Abtak Media Google News

ભક્ત કવિ નરસિંહ મહેતાના નામ સાથે જોડાયેલી , જુનાગઢ સ્થિત યુનિવર્સિટીમાં, થોડા સમય પહેલા બી.એડ સેમેસ્ટર -1 ની પરીક્ષાના સંદર્ભે ફરિયાદ કરવામાં આવી હતી . આ ફરિયાદમાં જણાવ્યું હતું કે સેમેસ્ટર -1 ની હિન્દી મેથડની પરીક્ષા વખતે, જે પ્રશ્નપત્ર આપવામાં આવ્યું તે પ્રશ્નપત્રમાં તમામ પ્રશ્નો સેમેસ્ટર -2 ના સિલેબસમાંથી પૂછવામાં આવ્યા હતા . આનો અર્થ એવો થયો કે પરીક્ષા સેમેસ્ટર -1 ના વિષયની હતી અને પ્રશ્નો સેમેસ્ટર -2 ના વિષયના હતા . આ ફરિયાદ સામે જુનાગઢ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ ચેતન ત્રિવેદીએ કોઈ પગલાં ન ભરતા , છેવટે ભારત સરકારના પી.એમ.ઓ. પોર્ટલ પર ફરિયાદ કરવામાં આવી હતી .

બીએડની સેમેસ્ટર 1ની પરીક્ષામાં સેમેસ્ટર 2ના પ્રશ્ર્નો

પુછાયા છતા કુલપતિ ચેતન ત્રિવેદી સામે કોઈ કાર્યવાહી નહીં

આ ફરિયાદને ભારત સરકારે ગંભીરતાથી લેતા , ગુજરાત સરકારને તપાસ માટે મોકલી આપી હતી . આ તપાસ જુનાગઢ યુનિવર્સિટી સુધી પહોંચતા , ન છૂટકે ચેતન ત્રિવેદીએ કંઈક કરવું પડે તેવી પરિસ્થિતિ ઉભી થઈ હતી. આ માટે કોઈ તપાસ સમિતિ બની અને આ તપાસ સમિતિએ એવો અહેવાલ આપ્યો કે ફરિયાદમાં તથ્ય જણાય છે . અતિ ગંભીર બાબતો એ હતી કે જે વિદ્યાર્થીઓએ સેમેસ્ટર -1 માં હોવા છતાં પોતે ભણેલા નથી તેવા સેમેસ્ટર -2 નું પેપર પૂછાયું અને જવાબ પણ લખાયા , જવાબ લખાયા એટલું જ નહીં પરીકે આ જવાબોનું મૂલ્યાંકન પણ કર્યુ અને મજાની વાત એ કે લગભગ તમામ વિદ્યાર્થીઓને 90 % થી વધુ માર્ક મુકવામાં આવ્યા .

જે વિદ્યાર્થીઓ પેપર ભણ્યા જ નથી અભ્યાસક્રમમાં હતું જ નહીં આમ છતાં વિદ્યાર્થીઓને 90 % માર્ક મૂકીને જે વ્યક્તિએ પ્રશ્નપત્ર ખોટું કાઢ્યું એસેસમેન્ટ ખોટું કર્યું તેની તપાસ કરવાને બદલે સમગ્ર કૌભાંડને દબાવી દેવાનો કારસો જુનાગઢ યુનિવર્સિટીના કુલપતિ ચૈતન ત્રિવેદીએ કર્યો હતો . પરંતુ પાપ છાપરે ચડીને પોકારે તેમ તપાસ ચેતન ત્રિવેદી સુધી પહોંચતા તેમણે કોઈને બલિનો બકરો શોધવાનું શરૂ કર્યું અને આ બલીના બકરાના ભાગરૂપે , આ પેપર કાઢનાર અને પેપર ચેક કરનાર એક જ વ્યક્તિ હતી . આ વ્યક્તિને બીજું કંઈ નહીં પરંતુ 5000 દંડ કરવામાં આવ્યો . આશ્ચર્યની વાત એ છે કે જે વ્યક્તિ વિદ્યાર્થીઓના ભવિષ્યની ચિંતા કર્યા વગર સેમેસ્ટર -1 ની પરીક્ષામાં સેમેસ્ટર -2 ના પ્રશ્નો પૂછે વિદ્યાર્થીઓને કશું આવડ્યું નહીં હોય તેવી સ્થિતિમાં પણ તેઓએ જે લખ્યું હોય તે સ્વીકારીને જે લખ્યું છે એના ગુણ આપવાની બદલે બધા જ વિદ્યાર્થીઓને 90 % થી વધુ ગુણ આપી દે .

આવી વ્યક્તિ જે મળી છે તે વ્યક્તિ એટલે મહેશ જોધાણી . જુનાગઢમાં સરદાર પટેલના નામ સાથે જોડાયેલ સેલ્ફ ફાઇનાન્સ કોલેજના આચાર્ય તરીકે અથવા કાર્યકારી આચાર્ય તરીકે ફરજ બજાવે છે . આવડી મોટી ગંભીર ભૂલ , વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા , પોતાના કામ પ્રત્યે નેગલીજન્સી જેવી ગંભીર બાબત હોવા છતાં ચેતન ત્રિવેદી આ પ્રકરણને ઢાંકી રહ્યા છે , જાહેર કરી શકતા નથી , જાહેર કરી રહ્યા નથી .

અમારી સ્પષ્ટ માગણી છે કે જે વ્યક્તિએ પરીક્ષામાં આવડી મોટી ભૂલ કરી હોય તેને આપણે દંડ લઈને જવા દેતા હોઈએ અને વિદ્યાર્થીઓ કદાચ ભૂલથી પણ પોતાની સાથે નાની કાપલી લઈને આવ્યા હોય એને આપણે બે – બે ત્રણ – ત્રણ વર્ષની સજા કરતા હોઈએ ત્યારે , શિણ જગતને એવું લાગી રહ્યું છે કે ચેતન ત્રિવેદીના રાજમાં ભક્ત કવિ નરસિંહ મહેતા સાથે જોડાયેલા નામની આ યુનિવર્સિટીમાં અંધેરી નગરી અને ગંડુ રાજા જેવો વહીવટ ચાલી રહ્યો છે . ગુજરાત સરકાર આને ગંભીરતાથી લે અને સૌ પ્રથમ ત્યાંના કુલપતિ ચેતન ત્રિવેદીને અને ત્યારબાદ આ સમગ્ર કૌભાંડ કરનાર અને છાવરનાર મહેશ જોધાણીને પોતાની તમામ જવાબદારીઓ પરથી દૂર કરે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.