Abtak Media Google News
ગંદકી, વરસાદી પાણીથી લોકોને રસ્તા પર ચાલવું બન્યું મુશ્કેલ

વઢવાણ તાલુકાના રાજપર ગામે છેલ્લા 20થી વધુ વર્ષથી ગામના મુખ્ય રસ્તાઓ પર ફેલાયેલા ગટર-વરસાદના ગંદા પાણીનો પ્રશ્ન હલ ન થતા રોષ ફેલાયો હતો. બાળકોને શાળાએ, આંગણવાડી સહિતના સ્થળોએ જવામાં મુશ્કેલી પડી રહી છે. જ્યારે વર્ષોથી ગામના કુવાના ભરોસે પીવાનું પાણી ગ્રામજનો લઇ રહ્યા છે. આથી ગામના પ્રશ્નો ઝડપથી હલ થાય તેવી મહિલાઓ સહિતના ગ્રામજનોએ માગ કરી હતી.

વઢવાણ પંથકના અનેક ગામડાઓ આજે પણ પ્રાથમિક સુવિધાઓથી વંચિત રહેતા લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે. ત્યારે વઢવાણ તાલુકાના રાજપર ગામે અંદાજે 3,000થી વધુ લોકો વસવાટ કરી રહ્યા છે. પરંતુ ગામમાં ભૂર્ગભ ગટર હોવા છતા ગટરના ગંદા તેમજ વરસાદી પાણીના કારણે ગ્રામજનોને ચાલવુ મુશ્કેલરૂપ બની ગયુ છે.

ગામના મુખ્ય એવા 500 મીટરના રસ્તા પર જ આ સમસ્યા સર્જાતા બાળકોને તેમજ મહિલાઓને પાણી ભરવા જવુ પણ જોખમરૂપ બની ગયુ છે. રસ્તા પર ગંદા પાણી, કાદવકીચડના કારણે બાળકો, વૃદ્ધો પણ પડી જવાના બનાવો બની રહ્યા છે. ગામની મહિલાઓએ જણાવ્યુ કે, આ બાબતે અનેકવાર રજૂઆતો કરવા છતા કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી.

આથી આ ગામમાં મચ્છરનો ઉપદ્રવ વધવાની સાથે રોગચાળાનો ભય ફેલાયો છે. આ ઉપરાંત પીવાના પાણીની પણ વર્ષોથી સુવિધા નથી. હાલ ગામના કુવામાંથી લોકો પીવાનું પાણી લઇ રહ્યા છે જ્યારે ગામના તળાવથી સ્નાન તેમજ કપડા ધોવા સહિતનો ઉપયોગ કરી રહ્યા છે. આથી આ ગામમાં રસ્તા પર ગંદા પાણીના કારણે થતી ગંદકીઓ દૂર કરાવી પ્રાથમિક સુવિધાઓ આપવામાં આવે તેવી લોકમાં ઉઠવા પામેલ છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.