Abtak Media Google News

તા.૧૪ અને ૧૫ જૂનના રોજ જિલ્લાની ૭૫૮ શાળામાં  અધિકારીઓ અને પદાધિકારીઓની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનું આયોજન

મેંદરડાનાં ગઢાળી, ચાંદ્રાવાડી, મોટી ખોડીયાર ઈટાળી ગુંદાળામાં ગુજરાત ગ્રામ્ય ઉદ્યોગ બજાર નીગમ લી. ના અધ્યક્ષ શ્રી મેઘજીભાઇ કણજારીયા ભૂલકાઓને અપાવશે શાળા પ્રવેશ

બેચર સ્વામી અતિપછાતજાતિ વિકાસબોર્ડના અધ્યક્ષ ગૈાતમભાઇ ગેડીયા અને રાજ્ય પાઠ્યપુસ્તક મંડળના કાર્યવાહક અધ્યક્ષ ડો.નિતિન પેથાણી બે દિવસ જૂનાગઢ જિલ્લાનાં ગ્રામિણ બાળકોને અપાવશે શાળા પ્રવેશ

આલેખન- અશ્વિન પટેલ, સિનીયર સબ એડીટર માહિતી બ્યુરો જૂનાગઢ   જૂનાગઢ તા.૧૩ ગુજરાત સરકાર દ્રારા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત રાજ્યમાં ૧૦૦ % નામાંકનના લક્ષ્યાંકને સિધ્ધ કરવા માટે શાળા પ્રવેશોત્સવ દ્રારા શાળામાં પ્રવેશપાત્ર બાળકોને એક સાથે જ પ્રવેશ આપવામાં આવે છે.

ઉત્સવ એ ભારતીય સંસ્કૃતિનું અભિન્ન અંગ છે,તહેવાર એ હિન્દી ભાષાના तेहवार કે त्योहार શબ્દનું ગુજરાતી છે. ફારસી ભાષામાં ’તિહ=ખાલી’ અને ’વાર=નામદર્શી પ્રત્યય’ મળીને ’તેહેવાર’ શબ્દ આવે છે જેનો અર્થ ’મુસલમાની દીનમાં ફરમાવેલો પાક દિવસ’ એવો થાય છે. ગુજરાતીમાં ’તહેવાર’નો અર્થ અણૂજો, અકતો. ઉત્સવ, ખુશાલીનો દિવસ, વારપરબ એવો થાય છે. મહદાંશે બહુમાન્ય જાહેર ઉત્સવને તહેવાર તરીકે ઓળખવામાં આવે છે. ભારતીય સંસ્કૃતિ ઉત્સવાભિમુખ સંસ્કૃતિ છે. માનવજીવનમાં અનેક પ્રસંગોની ઉજવણી એ આપણી પરંપરા છે. બાળકની નામકરણ વિધિ આપણા તમામ માટે ઉત્સવ છે. ઘર અને શેરી છોડીને પહેલીવાર શાળામાં આવતા બાળકોનો શાળાપ્રવેશ આજ સુધી કુટુંબ ઉજવતું હતુ. ઉજવણી બાળકોને નવા કપડા, લલાટે કુમકુમ તિલક, ચોખા, હાથમાં શ્રીફળ અને સાકરનો પડો, બાળકોને ચોકલેટ, મિઠાઈ, પતાસાની વહેંચણી આ દ્રશ્ય અનેક ગામોમાં જોવા મળતા અને મળે છે. પરંતુ પ્રવેશોત્સવ દ્વારા શાળા પરિવાર અને સમાજ શાળામાં આવતા દરેક પ્રવેશાર્થી બાળકનું સ્વાગત કરી આવકાર આપે છે. શાળા પ્રવેશોત્સવ એ સમગ્ર ગામનો ઉત્સવ બની રહે તે આવશ્યક છે. રાજ્ય સરકારશ્રી આ માટે તમામ સ્તરે સઘન આયોજન અને અમલીકરણ માટે પ્રયત્ન થઇ રહ્યા છે. આ વર્ષે જૂનાગઢ જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ નું બે તબક્કામાં આયોજન કરવામાં આવેલ છે. તારીખ ૧૪, ૧૫ જુન ૨૦૧૮ દરમ્યાન જિલ્લાના ગ્રામ્ય વિસ્તારની તમામ પ્રાથમિક શાળાઓ અને માધ્યમિક શાળાઓમાં તેમજ તારીખ ૨૨, ૨૩જુન – ૨૦૧૮ દરમ્યાન જિલ્લાના શહેરી વિસ્તારની તમામ પ્રાથમિક શાળાઓ અને માધ્યમિક શાળાઓમાં આ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવશે. પ્રવેશોત્સવ-૨૦૧૮નું આયોજન માધ્યમિક શાળાઓ અને પ્રાથમિક શાળાઓમાં સંયુક્તપણે યોજવામાં આવેલ છે.

