Abtak Media Google News

હોલી મેં આના શ્યામ રંગ લગા જાના

માનવ સમાજમાં રહેલી અહમને બાળવાનો સંદેશ સાથે સાથે વસંતોત્સવમાં પણ સંયમની દીક્ષા અપાવતું પર્વ ‘હોળી’

વસંત અને શિશિર ઋતુના મિલન સમા ફાગણમાસની મધ્યમાં આવતા અને વસંતોત્સવમાં પણ સંયમની દીક્ષા  અપાવતો, ફાગણના રંગોથી આપણા જીવનને  રંગીન બનાવતો, સત્ય નિષ્ઠાનો મહિમા અને માનવ સમાજમાં રહેલી  અસહ્ય પ્રવૃત્તિને બાળવાનો  સંદેશ આપતા હોળીના આ તહેવાર અંગે અલગ અલગ પ્રાંત, સમાજ અને પરિવારોમાં  વિવિધ  માન્યતાઓ ધરાવતો  હોવા છતાં હોળીના  આ પર્વ પ્રેમ, વાત્સલ્ય, સદભાવના વગેરરે ઉપરાંત ધાર્મિક, વૈજ્ઞાનિક અને સામાજીક  દ્રષ્ટિએ મહત્વનો કહી શકાય.

ભકત પ્રહલાદ, હિરણ્યકશ્યપુ, હોલિકા સાથે જોડાયેલ હોળીના  પર્વની વાતથી  સૌ કોઈ માહિતગાર હોય તે સ્વાભાવીક છે. આમ  ધાર્મિકતા સાથે  હોળીનું પર્વ જુદી જુદી માન્યતાઓના આભુષણોથી શોભાયમાન થતો તહેવાર છે.   ખેડુતો પોતાના  ખેતરમાં રવી પાક તૈયાર થયા બાદ તેને અગ્નિદેવતાને  સમર્પિત કરવાની  સાથે આજ પણ મોટાભાગે હોળીમાં એક માટલામાં ઘઉં અને  ચણાને બાફવામાં આવે છે. અને બીજા દિવસે  એટલે કે  ધુળેટીના દિવસે તેનું પ્રસાદ તરીકે વિતરણ કરવાામં આવે છે જેને અમુક ગામડાઓમાં ‘ઘુઘરીનો પ્રસાદ’  એવું કહેવામાં આવે છે.

ગ્રામ્ય કે  શહેરી વિસ્તારોમાં આજ પણ મોટાભાગે  હોળી પ્રગટાવવા માટેના મુહુર્ત, ચોઘડીયા મુજબ નકકી થયેલા  સમયે પ્રગટાવવાની પરંપરા રહી છે. સામાન્ય રીતે  જોઈએ તો આ પર્વ પૂર્વે ઠંડી અને ગરમીની બે  ઋતુઓનું પ્રભુત્વ  રહેતુ હોઈ કફના ના રોગો શરદી, ઉધરસ વગેરેનું પ્રમાણ વધારે હોય છે. વૈદિક હોળીમાં અનેક પ્રકારની ઔષધીઓને હોળીમાં  હોમવામાં આવતી જેથી રોગ ફેલાવતા જીવાણુઓનો નાશ થાય અને  હોળીની પ્રદક્ષિણા કરવાથી શરીરમાં  ભરાયેલો કફ ઓગળે  અન્ય રોગ સામે રક્ષણ મળે તેવી પણ એક માન્યતા રહેલી છે.

આનંદ પ્રમોદની દ્રષ્ટિએ જોઈએ તો હોળીના પર્વે ખાસ કરીને  મનોરંજન સમુહ ભોજન, સમુહ અલ્પાહાર, રાસ-ગરબા, ફિલ્મગીત સંગીત, ડાયરો, ભજનો, સંતવાણીતો કયાંક કિર્તનોના કાર્યક્રમો પણ જોવા મળે છે. જયારે અમુક ગામડાઓમાં હોળી ઓળંગવાની રમતો પણ રમાય છે. યુ.પી.માં અને ખાસ કરીને ગોકુલ, મથુરા, બરસાના, વનરાવન વગેરે યાત્રાના સ્થળોએ તો ફાગળ સુદ પુનમે આવતી હોળી પુર્વે જ તેના વધામણા કરતા વિવિધ કાર્યક્રમો ગોઠવાય છે. જેમા  અબીલ, ગુલાલ, ગુલાબ અને  વિવિધ  પુષ્પોની છોળો ઉડે છે.

