Abtak Media Google News

રાજય સરકારનો શિક્ષણલક્ષી મહત્વનો નિર્ણય

પ્રથમ સત્રમાં ૯૫ અને દ્વિતીય સત્રમાં ૧૦૨ દિવસનું શૈક્ષણિક કાર્ય

પ્રથમવાર ૭ દિવસનું નવરાત્રી વેકેશન

પ્રવેશ, પરીક્ષા અને વેકેશનમાં એકસુત્રતા જળવાય તે હેતુથી નિર્ણય કરાયો

રાજય સરકાર દ્વારા વધુ એક શિક્ષણલક્ષી મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં રાજયની તમામ સરકારી યુનિવર્સિટીમાં પ્રવેશ પ્રક્રિયા, પરીક્ષા અને વેકેશનમાં એકસૂત્રતા જળવાય અને સુચારૂરૂપે એક સાથે તમામ કાર્યક્રમો કરી શકાય તે હેતુથી કોમન એકેડેમિક કેલેન્ડર અમલમાં મુકવામાં આવ્યું છે. જેમાં પ્રથમ સત્રમાં ૯૫ તેમજ દ્વિતીય સત્રમાં ૧૦૨ દિવસ શૈક્ષણિક કાર્ય કરાશે. કોલેજોમાં પ્રથમવાર ૭ દિવસનું નવરાત્રી વેકેશન અપાશે તેમજ ૪૯ દિવસનું ઉનાળું વેકેશન રહેશે. આ કોમન એકેડેમિક કેલેન્ડર મેડિકલ અને ફાર્મસી સિવાયના તમામ અભ્યાસક્રમમાં આગામી શૈક્ષણિક સત્ર-૨૦૧૮થી અમલમાં આવશે તેમ શિક્ષણ વિભાગની યાદીમાં જણાવાયું છે.

Advertisement

તમામ યુનિવર્સિટીમાં શૈક્ષણિક એકસુત્રતા જળવાય તે માટે વાઈસ ચાન્સેલરોની એક કમિટિ દ્વારા અભ્યાસ કરીને સુપ્રત કરેલા કોમન એકેડેમિક કેલેન્ડરમાં ધોરણ-૧૨ની પ્રવેશ પરીક્ષાની પ્રક્રિયા પરીણામ જાહેર થયાના ૧૫ દિવસમાં એટલે કે મહતમ તા.૧૫ જુન સુધીમાં પૂર્ણ કરવાની રહેશે. પ્રથમ શૈક્ષણિક સત્ર તા.૧૨ જુન ૨૦૧૮ થી ૪ નવેમ્બર ૨૦૧૮ એમ પરીક્ષા સમય સિવાય ૯૫ દિવસનું રહેશે. જયારે કોલેજની આંતરિક મુલ્યાંકન/પરીક્ષાઓ સતત મુલ્યાંકનની જેમ સાપ્તાહિક ટેસ્ટ, પ્રોજેકટ વર્ક, સમુહ ચર્ચા વગેરે તા.૧૫ ઓકટોબર ૨૦૧૮ સુધીમાં પૂર્ણ કરવાની રહેશે. તા.૧૫ ઓકટોબરથી ૨૧ ઓકટોબર ૨૦૧૮ સુધી ૭ દિવસનું નવરાત્રિ વેકેશન હશે. ઉપરાંત તા.૨૨ થી ૩૧ ઓકટોબર ૨૦૧૮ દરમિયાન સેમેસ્ટર ૧,૩ અને પની યુનિવર્સિટી કક્ષાની પરીક્ષા તેમજ તા.૨૮ નવેમ્બર ૨૦૧૮ થી ૭ ડિસેમ્બર ૨૦૧૮ સુધી સેમિસ્ટર ૨,૪ અને ૬ના વિષયોની યુનિવર્સિટી કક્ષાની પરીક્ષા યોજાશે. તા.૫ નવેમ્બર ૨૦૧૮થી તા.૧૮ નવેમ્બર ૨૦૧૮ દરમિયાન ૧૪ દિવસનું દિવાળી વેકેશન રહેશે.

આ ઉપરાંત દ્વિતીય શૈક્ષણિક સત્ર તા.૨૬ નવેમ્બર-૨૦૧૮ થી તા.૨૪ એપ્રિલ ૨૦૧૯ દરમિયાન ૧૦૨ દિવસ પરીક્ષા સમય સિવાયનું રહેશે. તા.૫ માર્ચ ૨૦૧૯થી ૧૪ માર્ચ ૨૦૧૯ દરમિયાન સેમિસ્ટર ૧,૩ અને ૫ના વિષયોની યુનિવર્સિટી કક્ષાની પરીક્ષા તેમજ તા.૧૯ માર્ચ ૨૦૧૯ થી ૨૮ માર્ચ ૨૦૧૯ દરમિયાન સેમિસ્ટર ૨,૪ અને ૬ની યુનિવર્સિટી કક્ષાની પરીક્ષા યોજાશે. તા.૨૪ એપ્રિલ ૨૦૧૯થી તા.૧૧ જુન ૨૦૧૯ એમ કુલ ૪૯ દિવસનું ઉનાળુ વેકેશન રહેશે તેમ યાદીમાં વધુમાં જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.