Abtak Media Google News

બેદરકારી કે આળસ?

દેશમાં H3N2 ફ્લુથી બે દર્દીઓ મોતને ભેટ્યા: 4 લોકોનાં મોતના કારણો જાણવા તપાસનો ધમધમાટ

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે શુક્રવારે હરિયાણા અને કર્ણાટકમાંથી એચ3એન2(ઈન્ફલ્યુએન્ઝા વાયરસ)થી બે મૃત્યુ નોંધાયા બાદ રાજ્યોને એલર્ટ રહેવાની સલાહ આપી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે રાજ્યોને એલર્ટ રહેવા માર્ગદર્શિકા પણ જાહેર કરી છે પરંતુ મહત્વપૂર્ણ બાબત એ છે કે, હજુ સૌરાષ્ટ્રમાં કોઈ ઓણ સરકારી હોસ્પિટલમાં આ ફ્લુના સેમ્પલ પણ લેવામાં આવતા નથી. જેથી આ ફ્લુના દર્દીઓ સૌરાષ્ટ્રમાં છે કે કેમ? તેનો અંદાજ મેળવી શકાય તેમ નથી. આ ફ્લુનો ટેસ્ટ પણ હાલ માત્ર પુણે જ થતો હોવાથી લક્ષણ ધરાવતા દર્દીનો ટેસ્ટ પણ હાલ કરી શકાતો નથી.

દેશમાં સિઝનલ ઈન્ફ્લુએન્ઝાના પેટા વાઈરસ એચ3એન2એ સરકાર અને લોકોની ચિંતા વધારી દીધી છે. દેશમાં છેલ્લા કેટલાક સમયમાં આ વાઈરસથી લોકોના બીમાર પડવાના કેસોમાં નોંધપાત્ર વધારો થયો હતો ત્યારે હવે એચ3એન2 વાઈરસે બે રાજ્યોમાં બે લોકોનો ભોગ લીધો હોવાના સમાચારે તંત્રને દોડતું કરી દીધું છે. દેશમાં આ વાઈરસથી છ લોકોના મોત થયા હોવાનો દાવો કરાઈ રહ્યો છે ત્યારે સરકારે કર્ણાટક અને હરિયાણામાં બેનાં મોતની પુષ્ટી કરી છે જ્યારે બાકીના ચારનાં મોતનું કારણ જાણવા માટે તપાસ ચાલી રહી છે. જોકે, સ્વાસ્થ્ય મંત્રાલયે દાવો કર્યો છે કે આ મહિનાના અંત સુધીમાં આ વાઈરસના કેસોમાં ઘટાડો આવશે.

ગુજરાતમાં અનેક ઝપટે ચડી ચૂક્યા છે તે સ્વાઈન ફ્લુનું રૂપ બદલાવેલ અને વધુ ખતરનાક મનાતો એચ3એન2 વાયરસનો ખતરો રાજ્યમાં ફરી મંડરાઈ રહ્યો છે અને તંત્રમાં તેના ટેસ્ટીંગની પર્યાપ્ત વ્યવસ્થા નથી ત્યારે ત્યારે ગુજરાતમાં આ વાયરસના કેસો આવી જાય તો પણ ત્વરિત ખબર પડવી મૂશ્કેલ છે. ભારતમાં આ વાયરસ નવો નથી, હોંગકોંગ ફ્લુ તરીકે ઓળખાતા આ વાયરસથી ઈ.સ.1968માં મહામારી  ફેલાઈ ત્યારે ભારતમાં પણ તે કેસ દેખાયો હતો અને ફરી કર્ણાટક સહિત રાજ્યોમાં તાજેતરમાં આવા ફ્લુના કેસ મળ્યા છે.

સ્વાસ્થ્ય મંત્રાલયે

જણાવ્યું હતું કે, દેશમાં બીજી જાન્યુઆરીથી 5મી માર્ચ સુધીમાં એચ3એન2ના 451 કેસ નોંધાયા હતા. આ વર્ષની શરૂઆતથી આ ઈન્ફ્લુએન્ઝાના કેસમાં વધારો જોવા મળતા

સ્વાસ્થ્ય મંત્રીએ ટોચના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરી હતી. આ સાથે સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે, રિયલ ટાઈમના આધારે આઈડીએસપી નેટવર્ક મારફત રાજ્યોમાં કેસોના નિરીક્ષણ અને ટ્રેકિંગ કરાઈ રહ્યા છે. સિઝનલ ઈન્ફ્લુએન્ઝાના પેટાપ્રકાર એચ3એન2ના કેસોનું કડકાઈથી નિરીક્ષણ કરાઈ રહ્યું છે. મંત્રાલયનો દાવો છે કે માર્ચના અંત સુધીમાં ઈન્ફ્લુએન્ઝાના કેસોમાં ઘટાડો આવવાની આશા છે.

જોકે, ઈન્ફ્લુએન્ઝા વાઈરસથી દેશમાં અત્યાર સુધીમાં 6 લોકોનાં મોત થયાનો દાવો કરાઈ રહ્યો છે. જોકે, સરકારે આ વાઈરસથી કર્ણાટક અને હરિયાણામાં એક-એક મોતની પુષ્ટી કરી છે. અન્ય ચાર લોકોના મોતના કારણની તપાસ થઈ રહી છે. સૂત્રો મુજબ કર્ણાટક, પંજાબ અને હરિયાણામાં એચ3એન2 વાઈરસથી મોતના અહેવાલો સામે આવ્યા હતા. જોકે, માત્ર કર્ણાટક અને હરિયાણામાં જ બે લોકોનાં એચ3એન2થી મોત થયાની પુષ્ટી થઈ છે.

