભરપાઈ કરનાર કરદાતાઓની નોટિસ ફી, પેનલ્ટી, વ્યાજ, અને વોરન્ટ ફી 100 ટકા માફ
અબતક,રાજકોટ
રાજયની આઠ મહાપાલિકા વિસ્તારમાં વસવાટ કરતા લોકોને જેતે સ્થાનિક સ્વરાજયની સંસ્થા દ્વારા એડવાન્સ વેરો ભરે તોવેરામાં વળતર આપવામાં આવી રહ્યું છે. દરમિયાન નગરપાલિકા વિસ્તારોની જનતા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા વેરા વળતર યોજના અને વ્યાજ માફી યોજના જાહેર કરવામાં આવી છે.રાજ્યની નગરપાલિકાઓ દ્વારા વસુલવામાં આવતા ટેક્ષ-કરવેરામાં રાહત આપતી આઝાદી કા અમૃત મહોત્સવ પ્રોત્સાહક વળતર યોજના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા જાહેર કરવામાં આવી છે જેમાં નગરપાલિકાઓ દ્વારા નગરજનો પાસેથી માળખાકીય સુવિધા-સગવડ માટે લેવામાં આવતા વિવિધ વેરા-કર માં આ રાહતનો લાભ મળશે.ર0રર-ર3ના નાણાંકીય વર્ષના વેરાની રકમ તા. 31 મે-ર0રર સુધીમાં એડવાન્સ ભરનારા નગરજનોને 10 ટકા વળતરનો લાભ અપાશે.
તા.31 મે-ર0રર સુધીમાં મોબાઇલ એપ કે ઇ-નગરના ઓનલાઇન પોર્ટલ દ્વારા વેરા ભરનારા લોકોને વધારાનું પ ટકા વળતર મળશે. અગાઉના વર્ષોના બાકી વેરાની રકમ તા.31 માર્ચ-ર0રર સુધીમાં ભરપાઇ કરનારાઓને વ્યાજ-પેનલ્ટી-વોરંટ ફી-નોટિસ ફી ની રકમ 100 ટકા માફ કરાશે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નગરોમાં વસવાટ કરતા નાગરિકો-નગરજનો માટે આઝાદીના અમૃત મહોત્સવના આ વર્ષે આઝાદી કા અમૃત મહોત્સવ પ્રોત્સાહક વળતર યોજના શરૂ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.મુખ્યમંત્રીએ રાજ્યની નગરપાલિકાઓ દ્વારા નગરજનોને પૂરી પાડવામાં આવતી વિવિધ માળખાકીય સેવાઓના કર-વેરા જેમાં મિલ્કત વેરો, સામાન્ય પાણી વેરો, ખાસ પાણી વેરો, દિવાબત્તી (લાઇટ) વેરો, ગટર વેરો વગેરે વેરાઓની ચૂકવણીમાં નાગરિકોને સરળતા અને પ્રોત્સાહન આપવા આ નવતર અભિગમ અપનાવ્યો છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ યોજના અન્વયે એવો નિર્ણય કર્યો છે કે, નાણાંકીય વર્ષ ર0રર-ર3ની વેરાની રકમ જો નાગરિકો તા.31-મે-ર0રર સુધીમાં એડવાન્સ ભરપાઇ કરે તો તેમને 10 ટકા વળતર આપવામાં આવશે.
એટલું જ નહિ, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના ડિઝીટલ ઇન્ડીયાના સંકલ્પને વેગ આપવા શ્રી ભૂપેન્દ્ર પટેલે એવો પણ નિર્ણય કર્યો છે કે, આવી વેરાની રકમ મોબાઇલ એપ કે ઇ-નગરના ઓનલાઇન પોર્ટલ મારફતે તા.31-મે-ર0રર સુધીમાં ભરપાઇ કરનારા નાગરિકોને વધારાનું પ ટકા વળતર અપાશે. એટલે કે, ડિઝીટલ ટ્રાન્ઝેકશન કરનારા નાગરિકોને કુલ 1પ ટકા વળતરનો લાભ મળશે.રાજ્યની નગરપાલિકાઓની અગાઉના વર્ષોના કરવેરાની પાછલી રકમ પણ જે નાગરિકોને ભરવાની બાકી હોય તેમને આવી રકમ-વેરા ભરવામાં સરળતા મુખ્યમંત્રીશ્રીએ કરી આપી છે. ભૂપેન્દ્ર પટેલે એવો નિર્ણય કર્યો છે કે, જે કરદાતા-નાગરિકને તેમની મિલ્કત પેટે અગાઉના વર્ષોના વેરા ભરવાના બાકી હોય તે જો તા.31 માર્ચ-ર0રર સુધીમાં ભરપાઇ કરે તો નોટિસ ફી, વ્યાજ, પેનલ્ટી, વોરંટ ફી ની રકમ 100 ટકા માફ કરવામાં આવશે.
અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે, રાજ્યની નગરપાલિકાઓની આવકનો મુખ્ય સ્ત્રોત કરવેરા વસુલાતમાંથી થતી આવક છે.નગરપાલિકાઓ શહેરના વિકાસ કામો તથા નાગરિકોને આવશ્યક સેવાઓ પૂરી પાડવા અંગેનો ખર્ચ આવા કરવેરા-ટેક્ષની આવકમાંથી કરતી હોય છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની નગરપાલિકાઓની આવી આવકમાં વધારો થાય સાથોસાથ કરદાતાઓને પણ કરવેરાની રકમ ભરવામાં સરળતા રહે અને પ્રોત્સાહન મળે તેવા ઉદાત્ત ભાવથી આ આઝાદી કા અમૃત મહોત્સવ પ્રોત્સાહક વળતર યોજનાનો અમલ કરવાનો નાગરિક સુખાકારીનો નિર્ણય કર્યો છે.