Abtak Media Google News
  • અગ્નિકાંડ પાછળ જવાબદાર જ્વલનશીલ પદાર્થનો જથ્થો આવ્યો ક્યાંથી? એક્સપ્લોઝીવનું લાયસન્સ લેવાયું હતું કે કેમ? : આ તમામ મુદ્દે તપાસ થશે ખરી?

રાજકોટની ટીઆરપી ગેમ ઝોનની ગોઝારી ઘટના કે જેણે 34 લોકોના જીવ હણી લીધા. નિર્દોષ લોકોનું હાસ્ય જયારે મરણચીસમાં તબદીલ થઇ ગઈ, અનેક પરિવારોના માળા વિખાઈ ગયાં. કોઈકે માતા-પિતા ગુમાવ્યા તો કોઈએ વ્હાલસોયા સંતાન ગુમાવ્યા ત્યારે આ પરિવારો પર દુ:ખનો પહાડ તૂટ્યો હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. આ ઘટનામાં ગેમઝોનના સંચાલકો વિરુદ્ધ ગુનો દાખલ કરીને ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે પણ શું ગેમઝોનના સંચાલકો જ આ ઘટના પાછળ જવાબદાર હતા તેવો સવાલ ઉઠ્યો છે. સાથોસાથ મોટો સવાલ એવો ઉભો થયો છે કે, આગ લાગવા પાછળનું કથિત કારણ એવુ સામે આવ્યું છે કે, વેલ્ડિંગ કરતી વેળાએ પેટ્રોલ-ડીઝલના ટાંકામાં સ્પાર્ક પડતા આગ લાગી હતી ત્યારે હવે સવાલ એ છે કે, ગેમ ઝોનમાં હજારો લિટર પેટ્રોલ-ડીઝલનો જથ્થો સંગ્રહ કરવામાં આવ્યો હતો જેનો ઉપયોગ રાઇડ્સ ચલાવવા માટે કરવામાં આવતો હતો. તો શું ગેમઝોન દ્વારા પેટ્રોલ-ડીઝલના સંગ્રહ માટેનું લાયસન્સ લેવામાં આવ્યું હતું કે પછી ગેરકાયદેસર રીતે આ જથ્થો રાખવામાં આવ્યો હતો?

ગેમઝોનમાં લાગેલી આગ મામલે અનેક સવાલો ખડા થયાં છે. જયારે ગેમઝોનનો માચડો ખડકી દેવા માટે કે ફાયર સેફટી અંગેની કોઈ એનઓસી લેવામાં આવી ન હતી તે બાબતની સ્પષ્ટતા થઇ ગયાં બાદ હવે સવાલ એવો ઉભો થયો છે કે, પેટ્રોલ-ડીઝલના સંગ્રહ માટે યોગ્ય કારણ સાથે એક્સપ્લોઝીવનું લાયસન્સ લેવું ફરજીયાત છે. ગ્રામ્ય વિસ્તારોમાં આ લાયસન્સ જિલ્લા કલેક્ટર અને શહેરી વિસ્તારમાં આ સતા પોલીસ કમિશ્નરને આપવામાં આવેલી છે.

