રાજકોટમાં મોટા મોવા બ્રિજ 7 મીટર પહોળો થશે: સિક્સ લેન બનશે

હયાત બ્રિજને બંને બાજુ 3.50 મીટર પહોળો કરાશે: ભીમનગરમાં પણ હાઇલેવલ બ્રિજ બનાવાશે

શહેરમાં સતત વધી રહેલી ટ્રાફીકની સમસ્યાને હલ કરવા માટે કોર્પોરેશન દ્વારા અલગ-અલગ સ્થળોએ અન્ડરબ્રિજ અને ઓવર બ્રિજ બનાવવામાં આવી રહ્યા છે. કાલાવડ રોડ પર મોટા મોવા સ્મશાનની બાજુમાં આવેલો બ્રિજ સાત મીટર સુધી પહોળો કરી સિક્સલેન બનાવવામાં આવશે. આ ઉપરાંત ભીમનગરથી મોટા મોવાને જોડતો બેઠો પુલ પર પણ હાઇલેવલ બ્રિજ બનાવવામાં આવશે. બંને બ્રિજના કામનો કુલ રૂ.10 કરોડ જેવો ખર્ચ થવા પામે છે. ટૂંક સમયમાં ટેન્ડર પ્રસિધ્ધ કરવામાં આવશે.

આ અંગે કોર્પોરેશનના ઇજનેરી સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ મોટા મોવા વિસ્તારનો રાજકોટ મહાનગર પાલિકામાં સમાવેશ કરવામાં આવતા હવે રૂડા દ્વારા જે વિકાસકામો હાથ ધરવાના હતા તે કોર્પોરેશન દ્વારા કરવામાં આવશે. કાલાવડ રોડ પર મોટા મોવા સ્મશાનની બાજુમાં આવેલો બ્રિજ પહોળો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હાલ આ બ્રિજની પહોળાઇ બંને તરફ 7-7 મીટર એમ કુલ 14 મીટરની છે અને બ્રિજ ફોરલેન છે. હવે બ્રિજને બંને બાજુ 3.50 મીટર-3.50 મીટર પહોળો કરવામાં આવશે અને સિક્સલેન બનાવાશે. સાથોસાથ અહિં ફૂટપાથની પણ સગવડતા ઉભી કરવામાં આવશે. તાજેતરમાં સ્ટેન્ડિંગ કમિટીમાં વધારોનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો હતો.

આ ઉપરાંત ભીમનગરથી મોટા મોવાને જોડતો હયાત બેઠા પુલ પર પણ હાઇલેવલ બ્રિજ બનાવવામાં આવશે. આ બ્રિજની પહોળાઇ 18 મીટર અને લંબાઇ 50 મીટરની રહેશે. જ્યારે મોટા મોવા સ્મશાન પાસેના બ્રિજની લંબાઇ 50 મીટરની રહેશે. ટૂંક સમયમાં ટેન્ડર પ્રસિધ્ધ કરવાની સહિતની કામગીરી શરૂ કરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે કોર્પોરેશન દ્વારા મોટા મોવાથી કોર્પોરેશનની હદ સુધીના રોડને પહોળો કરવા લાઇનો પબ્લીક સ્ટ્રીટ દાખલ કરવામાં આવી છે. દરમિયાન મોટા મોવાનો બ્રિજ પહોળો થતાં વાહન ચાલકોને મોટી રાહત મળશે.