પ્રકૃતિ સાથે તાલમેલ હોય તો આવો, રાજકોટમાં અહી કરાયું વૃક્ષનું પૂજન

અબતક,રાજકોટ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા હાલમાં ચાલી રહેલા રાષ્ટ્રીય સ્તરના પ્રકલ્પ પ્રકૃતિ વંદના અંતર્ગત વી.વી.પી. એન્જીનીયરીંગ કોલેજમાં વૃક્ષારોપણ તેમજ વૃક્ષ પૂજન થયું હતું. આ પ્રસંગે સ્ટાફ મિત્રો દ્વારા ૧-૧ વૃક્ષનું આરોપણ કર્યું હતું અને કુલ ૧૩૦થી પણ વધુ વૃક્ષોનું વાવેતર થયું હતું.

આ પ્રસંગે સંસ્થાના પ્રિન્સીપાલ ડો. જયેશભાઈ દેશકરે જણાવ્યું હતું કે, પ્રકૃતિ સાથેની આ સહ-અસ્તિત્વ એટલે કે, કો-એકઝીસટન્સની પ્રક્રિયા છે. પ્રકૃતિને વંદન કરી તેની સાથે તાલમેલ મિલાવવો તે સહ-અસ્તિત્વ છે કે જેનાથી આપણું અસ્તિત્વ પણ સારૂ બને અને પ્રકૃતિનું પણ જતન થતું રહે.

આજે વિશ્વભરમાં જયારે ગ્લોબલ વોર્મિંગ અને પર્યાવરણના પ્રશ્નો ખૂબ મોટા પાયે ગાજી રહ્યા છે, ત્યારે પ્રકૃતિ સાથેનો તાલમેલ બેસાડવા માટે માત્ર વૃક્ષારોપણ જ નહીં પરંતુ તેનો ઉછેર પણ આવશ્યક છે અને આ બાબતમાં વી.વી.પી. વર્ષોથી અગ્રેસર છે તેથી જ આજે આખી વી.વી.પી. આટલી લીલીછમ દેખાય છે.

અમારા દરેક સ્ટાફ મિત્રોએ ૧-૧ વૃક્ષ વાવ્યું છે અને તેને ઉછેરવાનો સંકલ્પ પણ કર્યો છે.

સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે આચાર્ય ડો. જયેશભાઈ દેશકરના માર્ગદર્શન હેઠળ ડો. ધર્મેશભાઈ સુર,પ્રો. કેયુરભાઈ નાગેચા,  નિલદિપભાઈ ભટ્ટી,  મયુરભાઈ દેવમુરારી,  દિપકભાઈ ચાવડા તેમજ સમર્ગ કર્મચારી ગણે ભારે જહેમત ઉઠાવી હતી.