Abtak Media Google News
  • લીકર શોપ પર વેચાતા દારૂ અને પોલીસે કબ્જે કરેલા દારૂની કિંમતમાં વિસંગતતા
  • મોંઘવારી ભલે વધી પરંતુ દારૂબંધીને દારૂનો સપોર્ટ નથી છતાં દારૂના સપોર્ટથી તાગડ ધીના કરે છે?
  • દારૂની બોટલ અને બિયરના ટીનના 2002માં ભાવ નક્કી કરાયો તે મુજબ પોલીસ ચોપડે દારૂની કિંમત આંકે છે
  • 2018માં દારૂબંધીના કાયદામાં કેટલાક સુધારા કરવામાં આવ્યા પરંતુ ભાવ તો 20 વર્ષ પહેલાંનો જ રહ્યો

ગાંધીના ગુજરાતમાં દારૂબંધીનો કાયદો આઝાદી સમયથી જ અમલમાં આવ્યો છે. અને દારૂબંધીનો કડક રીતે અમલ કરાવવા દારૂબંધીના કાયદામાં સમયાંતરે કેટલાક સુધારા વધારા કરવામાં આવ્યા છે. લીકર શોપ પર મળતી દારૂની બોટલની કિંમત અને પોલીસ દ્વારા બુટલેગર પાસેથી કબ્જે કરવામાં આવેલી દારૂની બોટલની કિંમતમાં ઘણો તફાવત જોવા મળી રહ્યો છે. પોલીસ 20 વર્ષ પહેલાં નક્કી કરાયેલા ભાવ બાંધણા મુજબ દારૂનો ભાવ લગાવે છે. જ્યારે લીકર શોપ પર સરકારના જરૂરી ટેકસ સાથેના ભાવ લગાવવામાં આવતા હોવાથી પોલીસ દ્વારા નક્કી કરાયેલી દારૂની કિંમત અને લીકર શોપ પર વેચાતા દારૂના ભાવમાં વિસંગતા રહે છે.

દારૂબંધીનો અમલ કરાવવા માટે પોલીસ દ્વારા કરોડોની કિંમતનો દારૂનો જથ્થો કબ્જે કરવામાં આવે છે. પોલીસ દ્વારા કબ્જે કરાયેલા દારૂની કિંમત 1999માં પરિપત્ર દ્વારા નક્કી કરાયેલો પોલીસ ચોપડે ભાવ લખવામાં આવે છે. ત્યાર બાદ 2002માં દારૂની કિંમતમાં અપગ્રેડ કરી ભાવ વધારો લાગુ કરતો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હોવાથી તે મુજબ ભાવ પોલીસ ચોપડે લખવામાં આવે છે. એટલે કે, 20 વર્ષ પહેલાં નક્કી કરાયેલી દારૂની કિંમત પોલીસ ચોપડે લગાવવામાં આવે છે. જ્યારે વાઇન સોપમાં વેચાતા દારૂની બ્રાન્ડ મુજબ કિંમત નક્કી થાય છે અને તેના પર રાજય સરકારનો જીએસટી દર લાગતો હોવાથી દારૂની કિંમત વર્તમાન સમય મુજબની રહે છે.

પોલીસ ચોપડે દારૂની કિંમત ન વધારાવા પાછળ પણ પોલીસ અને બુટલેગરની સાંઠગાંઠ કારણભૂત રહી છે. દારૂના જથ્થા મુજબ અને મુદામાલની કિંમત મુજબ સજા નક્કી થતી હોવાથી બુટલેગરને લાંબો સમય સુધી જેલમાં રહેવું ન પડે તે માટે પોલીસ ચોપડે દારૂની કિંમત વધારતા નથી જેના કારણે દારૂના ધંધાર્થીઓને છુટવું સરળ બને છે.

દારૂબંધીનો કડક અમલ કરાવવામાં પ્રોહીબીઓશનના કાયદામાં કરાયેલા સુધારાના કારણે બુટલેગરોમાં ફફડાટ મચી ગયો છે. નવા સુધારેલા કાયદામાં દારૂના ઉત્પાદન, ખરીદ-વેચાણ અને દારૂની હેર ફેર કરતા વાહનો દોષિત ઠરશે તો તેને દસ વર્ષ સુધી જેલની સજા અને રૂા.5 લાખના દંડની જોગવાઇ કરવામાં આવી છે. દારૂના અડ્ડા ચલાવનાર તેમજ તેને મદદ કરનારને પણ દસ વર્ષની કેદ કરવાનો સુધારો કરાયો છે. આ સુધારો કરવામાં આવ્યો ત્યારે પણ દારૂની કિંમત વધારવામાં આવી નથી આ સમયે પોલીસ દ્વારા કબ્જે કરાતા દારૂનો ભાવ વધારો કરવાની જરૂર હોવાનું સુત્રો કહી ર્હ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.