Abtak Media Google News

પુરૂષ પ્રધાન સમાજ વ્યવસ્થામાં હંમેશા ‘સીતાને જ અગ્નિપરીક્ષા’ આપવાની ?: ૨૧મી સદીના યુગમાં માનસિકતા નહીં બદલાય તો સૌથી વધુ પુરૂષને જ ભોગવવાનું રહેશે

યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે રમન્તે તત્ર દેવતા: જ્યાં નારીનું પૂજન (સન્માન) થાય છે ત્યાં જ દેવતાઓ વાસ કરે છે… પુરૂષ પ્રધાન સમાજ વ્યવસ્થામાં નારીનો આદર માત્રને માત્ર શાસ્ત્ર અને શ્ર્લોક પુરતુ સીમીત રહી ગયું છે. ભલે આજના આધુનિક યુગમાં મહિલાઓને પુરૂષ સમોવડીનો દરજ્જો આપવાની હિમાયત કરવામાં આવતી હોય પરંતુ સનાતન કાળથી આજ સુધી અગ્નિ પરીક્ષા તો માત્ર સીતા ને જ આપવી પડે છે. મહિલાઓ પ્રત્યેની આપણી માનસીકતા સમય અને સંજોગો અને આધુનિક વિશ્ર્વના વિકાસની સાથે બદલવી જોઈએ પરંતુ તે વધુને વધુ જડ અને સ્થુળ બનતી જાય છે તે હકીકત સમાજ વહેલીતકે સમજી જાય તો સારૂ છે બાકી સૌથી વધુ માઠા પરિણામો છેવટ પુરૂષોને જ ભોગવવા પડશે.

Advertisement

નારી સન્માનની ભાવના અને શાસ્ત્રાદેશ પ્રત્યેના આંખ મિચામણાથી જ તમામ ઈસ્યુ ઉભા થાય છે. અત્યારે દિકરા-દિકરી વચ્ચેનું અંતર ન રાખવાની સુફીયાણી વાતો થાય છે પરંતુ ક્યાંક એક તબક્કે હજુ કો-એજ્યુકેશન જેવી માનવ સંસ્કૃતિની આવકારદાયક વ્યવસ્થા સામે પણ સવાલો ઉભા થાય છે. અગ્નિ પરીક્ષાની નોબત આવે, આળના ખુલાસા કરવાના હોય ત્યારે હંમેશા સીતા ને જ અગ્નિ પરીક્ષા આપવી પડે. આજે પણ સમાજમાં વિકાસ અને ઉદારમતવાદીના દંભ વચ્ચે હજુ ક્યાંકને ક્યાંક નારી સ્વતંત્ર્તા માત્રને માત્ર કહેવા પુરતુ જ રહી ગયું છે. પુરૂષ પ્રધાન સમાજ વ્યવસ્થા, આર્થિક, સામાજિક વ્યવહારનું સુપેરે સંચાલન કરવા માટે માનવ સમાજમાં આદિકાળથી પ્રચલીત છે. તેનો મતલબ એ નથી કે, મહિલા પુરૂષ કરતા કેટલાંક માપદંડોમાં નબળી છે. શાસ્ત્ર, પુરાણોમાં નારી શક્તિને પ્રભુનું અંશ માનવામાં આવે છે. હવે વિજ્ઞાનમાં પણ સિદ્ધ થયું છે કે માનવ દેહની ભૌતિક રચનાઓમાં પણ મહિલાઓના ડબલ એક્સ રંગસુત્ર પુરૂષના એક્સ વાય રંગ સુત્ર કરતા રોગપ્રતિકારક શક્તિ વધુ ધરાવે છે.

સમાજમાં હજુ ક્યાંકને ક્યાંક મહિલાઓનું અવમુલ્યન કરવાનો કુરિવાજ એક રિવાજ બની ગયો છે. હવે આપણો ભારત દેશ બદલાઈ રહ્યો છે. ૨૦૩૦ સુધીમાં ભારત વિશ્ર્વ ગુરૂ બનવા જઈ રહ્યું છે. ત્યારે હજુ પણ આજે દિકરા-દિકરીમાં તફાવત જોવામાં આવે છે. શાળા-કોલેજમાં દિકરીને કોઈ હેરાન કરતા હોવાના સમાચાર મળે તો મા-બાપ દિકરીની પડખે ઉભા રહી તેને કુપ્રથા સામે પ્રતિકાર કરવામાં મદદરૂપ થવાના બદલે વાલીઓ જ દિકરીનું ભવિષ્ય દાવ પર લગાવીને ભણવાથી ઉઠાવી લે છે. હંમેશા દિકરીઓને જ શકની નજરે જોવામાં આવે છે, આ માનસિકતા હવે આપણે બદલવાની જરૂર છે. સૌથી મોટો ભોગ મહિલાને જ આપવાનો હોય છે. ટુ ફીગર ટેસ્ટ જેવા સત્યના પારખા માટે મહિલાને જ પોતાની નિર્દોષતા પુરવાર કરવા માટે એરણ પર ચડાવવામાં આવે છે. પુરૂષ માટે આવા પારખા થતાં નથી. આપણે મહિલા ઉપર ક્યારે વિશ્ર્વાસ કરતા થશું તેના પર દેશનું નહીં પરંતુ સમાજનું ભવિષ્ય નિર્ભર થશે.

