Abtak Media Google News

છેલ્લા ઘણા મહિનામાં ખાદ્ય તેલમાં આવેલો અસહ્ય ભાવ ઉછાળો ગૃહિણીઓના બજેટ બગાડી રહ્યો છે. ત્યારે ખાધતેલના ભાવ ઘટાડવા માટે પગલાં લેવાય તેવી માંગ ઉઠી છે. એક તરફ આયાતી ખાદ્યતેલ પર વસુલાતો આયાત શુલ્ક ઘટાડવામાં આવે તેવી માંગ પણ ઉઠી છે જેના કારણે માંગ સામે પુરવઠો પૂરો પાડી શકાય. ત્યાં બીજી બાજુ હવે સોનાની જેમ ખાદ્યતેલની દાણચોરી શરૂ કરી દેવામાં આવી છે. તકવાદીઓ જાણે આ પરિસ્થિતિની રાહ જોઇને જ બેઠા ગોય તેમ ભાવ ઊંચા ગયા અને હવે વાયા નેપાળ ઝીરો ડ્યુટીના દરે ખાદ્યતેલ ભારતમાં લાવી ભારતીય બજારમાં આસમાને પહોંચેલા ભાવમાં ખાદ્યતેલનું વેચાણ થઈ રહ્યું છે.

મગફળી, સરસવ (મસ્ટર્ડ), વનસ્પતિ, સોયા, સૂર્યમુખી અને પામ તેલમાં છેલ્લા એક વર્ષમાં ૨૦ ટકાથી ૫૬ ટકાનો વધારો થયો હોવાનું ગ્રાહકને લગતી બાબતોના વિભાગના ડેટા કહી રહ્યા છે. મસ્ટર્ડ ઓઇલ(પેક)નો છૂટક ભાવ ગયા વર્ષે ૨૮ મેના રોજ ૧૧૮ રૂપિયા કિલો હતો. જ્યારે આ વર્ષે ૨૮મી મેના રોજ ૪૪ ટકા વધીને ૧૭૧ રૂપિયા પ્રતિ કિલો થયા હતા. આવી રીતે સોયા ઓઇલ અને સનફ્લાવર ઓઇલમાં પણ એક વર્ષથી ૫૦ ટકાનો વધારો થયો છે. તમામ છ ખાદ્યતેલોના માસિક સરેરાશ છૂટક ભાવ મે ૨૦૨૧ માં ૧૧ વર્ષની ટોચની સપાટીએ પહોંચી ગયા હતા. એક તરફ કોરોના અને બીજી તરફ ખાદ્યતેલમાં ભાવ વધારો લોકો માટે મુશ્કેલ બન્યો હતો.

સોલ્વન્ટ એક્સ્ટ્રેટર એસો.ને મળી વ્યાપક ફરિયાદો: દક્ષિણ ભારતમાં થતું ધમધોકાર વેચાણ

આવક વધતા અને બદલાતી ખાદ્ય અદતોના કારણે ખાદ્યતેલોનો વપરાશ વર્ષોથી વધી રહ્યો છે. ગ્રામ્ય વિસ્તારોમાં મસ્ટર્ડ ઓઇલ જ્યારે શહેરી વિસ્તારોમાં સનફ્લાવર, સોયાબીન સહિતના રિફાઇન ઓઈલનો વપરાશ વધુ છે. વર્ષ ૧૯૯૩-૯૪ અને ૨૦૦૪-૦૫ વચ્ચે ખાદ્ય તેલોનો માસિક માથાદીઠ વપરાશ ગ્રામ્ય વિસ્તારોમાં ૦.૩૭ કિલોથી વધીને ૦.૪૮ કિગ્રા થયો હતો. આવી રીતે શહેરી વિસ્તારોમાં તે ૦.૫૬ કિલોથી વધીને ૦.૬૬ કિલો થયો હતો. ૨૦૧૧-૧૨ સુધીમાં વપરાશ ગ્રામીણ વિસ્તારોમાં ૦.૬૭ કિલો અને શહેરી વિસ્તારોમાં ૦.૮૫ કિગ્રા થવા પામ્યો હતો. વેજીટેબલ ઓઇલના સ્થાનિક સ્રોતો તેમજ આયાતમાં સતત વધારો માંગમાં વધારો સૂચવી રહ્યો છે. કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયના મત મુજબ દેશમાં વેજીટેબલ ઓઇલની માથાદીઠ ઉપલબ્ધતા છેલ્લા પાંચ વર્ષથી વાર્ષિક ૧૯.૧૦ કિગ્રાથી ૧૯.૮૦ કિલોની રેન્જમાં છે.