ગેમઝોન ખાતે પ્રાપ્ત વિગત અનુસાર આશરે 2 હજાર લિટર પેટ્રોલ અને આશરે 2500 લિટર ડીઝલનો જથ્થો સંગ્રહ કરવામાં આવ્યો હતો. આ જ્વલનશીલ પદાર્થનો ઉપયોગ કાર રેસીંગ સહીતની રાઇડ્સ ચલાવવા માટે કરવામાં આવતો હતો. ત્યારે આ જથ્થો રાખવા માટે એક્સપ્લોઝીવ એક્ટ મુજબનું લાયસન્સ લેવું ફરજીયાત હોય છે. હવે સવાલ એવો ઉઠ્યો છે કે, શું આ જથ્થો રાખવા માટે ગેમઝોનના સંચાલકો દ્વારા એક્સપ્લોઝીવ એક્ટ મુજબનું લાયસન્સ લેવામાં આવ્યું હતું કે કેમ? જો લાયસન્સ લેવામાં આવ્યું ન હતું તો પછી આટલો મોટો જથ્થો ક્યાંથી આવતો હતો? પેટ્રોલ પંપ પરથી તો અડધો લિટર પેટ્રોલ કે ડીઝલ પણ બોટલમાં આપવામાં આવતો નથી તો આ જથ્થો ગેમઝોન સુધી કેવી રીતે પહોંચ્યો? આ તમામ પાસાની જો નિષ્પક્ષ થાય તો એફઆઈઆરમાં એક્સપ્લોઝીવ એક્ટની કલમોનો ઉમેરો કરવો પડે તેવી પરિસ્થિતિ સો ટકા ઉદભવશે.

શું પોલીસ એફઆઈઆરમાં એક્સપ્લોઝીવ એક્ટની કલમોનો ઉમેરો કરશે?

હાલ પોલીસે ગેમઝોનના 6 સંચાલકો અને તપાસમાં ખુલે તે તમામ વિરુદ્ધ આઈપીસીની કલમ 304,308,337,338,144 મુજબ ગુનો નોંધ્યો છે. પણ આટલા મોટા પ્રમાણમાં જ્વલનશીપ પદાર્થના સંગ્રહને ધ્યાનમાં લેવામાં જ ન આવ્યો હોય તેમ જાણે આંખ આડા કાન કરીને એક્સપ્લોઝીવના જથ્થાની અવગણના કરી દેવામાં આવી છે. ત્યારે હવે પોલીસે એફઆઈઆરમાં એક્સપ્લોઝીવ એક્ટની કલમો ઉમેરવાની તાતી જરૂરિયાત છે.

શું છે જ્વલનશીલ પદાર્થના સંગ્રહ માટેની વિધિ?

કોઈ પણ જ્વલનશીલ પદાર્થના સંગ્રહ માટે એક્સપ્લોઝીવ એક્ટ હેઠળ યોગ્ય કારણ રજૂ કરીને લાયસન્સ માટે અરજી કરવાની હોય છે. જે અરજી શહેરી વિસ્તારમાં પોલીસ કમિશ્નર અને ગ્રામ્ય વિસ્તાર માટે જિલ્લા કલેક્ટરને કરવાની હોય છે. જો લાયસન્સ મળે તો તેમાં 2500 લિટર સુધીના ડીઝલની અને ફક્ત 30 લિટર પેટ્રોલના સંગ્રહની મંજૂરી આપવામાં આવે છે.

પેટ્રોલ-ડીઝલના સંગ્રહમાં નિયમોના ધજાગરા ઉડ્યા?

પેટ્રોલ ડીઝલના સંગ્રહમાં જ્વલનશીલ પદાર્થ હોવાથી યોગ્ય ધારાધોરણોનું પાલન કરવાનું હોય છે. તેનો સંગ્રહ યોગ્ય રીતે થવો જોઈએ પણ સંગ્રહ કેવી રીતે થતો હતો તે ગેમઝોનના જ પૂર્વ કર્મચારીએ ખુલ્લું પાડીને જણાવ્યું છે કે, ટાંકો ખુલ્લો જ રાખવામાં આવ્તો હતો અને બાજુમાં જ વેલ્ડિંગનું પણ કામ કરવામાં આવતું હતું. એટલું જ નહિ ગેમઝોન માંથી 2 હજાર લિટર જેટલો પેટ્રોલનો જથ્થો સંગ્રહિત હતો તેવું સામે આવ્યું છે પણ પેટ્રોલ તો 30 લિટરથી વધુ સંગ્રહિત કરી જ શકાતો જ નથી તો પછી આ આટલો મોટો જથ્થો કેમ રાખવામાં આવ્યો?

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.