Abtak Media Google News

ઘાસચારો હોવા છતાં તંત્રની અણઆવડતને કારણે ઘાસ વિતરણ ખોરંભે

રાજય સરકાર દ્વારા હળવદ તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરાયો છે ત્યારે પશુપાલકોને રાહતદરે ઘાસચારાનું વિતરણ કરવામાં આવશે તેવી જાહેરાતો કરાઈ હતી પરંતુ અનેક માલધારીઓના માલઢોર હાલ ભુખ્યા ભાંભરડા મારી રહ્યા છે તેમ છતાં પણ જવાબદાર તંત્ર દ્વારા હજુ માત્ર ફોર્મ જ ભરી રહ્યા છે. તો સાથે જ હાલ શહેર અને ગ્રામ્યના પશુ પાલકો મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીને એકબીજાને ખો આપી કામગીરીને ખોરંભે ચડાવતા હોવાનું પંથકના પશુપાલકો જણાવી રહ્યા છે. તો અહીં સવાલ એ છે કે, શું પશુઓ મૃત્યુ પામશે ત્યારબાદ ઘાસચારાનું વિતરણ કરાશે કે શું ?

હળવદ પંથકમાં અપૂરતા વરસાદના કારણે અનેક પશુપાલકો ઘાસચારાની તંગીને લઈ વાંઢે ચાલી ગયા છે. ત્યારે હળવદમાં રાજય સરકાર દ્વારા પશુઓને રાહતદરે આપવા માટે ઘાસના ગાડા પણ મોકલી આપ્યા છે પરંતુ વહીવટી તંત્રની અણ આવડતને કારણે સતા ઘાંસે પશુઓ ભુખ્યા ભાભંરડા નાખી રહ્યા છે. તો શું તંત્રમાં પણ આ માલઢોરની દયા ભાવના મરી પામી હોય તેમ લાગી રહ્યું છે. જયારે બીજી તરફ પશુ પાલકોને ઘાસકાર્ડ કઢાવવા માટે હજુ માત્ર ફોર્મ જ ભરવામાં આવી રહ્યા છે. કયારે ઘાસ કાર્ડ અપાશે અને કયારે રાહતદરે ઘાસચારાનું વિતરણ થશે એ તો માત્ર તંત્ર જ જાણે ! વધુમાં પશુપાલકોના જણાવ્યા મુજબ મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીની એકબીજાને કામ બાબતે ખો આપવાની નીતિના પગલે હાલ તો મુંગા પશુઓનો ખોડો ઉખડી રહ્યો હોય છે. જયારે બીજી તરફ સવાલ એ થાય છે કે, જીવદયાની મોટી મોટી સેખીયુ મારતા સંસ્થાના હોદેદારો પણ કયાંય પશુઓને રાહતદરે ઘાસચારો મળે તેવી રજુઆતમાં કયાંય ડોકાતાય ન હોવાનું પણ પશુપાલકો જણાવી રહ્યા છે. જયારે અહીં સવાલ એ થાય છે કે, શું આ નિંભર તંત્રના બહેરા કાને ભુખ્યા પશુઓના ભાભંરડા નહીં સંભળાતા હોય ! જેવા અનેક સવાલો અહીં હળવદ પંથકમાં ઉઠવા પામ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.