પ્રેમ, સદભાવના, સમર્પણ અને જુના મનદુ:ખો ને ભુલી લોકો એક બીજા પર રંગ ફેંકી પોતાની લાગણી વ્યકત કરવાનો તહેવાર હોળી, હિન્દુ ધર્મના પ્રમુખ પર્વો પૈકીનું એક પર્વ જેમાં બાળકો, યુવાનો, વૃધ્ધો, પુરૂષોે કે મહિલાઓ નો મનગમતો તહેવાર કે જેમાં ખજુર, ધાણી અને  દારિયાનું  મહત્વ રહ્યું છે. અને તે આરોગ્યની દ્રષ્ટિએ પણ ઉતમ હોય આ પર્વે તેના વેચાણમાં તેજી જોવા મળે છે.

હોળીની અગ્નિ અને ધુલેટીનો રંગથી શરીરમાં નવી ઉર્જા અને ચેતનાનો સંચાર થાય છે. જોકે જયોતિષીઓના મત મુજબ હોળીની જાળ પરથી આગામી વર્ષે કેવું હશે તેનો વરતારો પણ નકકી થાય છે.

જોકે હિન્દુ ધર્મનાં મોટાભાગના તહેવારો સાથે વિજ્ઞાન પણ વણાયેલું છે. જુદી જુદી પરંપરાઓ મુજબ તહેવારોની ઉજવણી થતી હોય છે. જેમાં ‘હોળીની વાડ’ અતિ પ્રચલીત છે. અમુક જ્ઞાતિઓમાં એ પરંપરા આજ પણ અવિરત રહી છે. જે ખુબજ ધામધુમથી ઉજવવામાં  આવે છે. જેમાં પુત્રના જન્મબાદ આવતી પ્રથમ હોળીની વાડની ઉજવણીમાં બહેનો, દિકરીઓ, સગા, સ્નેહીજનોને નોતરવા અને  સમુહ ભોજનની સાથે  પુત્રન મામા તેને તેડી હોળી માતાને પ્રદક્ષિણા કરે છે. મામેરૂ લાવે છે. જયારે આવેલા મહેમાનો, સામાજીક  વ્યવહાર કરે છે. આ પ્રસંગમાં પણ ઢોલ, નગારા, રાસ, ગરબા,   ભજન,  પાઠ પ્રસાદી વગેરે જેવા કાર્યક્રમો પણ ગોઠવાય છે. અને મોડી રાત સુધી એ આનંદનો  લ્હાવો લૂંટે છે. આમ હોળી ધુળેટીનો પર્વ શ્રધ્ધા, ભકિતની સાથે સાથે પ્રેમ, સમર્પણ, સદભાવ, સંગીત, નૃત્ય, નાટય, મનોરંજન, આનંદ પ્રમોદ વગેરેનો   તહેવારને   આપણે સૌ શ્રધ્ધા અને ભકિતભાવ પૂર્વક ઉજવીએ.

હોલીકાનો વાત્સલ્ય પ્રેમ…?(લોકવાયકા)

ભકત પ્રહલાદને મારી નાખવાના હોલીકાનો પ્રયાસ નિષ્ફળ રહ્યો અને પોતે જ બળીને ભસ્મ થઈ ગઈ જેથી હોલિકા પ્રત્યે ઘુણા જન્મે તે સ્વાભાવિક છે. અને લોકો તેના પર  તીરસ્કાર, ફીટકાર વરસાવે તે પણ યોગ્ય છે.  છતાં  પણ હોળીને  આપણણે માતા કહીએ છીએ. અને તેમાં વાત્સલ્યના દર્શન થાય.

એક માન્યતા-લોકવાયકા એવી પણ છે કે, હોલીકાને વરદાન હતુ કે તેની પાસેની ચુંદડી ઓઢે ત્યારે તેને અગ્નિ બાળી ન શકે… ભાઈ હિરણ્યકશિપુના કહેવાથી પ્રહલાદને ખોળામાં  બેસાડી અગ્નિ પ્રગટ થયો એજ   સમયે કદાચ એક સ્ત્રીનું વાત્સલ્ય છલકાયું હોય અને કરૂણાના કુંપણ ફુટયા હોય અને વિચાર આવ્યો હોય કે આ કુમળા બાળકને મારી અને મારે જીવીને શું   કરવું છે. જેથી પોતે ઓઢેલી  ચુંદડી પ્રહલાદને  ઓઢાડી દીધી હોય, પ્રહલાદ બચી ગયા અને હોલિકા બળીને ભસ્મ થઈ ગઈ. એટલે જ કદાચ હોળીને માતા કહેવામાં આવતી હશે અને  બાળકને તેડી હોળીની પ્રદક્ષિણા કરતા બાળકના પરિજનો પણ હોળી માતાને કહેતા હશે કે હે હોળી માતા જેમ પ્રહલાદની રક્ષા કરી તેમ મારા બાળકની રક્ષા કરજો. જોકે લોકવાયકા કદાચ ઉપજાવી કાઢેલી પણ હોઈ શકે  પરંતુ તેમાં પણ સત્ય,પ્રેમ અને કરૂણાના દર્શન થાય છે. અને ઘણી જગ્યાએ  આપણે વાંચીએ પણ છીએ ‘હોળી માતા સત્ય છે.’