આ વાઈરસથી બચવા માટે આઈસીએમઆરે તાજેતરમાં એક એડવાઈઝરી પણ બહાર પાડી હતી. ડોક્ટરોના જણાવ્યા મુજબ ઈન્ફ્લુએન્ઝાના મોટાભાગના દર્દીઓમાં એક સમાન લક્ષણો જોવા મળ્યા છે, જેમાં ખાંસી, ગળામાં ચેપ, શરીરમાં દુખાવો, નાકમાંથી પાણી નીકળવાનો સમાવેશ થાય છે. એઈમ્સના પૂર્વ ડિરેક્ટર ડોક્ટર રણદીપ ગુલેરિયાએ જણાવ્યું હતું કે, એચ3એન2 એક પ્રકારનો સિઝનલ ઈન્ફ્લુએન્ઝા વાઈરસ છે. દર વર્ષે આ વાઈરસના દર્દીઓ આ સમયમાં જોવા મળતા હોય છે.

તેમણે જણાવ્યું હતું કે, આ ઈન્ફ્લુએન્ઝા વાઈરસ ડ્રોપલેટ્સ મારફત કોવિડની જેમ ફેલાય છે. જોકે, પહેલાથી બીમારી હોય તેવા લોકોએ જ આ વાઈરસથી સાવધ રહેવાની જરૂર છે. આ વાઈરસથી બચવા માટે તકેદારીના ભાગરૂપે લોકોએ માસ્ક પહેરવું જોઈએ, વારંવાર હાથ ધોવા જોઈએ, સલામત અંતર જાળવવું જોઈએ. તેનાથી બચવા માટે રસી પણ ઉપલબ્ધ છે. ડોક્ટરોએ આ વાઈરસનો ભોગ બનનારા દર્દીઓને જાતે જ દવા લેવાનું ટાળવા સલાહ આપી છે. અન્ય એક ડોક્ટરે કહ્યું કે એચ3એન2 વાઈરસ શ્વાસોચ્છ્વાસના ઉપરના ભાગને અસર કરે છે.

દેશમાં છેલ્લા કેટલાક સમયમાં કોરોનાના કેસમાં વધારો થયો હતો. શુક્રવારે 440 નવા કેસ નોંધાયા હતા. આ સાથે સક્રિય કેસો વધીને 3,294 થયા હતા. દેશમાં રાજસ્થાન, કર્ણાટક અને કેરળમાં કોરોનાના એક-એક દર્દીઓનાં મોત સાથે કુલ મૃત્યુઆંક વધીને 5,30,779 થયો હતો. કોરોનાના કુલ કેસની સંખ્યા વધીને 4.46 કરોડ થઈ હતી.

ચિંતાનો વિષય?: H3N2 જેવા લક્ષણો ધરાવતા દર્દીઓની સંખ્યામાં 30%ના ઉછાળાનો અંદાજ

રાજકોટ સિવિલ હોસ્પિટલના સૂત્રો અનુસાર હાલ ફ્લુના કેસોમાં 20 ટકા જેટલો વધારો જોવા મળ્યો છે. રોજ 2700 થી 2800 દર્દીઓની ઓ.પી.ડી. નોંધાય છે જેમાં ફ્લુના લક્ષણો ધરાવતા દર્દીઓ આશરે 100થી 125 હોય છે. જ્યારે મનપામાં વાયરલ શરદી-તાવ એટલે કે એચ3એન2 જેવા લક્ષણો ધરાવતા દર્દીઓમાં પણ 30 ટકાનો વધારો થયો છે. બીજી તરફ રાજકોટના તબીબો વારંવાર જણાવી ચૂક્યા છે કે છેલ્લા કેટલાક સમયથી ફ્લુના દર્દીઓ  ઝડપથી સાજા થતા નથી અને ગળામાં દુખાવો,ઉધરસ, નબળાઈ સહિતના લક્ષણો અગાઉના સમય કરતા વધુ સમય ચાલે છે.

નમૂના લીધા વિના દર્દી હોંગકોંગ ફીવરથી સંક્રમિત છે કે નહીં તેની જાણ કેમ થશે?

ફ્લુના આ વધતા કેસોમાં ગંભીર વાત એ છે કે હજુ કોઈ દર્દીના સેમ્પલ લેવાયા નથી કે જીનોમ સીક્વન્સીંગ કરાયું નથી કે તેના કોઈ રિપોર્ટ જાહેર કરાયા નથી. હોસ્પિટલ સૂત્રો જણાવે છે કે સ્થાનિક કક્ષાએ આવા ટેસ્ટીંગ માટે કોઈ સુવિધા નથી હોતી, ગાંધીનગર નમુના મોકલવાના હોય છે અને ત્યાંથી આગળ મોકલાય તેવી વ્યવસ્થા છે પરંતુ, હજુ આવા કોઈ નમુના લેવાયા નથી.  આમ, આ અત્યંત ઝડપથી ફેલાઈ શકતા વાયરસથી ગુજરાતના લોકો અસરગ્રસ્ત બની ગયા હોય તો પણ ખબર કેમ પડે તે સવાલ સર્જાયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.