Abtak Media Google News

નવા આઈ.ટી. નિયમો વિરુદ્ધ દિલ્હી હાઈકોર્ટ ખાતે ધ વાયર ડિજિટલ મીડિયા લિમિટેડ અને ઑલ્ટ ન્યુઝ જેવી વેબસાઈટ દ્વારા અરજી દાખલ કરવામાં આવી હતી. જે મામલે દિલ્હી હાઈકોર્ટે ડિજિટલ મીડિયા વેબસાઇટને વચગાળાની રાહત આપવાની અરજી નામંજૂર કરી છે.

વેબસાઈટ દ્વારા દિલ્હી હાઈકોર્ટ ખાતે નવા આઈ.ટી. નિયમો ને પડકારતી અરજી દાખલ કરવામાં આવી હતી. આ મામલે વેબસાઈટ દ્વારા દલીલ કરવામાં આવી હતી કે, બળજબરીપૂર્વક નવા નિયમોના પાલન અંગે કેન્દ્ર સરકાર તેમની ફરજ પાડી રહી છે. જેમાંથી વચગાળાની રાહત આપવી જોઈએ.

વેબસાઈટ દ્વારા હાઇકોર્ટમાં નવા આઈ. ટી. નિયમને પડકારવામાં આવી છે. દિલ્હી હાઈકોર્ટના ચીફ જસ્ટિસ ડી.એન. પટેલ અને જસ્ટિસ જ્યોતિસિંઘની ખંડપીઠે આ મામલે કેન્દ્ર સરકારને ૨૦ ઓગસ્ટ સુધી જવાબ રજૂ કરવા જણાવ્યું છે.

દેશના અલગ-અલગ રાજ્યોમાં નવા નિયમોને પડકારતી અરજી કરવામાં આવી છે. ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા આ તમામ અરજીને સુપ્રીમ કોર્ટમાં ટ્રાન્સફર કરવાની માંગણી મૂકવામાં આવી છે. ઉલ્લેખનીય બાબત છે કે, નિયમને પડકારતી અરજીઓ દિલ્હી અને મદ્રાસ હાઈકોર્ટ સહિત અનેક કોર્ટમાં પેન્ડિંગ છે.

નવા આઈ.ટી.નિયમો મુજબ સોશિયલ મીડિયા અને સ્ટ્રીમિંગ કંપનીઓએ વિવાદિત કન્ટેન્ટને તેમના પ્લેટફોર્મ પરથી તાત્કાલિક ધોરણે દૂર કરવું પડશે. સાથોસાથ એક અધિકારીની નિમણૂક કરી મામલાની તપાસમાં સહયોગ પણ આપવો પડશે. સરકારનો ઉદેશ્ય ફેસબુક, ટ્વીટર જેવી સોશિયલ મીડિયા કંપનીઓ સાથે ઓટીટીને પણ રેગ્યુલેટ કરવાનો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.