હોળીની જાળ ની દિશા દ્વારા વર્તારો

ભારતીય પરંપરા પ્રમાણે હોળીના દિવસે હોળી પ્રગટયા બાદ હોળીની ઝાળ જે દિશામાં જાય તે પ્રમાણે ચોમાસાનો વર્તારો થાય છે. નૈઋત્ય ખુણામાં સાધારણ વરસાદ, પશ્ચિમ દિશામાં પ્રમાણ મા સારો વરસાદ, હોળીની ઝાળ ઈશાન ખુણામાં જાય તો સારો વરસાદ 16 આની વરસાદ ,  અગ્નિ ખુણામાં દુષ્કાળનો ભય, વાયવ્ય ખુણા મા સારો વરસાદ,  દક્ષિણ દિશામાં પાકને નુકશાન,  પુર્વ દિશામાં જાય તો કયાંક પડે અને કયાંક ન પડે 12 આની વરસાદ ,  ઉત્તર દિશામાં જાય તો પ્રજા દુ:ખી થાય છે.  ઉપર ફરે તો આરોગ્ય માટે હાનીકારક છે પાક મા જીવાત થાય. શાસ્ત્ર પ્રમાણે કાલરાત્રી, મહારાત્રી, મોહરાત્રી, દારૂણ રાત્રી વર્ષની ચાર મહારાત્રી ગણવામાં આવે છે. તેમાં દારૂણ રાત્રી એટલે હોળીની રાત છે. આથી હોળીના દિવસે કરેલ પુજા ઉપાસના વધારે ફળદાયક બને છે.

હોલિકા માતાનું શાસ્ત્રોક્ત પૂજન અને ફળ

સૌપ્રથમ હાથમાં જળ લઈ અને સંકલ્પ કરવો આજના દિવસે મારા શરીરની બધી બાધાઓ દુર થાય રોગ-શત્રુ દુર થાય અને સારા આરોગ્યની પ્રાપ્તિ થાય ત્યારબાદ હોળીમાં શ્રીફળ હોમવું ત્યારબાદ અબીલ-ગુલાલ, કંકુના છાંટણા નાખવા ત્યારબાદ ધર્મસિંધ ગ્રંથના નિયમ પ્રમાણે હોળી ની ત્રણ પ્રદક્ષિણા ફરવી પ્રદક્ષિણા ફરતી વખતે હોળી મા ખજૂર ધાણી દાળિયા પધરાવી શકાય છે અને પ્રાર્થના કરવી મારા શરીરની બધી જ બીમારીઓ દુર થાય છે હોળીની પ્રદક્ષિણા ફરતા વખતે હોલીકાયૈનમ: મંત્રનો જપ કરવા  તે ઉપરાંત હોળીના દિવસે પોતાની કુળદેવી, હનુમાનજી અથવા ભૈરવ ઉપાસના પણ કરી શકાય છે. કુળદેવીના મંત્ર જાપ કરવા અથવા તો હનુમાનજી અને ભૈરવદાદા ને અડદનાં 21 દાણા ચડવાથી રક્ષા થાય છે. જે લોકોને શનિની સાડા સાતી ચાલી રહી છે તેઓએ હનુમાનજીનું પૂજન ખાસ કરવું મકર કુંભ મીન રાશિ ના લોકો એ હનુમાનજી ને તેલ તથા અળદ ચડાવવા તથા સિંહ, ધન અને મેષ  રાશી ના લોકો ને રાહુ ની અશુભ પીડા દુર કરવા માટે હોળીના દિવસે મહાદેવજીને કાળા તલ ચડાવાથી રાહુની અશુભ પીડામાંથી મુકિત મળે છે.  તથા આ દિવસે ખજુર, દાળિયા, ઘાણી ખાવા સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક ગણાય છે.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.