જૂનાગઢ જિલ્લામાં કુલ ૧૦ તાલુકાનો સમાવેશ થાય છે. જેમાં ૭૫૮ સરકારી શાળાઓ કાર્યરત છે. જેમાં ત્રણ કસ્તુરબા ગાંધી કન્યા વિદ્યાલય પણ આવેલ છે. નેશ વિસ્તારમા ૬ શાળાઓ આવેલી છે. ૫૭૧ પ્રજ્ઞાશાળા, ૫૯ બાલ શાળા, ૪૬૪ ધો-૧ થી ૮ની સુવિધા ધરાવતી શાળાઓ છે.આ શાળાઓમાં ૨૧૫૩ પુરૂષ શિક્ષક અને ૨૧૮૩ મહિલા શીક્ષક તરીકે તાલીમી સ્ટાફ ધરાવે છે. ૭૫૮ શાળાઓમાં હાલમાં ૪૧૩૨૭ કુમાર અને ૪૪૯૬૬ કન્યા છાત્રો મળીને ૮૬૨૯૩ વિદ્યાર્થી સરકારી શાળાઓમાં વિદ્યાભ્યાસ કરી રહ્યા છે. જૂનાગઢ જિલ્લામાં ૧૩ આશ્રમ શાળા આવેલી છે જેમાં ૧૫૫૦ વિદ્યાર્થી ભણી રહ્યા છે. ૪૭૨ ખાનગી શાળાઓમાં ૮૮૪૫૦ વિદ્યાર્થી અભ્યાસ કરે છે. આમ જૂનાગઢ જિલ્લાની કુલ ૧૨૪૮ શાળાઓમાં ૯૪૪૪૦ કુમાર અને ૮૨૩૭૬ કન્યા મળીને ૧૭૬૮૧૬ છાત્રો અભ્યાસ કરે છે.

સરકારી શાળાઓ હવે ખાનગી શાળાની તુલનાએ શ્રેષ્ઠ સુવિધા સંપન્ન શાળાઓ બની ચુકી છે. સઘળી શાળાઓમાં નીષ્ણાંત તાલીમી શિક્ષકો સેવારત છે.જૂનાગઢ જિલ્લાની ૭૫૮ શાળાઓમાં વિજળીકરણ, સેનીટેશન, કમ્પઉન્ડવોલથી રક્ષીત શાળાઓ છે. ૭૫૬ શાળાઓમાં રમત ગમતનું મેદાન ઉપલબ્ધ છે.૬૩૧ શાળાઓ કોમ્પ્યુટર લેબની સુવિધા ધરાવે છે. ૩૮૯ શાળાઓ ઈન્ટરનેટની સુવિધા ધરાવે છે. ૭૦૦ શાળાઓમાં મધ્યાહન ભોજન માટે રસોઇધર, બાળકોને શુધ્ધ પીવાનું જળ મળી રહે તે માટે ૭૪૯ શાળાઓ પાસે આર.ઓ, યુ.વી. પ્લાન્ટ છે. જૂનાગઢ જિલ્લામાં ૧૩૩૫ કુમાર અને ૮૫૯ કન્યા મળીને ૨૧૯૪ દિવ્યાંગ છાત્રો છે. જૂનાગઢ જિલ્લામાં વર્ષ ૨૦૧૧ની વસ્તીગણત્રી મુજબ ગ્રામ્ય વિસ્તારમાં ૪૯૦૪૦૩ પુરૂષ ૪૬૧૭૯૯ સ્ત્રી મળીને ૯૫૨૨૦૨ની જનસંખ્યા વસવાટ કરે છે. જ્યારે શહેરી વિસ્તારમાં ૨૯૩૯૨૭ પુરૂષ, ૨૭૯૪૭૬ સ્ત્રી મળીને ૫૭૩૪૦૩ જનસંખ્યા આવેલી છે. આમ જૂનાગઢ જિલ્લામાં ગ્રામ્ય અને શહેરી મળીને કુલ ૧૫૨૫૬૦૫ની વસ્તી નોંધાયેલી છે. જિલ્લાનો વસ્તીદર ૭.૨૬ ટકા છે. જિલ્લાનો જાતિવાર ગુણોત્તર  ૯૫૨ છે. જિલ્લામાં સાક્ષરતાનો દર ૭૦.૧૩ ટકા છે. વિદ્યાર્થીઓમાં ડ્રોપઆઉટ રેસ્યો કુમાર ૧.૨૫ અને કન્યા ૧.૫૩ આમ સરેરાશ ૧.૩૮ નોંધાયો છે. જૂનાગઢ પ્રાથમિક શિક્ષણ સમીતિ સંચાલીત ૬૭૭ શાળાઓમાં કુલ ૯ તાલુકાનાં ગ્રામ્ય શાળાઓમાં સર્વે આધારીત ૪૭૨૪ કુમાર અને ૪૫૦૫ કન્યા મળીને ૯૨૨૯ વિદ્યાર્થી પ્રવેશ પાત્ર છે. આમ તા. ૧૪ અને ૧૫મી જૂન જૂનાગઢ જિલ્લાનાં બાળકો માટે સાચા અર્થમાં ઉત્સવ બની રહેનાર છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.