Abtak Media Google News

રોકડ અને સોનાનો હાર મળી  કુલ રૂ.1.12 લાખનો મુદામાલ કબ્જે

અબતક,દર્શન જોશી, જૂનાગઢ

વંથલીના સાતલપુર રોડ પર આવેલ એક વાડીમાં એકલા સૂતેલા વૃદ્ધના મકાનનો ત્રણ શખ્સોએ દરવાજો તોડી, છરી વડે હુમલો કરી રોકડ રૂ. 72 હજાર તથા સોનાનો હારની લૂંટ ચલાવી હતી. જે અંગે વંથલી પોલીસે ગુનો નોંધી આ શખ્સોને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતીી.

વંથલી પોલીસમાં લૂંટનો ગુનો નોંધાતા આઈજી  મનિન્દર પ્રતાપસિંહ પવાર, એસપી રવિ તેજા વાસમ શેટ્ટી, ડીવાયએસપી જે.બી. ગઢવી ના માર્ગદર્શન હેઠળ વંથલી પી.એસ.આઇ. એ.પી ડોડીયા સહિતના સ્ટાફે તપાસ હાથ ધરી હતી.

ત્યારે આ લૂંટને શનિસિંગ રાજેસિંગ ટાંક, અફજલ ઈબ્રાહિમ અમરેલીયા, એભો વાણવીએ અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું હતું. અને બાતમીના આધારે વંથલી પોલીસે આ લૂંટ પ્રકરણમાં ચાર શખ્સોને ઝડપી લીધા હતા.

પકડાયેલા આરોપી અફઝલની પોલીસ પૂછપરછ દરમિયાન તેમણે તથા એભો વાણવી, શનિસિંગ એ મળી, રાત્રિના દોઢ વાગ્યાની આસપાસ બાઈક લઈ વાડીએ પહોંચી, મકાનનો દરવાજો તોડ્યો હતો, શનિસિંગે મકાન માલિક ઉપર છરી વડે હુમલો કર્યો હતો, જ્યારે અફઝલ અને એભા એ રોકડ અને દાગીનાની લૂંટ ચલાવી હતી. પોલીસની આકરી પૂછપરછમાં વૃદ્ધ ની વાડીની બાજુમાં રહેતા મેહુલ કરસન એ કહ્યું હતું કે, વૃદ્ધના મકાનમાં સોનુ અને રૂપિયા પડ્યા છે જેથી આ લૂંટને અંજામ અપાયો હતો.

બાદમાં વંથલી પોલીસે ચારેય શખ્સોની વિધિવત અટક કરી, ઓઝત નદીના કાંઠે એક વાડીમાં રૂ. 1.12 લાખનો મુદ્દામાલ સંતાડ્યો હોય જે રિકવર કરવામાં આવ્યો હતો.

પોલીસમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર, અફજલ ઈબ્રાહિમ ઉર્ફે બની અમરેલીયા અને શનિસિંગ વિરુદ્ધ અગાઉ રાજકોટ, વંથલી, કેશોદ અને પાટણવાવમાં ગુના નોંધાયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.