યુરોકપ: સેમિફાઇનલમાં ડેનમાર્કને પછાડી ઇંગ્લેન્ડની ૬૫ વર્ષ પછી ફાઇનલમાં ધમાકેદાર એન્ટ્રી!!!

ડેનમાર્ક સામેની સહેલી સફર ઈંગેલન્ડ ઇટલીને હરાવી ચેમ્પિયનશીપ મેળવશે?

ઇટલીના મજબૂત ડિફેન્સને ભેદી ઇંગ્લેન્ડ વિશ્વ વિજેતાનો ખિતાબ જીતી શકશે?: રવિવારે ફાઇનલ મુકાબલો

ફૂટબોલ ચેમ્પિયન બનવાનું ઈંગેલન્ડનું ફરીવાર સત્ય થતું દેખાઈ રહ્યું છે. ૬૫ વર્ષની લાંબી રાહ બાદ ઇંગ્લેન્ડ યુરોકપના ફાઇનલ મેચમાં પ્રવેશ મેળવી ચૂક્યું છે. ઇંગ્લેન્ડે યુરોકપના બીજા સેમિફાઇનલમાં ડેનમાર્કને ૨-૧થી હરાવી ફાઇનલ મેચમાં ધમાકેદાર એન્ટ્રી કરી છે. વર્ષ ૧૯૬૬માં પ્રથમ વાર અને અંતિમ વાર ઇંગ્લેન્ડ ફાઇનલ મેચમાં પહોંચી હતી જે બાદ ૬૫ વર્ષ પછી ઇંગ્લેન્ડની ટીમ ફરિવાર ફાઇનલ મેચમાં પહોંચી શકી છે. સેમિફાઇનલ મેચમાં ઇંગ્લેન્ડની જીતનો હીરો હેરી કેન રહ્યો હતો. જેણે બંને ગોલમા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. હવે ફાઈનલ મેચમાં ઇંગ્લેન્ડનો મુકાબલો ઇટલી સામે થનાર છે.

લંડનના વેમ્બલી સ્ટેડિયમ ખાતે રમાઇ રહેલા બીજા સેમિફાઇનલ મેચમાં ઇંગ્લેન્ડની ટીમે ડેનમાર્કની પછાડી ફાઇનલ મેચમાં ધમાકેદાર એન્ટ્રી કરી છે. ફાઈનલમાં પ્રવેશ મેળવતાની સાથે જ ઇંગલિશ ટીમના લાખો ચાહકોમાં ખુશીની લાગણી છવાઈ ગઈ હતી જ્યાં બીજી બાજુ ડેનમાર્કની ટીમનું સ્વપ્ન રોળાઈ ગયું હતું.

ટુનામેન્ટ દરમિયાન ચમત્કારી રમતનું પ્રદર્શન કરીને ડેનમાર્કની ટીમે લાખો ચાહકોના દિલ જીતી લીધું હતું. સેમિફાઈનલ મેચમાં પણ ડેનમાર્કની ટીમે એક સારી શરૂઆત મેળવી હતી. પ્રથમ હાફમાં જ ડેનમાર્કની ટીમે બઢત પણ હાંસલ કરી લીધી હતી.

ડેનમાર્કની ટીમને ટક્કર આપવા ઇંગ્લેન્ડે સતત પ્રયત્નો શરૂ રાખ્યા હતા અને ૩૯મી મિનિટમાં ઇંગ્લેન્ડની ટીમે બરાબરી પણ કરી લીધી હતી. ઇંગલિશ કપ્તાન હેરી કેનની સૂઝબૂઝને કારણે પ્રથમ હાફમાં ડેનમાર્કની બરાબરી કરી ૧-૧ નો સ્કોર હાંસલ કર્યો હતો.

સેકન્ડ હાફમાં ઇંગ્લેન્ડની ટીમ દ્વારા સતત એટેક શરૂ રાખવામાં આવ્યો હતો. જોકે  ડેનમાર્ક પણ જવાબમાં હુમલા કરી રહી હતી. ડેનમાર્કે ઇંગ્લેન્ડને સેકન્ડ હાફમાં એક પણ ગોલ કરવા દીધો ન હતો. નિર્ધારિત ૯૦ મિનિટના સમયમાં બંનેમાંથી એક પણ ટીમ જીતી શકી ન હતી. ત્યારે મેચમાં વધારાનો સમય ફાળવવામાં આવ્યો હતો. વધારાના સમયના પ્રથમ હાથમાં જ ઇંગ્લેન્ડે બઢત મેળવી હતી.

હવે રવિવારના રોજ ઈંગેલન્ડની ટીમ વિશ્વ વિજેતા બનવા ઇટલી સામે ટકરાશે. બંને ટીમોની જો વાત કરવામાં આવે તો ઇટલીનું ડિફેન્સ મજબૂત છે જ્યારે ઇંગ્લેન્ડનું એટેક અને ડિફેન્સ બંને મજબૂત હોવાનું સતત દેખાતું આવ્યું છે ત્યારે ફાઇનલ મેચમાં ઇંગ્લેન્ડની જિતની શકયતા પ્રબળ બની છે.