Abtak Media Google News

રાજકોટ શહેરના પ્રવેશદ્વાર સમા માધાપર ચોકડી પર ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે ઓવરબ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે. તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના હસ્તે બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. દરમિયાન હવે માધાપર ચોકડીએ ઓવરબ્રિજ નીચે અન્ડરબ્રિજ બનાવવામાં આવશે. આ સંદર્ભે આજે કોર્પોરેશન કચેરી ખાતે એક મહત્વપૂર્ણ બેઠક મળી હતી. તાજેતરમાં સાંસદ મોહનભાઇ કુંડારિયા અને કોર્પોરેશનના પદાધિકારીઓએ સ્થળ વિઝીટ પણ કરી હતી. ટૂંક સમયમાં બ્રિજના કામનું ખાતમુહુર્ત કરવામાં આવશે. માધાપર ચોકડીએ અગાઉ ઓવરબ્રિજ અને અન્ડરબ્રિજ એમ બંને પ્રોજેક્ટ મૂકવામાં આવ્યા હતા.

150 ફૂટ રીંગ રોડ પર 200 મીટર અને મોરબી રોડ સાઇટ 200 મીટરનો વિસ્તાર આવરી લેવાશે: ટૂંક સમયમાં કામનું ખાતમુહુર્ત

જેનો અંદાજિત ખર્ચ રૂ.60 કરોડ જેવો હતો. દરમિયાન જ્યારે ઓવરબ્રિજનું કામ ચાલતું હતું ત્યારે એવી પણ ઘોષણા કરવામાં આવી હતી કે હવે માધાપર ચોકડીએ અન્ડરબ્રિજનું નિર્માણ કરવામાં આવશે નહિં. જો કે માર્ગ અને મકાન વિભાગ દ્વારા બંને બ્રિજ માટેનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો હોય. અન્ડરબ્રિજનું નિર્માણ કરવું પણ ફરજિયાત છે. અહિં સેન્ટ્રલ સ્પાનથી 150 ફૂટ રીંગ રોડ પર 200 મીટર વિસ્તાર અને સામેની તરફ મોરબી રોડ પર 200 મીટરની લંબાઇ રહેશે. અન્ડરબ્રિજના નિર્માણના કામ માટે માધાપર ચોકડીએ આવેલું બીઆરટીએસનું બસ સ્ટોપ હટાવવાની જરૂરીયાત છે. જેના સંદર્ભે આજે કોર્પોરેશન કચેરી ખાતે કોર્પોરેશનના અધિકારીઓ અને માર્ગ એન્ડ મકાન વિભાગના અધિકારીઓની એક મહત્વપૂર્ણ બેઠક મળી હતી. આ સંદર્ભે તાજેતરમાં સાંસદ મોહનભાઇ કુંડારિયાએ કોર્પોરેશનના પદાધિકારીઓ સાથે પણ બેઠક યોજી હતી.

દરમિયાન તમામે સંયુક્ત સાઇટ વિઝીટ પણ કરી હતી. ટૂંક સમયમાં બ્રિજના નિર્માણ કામનું ખાતમુહુર્ત કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે માધાપર ચોકડી ખાતે બનેલા ઓવરબ્રિજના કારણે મહિનાઓ સુધી વાહનચાલકોએ હાડમારી વેઠવી પડી હતી. ફરી આવા દિવસો આવશે કારણ કે માધાપર ચોકડીએ રાજકોટનો મુખ્ય પ્રવેશદ્વાર બની ચુક્યો છે. હવે જો અહિં અન્ડરબ્રિજ બનાવવા માટેની કામગીરી શરૂ કરવામાં આવશે તો લોકોએ ફરી હાલાકીનો સામનો કરવો પડશે. જો કે, બંને બ્રિજના નિર્માણ બાદ શહેરીજનોને ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ મળી જશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.