Abtak Media Google News

બિલ્ડરો કાલે નવા જંત્રીદર પ્રમાણે એક પણ દસ્તાવેજ નહી કરાવે : સરકારને શનિ- રવિ પુનઃવિચારણાનો સમય અપાશે, બાદમાં સોમવારથી હડતાલ પાડવાની તૈયારી

સરકારે એકાએક જંત્રી દરમાં બમણો વધારો જાહેર કરી દેતા બિલ્ડરોના નારાજગી જોવા મળી છે. લોકો ઉપર પડનાર વધારાના બોજને લઈને બિલ્ડરોએ બે વખત મુખ્યમંત્રીને રજુઆત પણ કરી હતી. છતાં કોઈ પરિણામ ન મળતા હવે સોમવારથી આંદોલનની તૈયારી બિલ્ડરો દ્વારા શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

રાજ્ય સરકાર દ્વારા જંત્રીના દરોમાં 100 ટકાનો એટલે કે બમણો ભાવ વધારો ઝીંકાયો છે. છેલ્લે 2011માં જંત્રીના દર અમલમાં આવ્યા હતા. ત્યારે આશરે 11 વર્ષ બાદ જંત્રીના ભાવમાં વધારો કરાયો છે, જે ગત સોમવારથી અમલમાં આવ્યા છે. કોરોના બાદ રીયલ એસ્ટેટ માર્કેટ માંડ માંડ ઉભું થઈ રહ્યું છે. જંત્રીના દર વધતા લોકો માટે ઘરનું ઘર ખરીદવું મુશ્કેલ બની જશે કેમ કે સ્ટેમ્પ ડ્યુટી સાથે દસ્તાવેજ ખર્ચ ડબલ થઈ છે.

અગાઉ બિલ્ડરોએ જંત્રી દરના વધારા સામે બે વખત મુખ્યમંત્રીને રજુઆત કરી હતી. પણ સરકાર દ્વારા આ અંગે કોઈ રાહતની જાહેરાત કરાઈ નથી. જેને પગલે હવે ગુજરાતના તમામ બિલ્ડરો આ શુક્રવારે નવી જંત્રી પ્રમાણેનો એક પણ દસ્તાવેજ આખા ગુજરાતમાં ક્યાંય નહિ કરે તેવો નિર્ણય કરાયાનું જાણવા મળ્યું છે. ડબલ જંત્રીને લઈને પ્રજા પર પાડનારા બોજ મુદ્દે સરકાર સામે બિલ્ડરો લડી લેવાના મૂડમાં હોય તેવું દેખાઈ રહ્યું છે.

વધુમાં શનિવાર અને રવિવાર માં સરકાર પુનઃ વિચાર કરે અને ઓછામાં ઓછા બે મહિના માટે નિર્ણય સ્થગિત કરે એવી માંગ કરવામાં આવી છે. જો બાદ માં પણ સરકાર યોગ્ય નિર્ણય ના કરે તો બિલ્ડર વતી સોમવારે 182 ધારાસભ્યો અને તમામ સાંસદોને બિલ્ડરો તરફથી આવેદન પત્ર પણ અપાશે તેવું નક્કી કરવામાં આવ્યાનું જાણવા મળે છે.

ઉલ્લેખનીય છે કે હાલમાં પ્રોપર્ટી ખરીદનાર, જમીન માલિકો તથા ખેડૂતો પર થનાર તેની અસરો વર્તાઈ છે. જેને પગલે નેશનલ રીયલ એસ્ટેટ ડેવલોપમેન્ટ કાઉન્સીલ ટીમે ચર્ચા વિચારણા કરી અગાઉ મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત પણ કરી હતી.બિલ્ડર ગ્રુપની માંગ છે કે સરકારમાં જંત્રી નો વધારો તત્કાલ અમલ કરવાને બદલે 90 દિવસ પછી કરે અને જંત્રીમાં 100% વધારો કરવાને બદલે વધુમાં વધુ 50% વધારો કરવા અને વિશેષમાં વૈજ્ઞાનિક પદ્ધતિથી સર્વે કરવી અમલ લાવવા પણ રજૂઆત કરી હતી. જો સરકાર આ અંગે કોઈ નિર્ણય નહિ લ્યે. તો સોમવારથી બિલ્ડરો હડતાલનો કાર્યક્રમ યોજવાની તૈયારી કરી રહ્યાનું જાણવા મળે છે.

આગામી રણનીતિ તૈયાર કરવા આજે ક્રેડાઈની વર્ચ્યુઅલ બેઠક

સરકારમાં રજુઆત કરવા છતાં પણ જંત્રી દરના વધારા અંગે કોઈ રાહત આપવામાં ન આવતા બિલ્ડર લોબીમાં ભારે નારાજગી પ્રવર્તી રહી છે. હવે બિલ્ડરો આકરા મૂડમાં હોય આગામી રણનીતિ ઘડવાની કરવાની તૈયારી ચાલી રહી છે. જેને લઈને બિલ્ડરોના સંગઠન એવા ક્રેડાઈ ગુજરાત દ્વારા આજે બપોરે વર્ચ્યુઅલ બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

ધારાસભ્યો અને સાંસદોના હાથે પણ સરકારમાં આવેદન અપાવાશે

જંત્રી દર બમણો કરવાના સરકારના નિર્ણયથી લોકો ઉપર વધારાનો બોજ પડવાનો હોવાનું બિલ્ડરો જણાવી રહ્યા છે. હાલ મળતી માહિતી મુજબ બિલ્ડરો સરકાર યોગ્ય નિર્ણય ના કરે તો ધારાસભ્યો અને  સાંસદોના હાથે સરકારમાં  આવેદન પત્ર પણ અપાવશે તેવું નક્કી કરવામાં આવ્યાનું જાણવા મળે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.