Abtak Media Google News

સરકારે ગોલ્ડ જ્વેલરી માટે હોલમાર્કને જરૂરી કર્યો છે. અગાઉ બે વાર અમલીકરણ પૂર્વે જ મુદ્દત વધારવામાં આવી હતી ત્યારે ફરી એકવાર આ મુદ્દતમાં વધારો કરવામાં આવ્યો છે. અગાઉ 1 જૂન 2021ના બાદ વિના હોલમાર્ક વિનાના સોનાના દાગીના વેચી શકાશે નહીં તેવા આદેશ આપવામાં આવ્યા હતા.

ત્યારબાદ ફરીવાર આ મુદ્દત વધારીને 15 જૂન કરી દેવામાં આવી છે. બ્યૂરો ઓફ ઇન્ડિયન સ્ટેન્ડર્ડ એટલે કે બીઆઈએસએ નોટિફિકેશન જાહેર કર્યું છે. દરેક રજિસ્ટર્ડ જ્વેલર્સને જાણકારી આપી છે કે, હવે સોનાની શુદ્ધતા 3 ગ્રેડમાં થશે. પહેલું 22 કેરેટ, બીજું 18 કેરેટ અને ત્રીજું 14 કેરેટ. માનવામાં આવી રહ્યું છે કે, તેનાથી ગ્રાહકો અને જ્વેલર બંનેને ફાયદો થશે. ક્વોલિટીને લઈને કોઈના મનમાં સંશય રહેશે નહીં.

ગોલ્ડ માટે હોલમાર્કિંગ તેની શુદ્ધતાની ઓળખ છે. હાલમાં તે અનિવાર્ય નથી. તેની પહેલી ડેડલાઈન 15  જાન્યુઆરી 2021  હતી. જ્વેલર્સ એસોસિએશનની માંગ પર તેને વધારીને 1 જૂન 2021 કરી દેવામાં આવી હતી અને હાલ વધુ બે અઠવાડિયા માટેની મુદ્દત વધારવામાં આવી છે. ભારત મોટા પાયે સોનાની આયાત કરે છે અને તેને ક્ધઝ્યુમ પણ કરે છે. બ્લૂમબર્ગના રિપોર્ટના આધારે ભારત દર વર્ષે લગભગ 700-800 ટન સોનું આયાત કરે છે.

જ્વેલરી હોલમાર્કિંગની પ્રક્રિયામાં જ્વેલર્સ  બીઆઇએસના એ એન્ડ એચ સેન્ટર પર જ્વેલરી જમા કરે છે અને સાથે ત્યાંની ગુણવત્તાની તપાસ કરાય છે. રીઝલ્ટના આધારે બીઆઈએસ તેની પર માર્કિંગ કરે છે. જ્વેલર્સને માટે બીઆઈએસની સાથે રજિસ્ટ્રેશનની પ્રક્રિયાને સરળ બનાવી છે. અહીં કામ હવે ઘરે બેસીને ઓનલાઈન કરાય છે. આ માટે સતાવાર વેબસાઈટ પર જવાનું છે. અહીં જે ડોક્યુમેન્ટ્સની માંગ કરાઈ છે તેને જમા કરવાના છે અને રજિસ્ટ્રેશન ફી જમા કરવાની છે. પ્રક્રિયા પૂરી થયા બાદ એપ્લિકેન્ટ બીઆઈએસના રજિસ્ટર્ડ જ્વેલર બની જાય છે.

બીઆઇએસ રજિસ્ટ્રેશન ફીને ઘણી ઓછી રાખવામાં આવી છે. જો કોઈ જ્વેલર્સનું ટર્નઓવર 5 કરોડથી ઓછું છે તો તેના માટે રજિસ્ટ્રેશન ફી 7500 રૂપિયા અને 5 કરોડથી 25 કરોડની વચ્ચે છે તો વાર્ષિક કારોબાર પર રજિસ્ટ્રેશન ફી 15 હજાર રૂપિયા અને 25 કરોડથી ઉપરના ટર્નઓવર માટે આ ફી 40 હજાર રૂપિયા છે. જો કોઈ જ્વેલરનો કારોબાર 100 કરોડને પાર છે  તો આ ફીસ 80 હજાર રૂપિયાની છે.

આગામી જૂન માસના અંત સુધીમાં દેશભરમાં 400 થી વધુ હોલમાર્કિંગ સેન્ટરો શરૂ કરી દેવામાં આવશે. જેથી લોકો સરળતાથી શુદ્ધ સોનાની ખરીદી કરી શકે. હાલના સમયમાં કુલ 950 જેટલા હોલમાર્કિંગ કેન્દ્રો દેશભરમાં કાર્યરત છે. નોંધનીય છે કે, બીઆઇએસ એવી સિસ્ટમ વિકસાવનાર છે જેના થકી દરેક દાગીનાને એક યુનિક આઇડેન્ટિફિકેશન નંબર આપવામાં આવશે.

જે નંબર થકી કોઈ પણ વ્યક્તિ સોનાની શુદ્ધતાની ચકાસણી કરી શકશે. આ અંગે ઇન્ડિયન એસોસિએશન ઓફ હોલમાર્કિંગ સેંટર્સના પ્રમુખ ઉદય શિંદેએ જણાવ્યું હતું કે, સરકારે અગાઉ જાહેર કરેલા પરિપત્ર મુજબ 1લી જૂન થી હોલમાર્કિંગ ફરજિયાત કરનાર હતી જેને ધ્યાને રાખીને અમે પણ વધુમાં વધુ હોલમાર્કિંગ કેન્દ્રો શરૂ કરવા કટિબદ્ધ છીએ. નોંધનીય બાબત છે કે, એક હોલમાર્કિંગ કેન્દ્ર શરૂ કરવા આશરે રૂ. 70 થી 80 લાખનો ખર્ચ કરવો પડે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.