 

મંગ વધે એટલે ભાવ પણ વધે ત્યારે ભારતીય બજારમાં ભાવ ઊંચા ગયા છે. તેવા સમયે નેપાળથી ખાદ્યતેલનો જથ્થો શૂન્ય આયાતી શુલ્કના દરે મોકલાઈ રહ્યો છે. હવે આ તેલ ખરેખર નેપાળથી આવે છે કે પછી વાયા નેપાળ અન્ય કોઈ જગ્યાએથી ખાદ્યતેલનો જથ્થો દાખલ કરાઈ રહ્યો છે ? તે પણ એક સવાલ છે. જો કે, હાલ આ મામલે ખાદ્યતેલના ધંધાર્થીઓ દ્વારા વ્યાપક ફરિયાદો કરાઇ રહી છે. નેપાળથી જથ્થો લાવી મોટેભાગે દક્ષિણ ભારતમાં વેંચાઇ રહ્યો છે.

સોલ્વન્ટ એક્સ્ટ્રેટર એસોસિએશન ઓફ ઇન્ડિયાએ એક નિવેદનમાં કહ્યું છે કે, તેમના સભ્યો દ્વારા આ મામલે અનેક ફરિયાદો કરવામાં આવી છે. ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, નેપાળથી ખરીદી કરીને ફક્ત સ્ટીકર્સ બદલાવી અમુક બ્રાન્ડની આડમાં ખાદ્યતેલ વેચવાનું કારસ્તાન રચાઈ રહ્યું છે.

એક ફરિયાદ અનુસાર તમિલનાડુ નેપાળી ખાધતેલના વેચાણ માટેનું હબ બની ગયું છે અને ચેન્નઈ પણ હાલ તે જ દિશામાં આગળ વધી રહ્યું છે. હવે દાણચોરી કરી દાખલ કરાતો ખાદ્યતેલના ભાવ નીચા હોય છે જ્યારે સરેરાશ ૩૨% જેટલો આયાત શુલ્ક ચૂકવી લાવવામાં આવતો જથ્થો મોંઘો હોય છે જેના કારણે ધંધાર્થીઓ આ દાણચોરી સામે સ્પર્ધામાં ઉતરી શકતા નથી.

હાલ આ મામલે એસોસિએશન દ્વારા યોગ્ય પગલાં લેવા માટે માંગણી કરવામાં આવી છે. તાત્કાલિક આ બાબતની ગંભીરતાને ધ્યાને રાખીને આકરા પ્રતિબંધ મુકવામાં આવે તેવી માંગ ઉઠી છે.

વાયા નેપાળ થતી ખાદ્યતેલની દાણચોરી

નેપાળથી ખાદ્યતેલનો જથ્થો લાવીને દક્ષિણ ભારતમાં ધમધોકાર વેંચાણ કરાઈ રહ્યું છે. આ ખાદ્યતેલ પર આયાત શુલ્ક નહીં વસુલાતો હોવાથી તેના ભાવ સ્થાનિક ખાદ્યતેલના ભાવથી ખૂબ નીચો હોવાથી ધંધાર્થીઓ સ્પર્ધામાં ઉતરી શકતાં નથી. હવે સવાલ એ ઉદ્ભવયો છે કે, જે જથ્થો નેપાળથી મંગાવાઈ રહ્યો છે તે ખરેખર નેપાળની ઉપજ છે કે, પછી કોઈ મોટા ખેલાડીઓ દ્વારા વાયા નેપાળ આ જથ્થો ભારત મોકલાઈ રહ્યો છે ?

નેપાળ ખાદ્યતેલ પર આકરા નિયંત્રણ મુકવા ઉઠી માંગ

નેપાળી ખાદ્યતેલ પર હાલ આયાત શુલ્ક ચૂકવાતો નથી. ત્યારે ખાદ્યતેલનો ભાવ સસ્તો હોવાથી સ્થાનિક ખાદ્યતેલના ભાવ વચ્ચે ભારે તફાવત જોવા મળે છે. જેથી વેપારીઓ સ્પર્ધામાં ઉતરી શકતાં નથી. આ બાબતે સોલ્વન્ટ એક્સ્ટ્રેટર એસોસિએશન દ્વારા નેપાળી ખાદ્યતેલ પર નિયંત્રણ મુકવા માંગ કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.