ચેન્નાઈની હાઈકોર્ટે એક ચુકાદામાં સ્પષ્ટપણે દર્શાવાયું છે કે, બંધ રૂમમાં પુરૂષ-સ્ત્રીની એકલતા એટલે અનૈતિક સંબંધ હોય એવું જરૂરી નથી. મદ્રાસ હાઈકોર્ટે આપેલા એક ચુકાદામાં જણાવાયું હતું કે, પુરૂષ અને મહિલા બંધ ઘરમાં મળી આવ્યાની ઘટનામાં આ એકલતાના અનૈતિકતા ન જ ગણી શકાય. ન્યાયમુર્તિ આર.સુરેશકુમારે જણાવ્યું હતું કે, આ પ્રકારની પરિસ્થિતિમાં સમાજના એક તરફી અભિગમ ન સ્વીકારી શકાય અને આવી પરિસ્થિતિને એકલતા ગણી સજારૂપ ગુનો ન ગણવો જોઈએ.

અદાલતે આ મામલામાં એવું તારણ કાઢ્યું હતું કે, એક સુરક્ષા જવાન એક મહિલા સાથે બંધ રૂમમાંથી મળી આવ્યાની ઘટનાને સજારૂપ ગણી અનૈતિકતાના ધોરણે તેને સજા કરવાની માંગ કરવામાં આવી હતી. કોન્સ્ટેબલ કે.શ્રવણ બાબુ તેના કવાર્ટરમાં લેડીઝ કોન્સ્ટેબલ સાથે ૧૯૯૮માં મળી આવ્યો હતો. ૧૦ ઓકટોબર ૧૯૯૮ના દિવસે મહિલા કોન્સ્ટેબલ બાબુના કવાર્ટરમાં પ્રવેશી હતી અને દરવાજો અંદરથી બંધ હતો. પડોશીઓએ દરવાજો ખખડાવતા શ્રવણ અને મહિલા ઘરમાંથી બહાર નીકળ્યા હતા અને પડોશીઓએ દરવાજો બંધ હોવાનું કારણ પુછ્યું હતું. કોન્સ્ટેબલ અને મહિલા કોન્સ્ટેબલ ઘરમાં વાત કરતા હતા ત્યારે કોઈએ દરવાજો બંધ કરી દીધો હતો. આ પરિસ્થિતિમાં અનૈતિક સંબંધોની શકયતાઓનો છેદ ઉડાવી અદાલતે ઠેરવ્યું હતું કે, બંધ રૂમમાં પુરૂષ-સ્ત્રીની એકલતા એટલે અનૈતિક સંબંધો છે એવું ગણી ન શકાય.

પુરૂષ પ્રધાન સમાજ વ્યવસ્થામાં નારી તુ નારાયણી…ના સુત્ર ઉપર વાતો થાય છે પરંતુ અમલ થતો નથી. ભારત ૨૧મી સદીમાં વિશ્ર્વગુરૂ બનવા જઈ રહ્યું છે ત્યારે શાસ્ત્રમાં થયેલી હિમાયત મુજબ નારી સન્માનની ભાવના અને ખરા અર્થમાં નારી તુ નારાયણીનો સમાજ સ્વીકાર નહીં કરે તો નારીની આ અવગણના એક સમયે પુરૂષ ને જ નડશે. મહિલા એકાધિકાર અને પુરૂષ પ્રધાન સમાજ વ્યવસ્થામાં મહિલાના પરોક્ષ શોષણથી આવનાર દિવસોમાં મહિલાઓનો સામાજિક વ્યવસ્થા પરથી વિશ્ર્વાસ ઉઠી જશે. જો સમાજ અત્યારે નહીં સમજે તો તેના પરિણામો પુરૂષોને જ ભોગવવા પડશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.