બામણબોરમાં દારૂના નશામાં પત્નીનું ઢીમ ઢાળી દેતો પતિ

નશાખોર પતિએ પત્નીને આખી રાત માર મારી મોતને ઘાટ ઉતારી

અબતક, રાજકોટ

બામણબોર નજીક ઝુપડામા રહેતી મહીલાને તેના દારૂડીયા પતિએ આખી રાત ઢોર માર મારી મોતને ઘાટ ઉતારી છે. બનાવની જાણ એરપોર્ટ પોલીસને થતા સ્ટાફ ઘટના સ્થળે દોડી જઇ મૃતદેહને પી.એમ. અર્થે ખસેડયો હતો.

બનાવની મળતી વિગતો મુજબ બામણબોરમં ઢોરા પર ઝુંપડામાં રહેતા શોભનાબેન દેવુભાઇ જખાણીડા (ઉ.વ.30) ને તેના પતિ દેવુ મોહન જખાણીડાએ ગતરાત્રે દારૂના નશામાં ઢોર માર મારતા તે ગંભીર રીતે ઘવાતા તેને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ સારવાર  મળે તે પહેલા જ તેને દમ તોડયો હતો. બનાવની જાણ એરપોર્ટ પોલીસને થતા સ્ટાફ હોસ્પિટલે દોડી ગયો હતો અને પ્રાથમીક પૂછતાછમાં જાણવા મળ્યું હતું કે દેવુ જંખાણીડા ઘણા સમયથી દેશીદારૂના ધંધો કરે છે અને પોતે દારૂ પીવે છે દારૂ પી રાત્રે ઘરે આવતો ત્યારે અવાર નવાર શોભનાબેન સાથે ઝઘડો કરી મારકુટ કરતો હતો જેમાં ગઇકાલે નશામાં આવેલા દેવુ મોહને શોભનાબેનને ઢોર માર માર્યો હતો જેમાં શોભનાબેનને ગંભીર ઇજા પહોચતા તેને સારવાર મળે તે પહેલા તેનું મોત નિપજયું હતું. મૃતકને સંતાનમાં ત્રણ પુત્ર અને ત્રણ પુત્રી છે બનાવથી પરિવારમાં શોકનું મોજુ ફળી વળ્યું છે.

પોલીસે નશાખોર દેવુ મોહન વિરુઘ્ધ હત્યાનો ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે