Abtak Media Google News
રાજકોટ સોની બજાર બંધ: કલેકટર અને પોલીસ કમિશનરને આવેદન પત્ર અપાયું, જો ખોટી હેરાનગતી બંધ નહીં કરાય તો સોની બજાર અચોક્કસ મુદ્ત સુધી બંધ: સૌરાષ્ટ્રભરમાં રોજના કરોડોના નાણાકીય વ્યવહાર ઠપ્પ

ચુંટણીને લઇને રાજયભરમાં આચારસંહિતા લાગુ છે ત્યારે પોલીસ અને મિલીટરી ફોર્સનું સઘન ચેકીંગ શરૂ છે. ચૂંટણીએ જાણે ચટણી કરી હોય તેમ આચારસંહિતાના બહાને લોકોની કનડગતમાં અનેક ગણો વધારો થયો છે. મોટા વેપારીઓને આની માઠી અસર થઇ છે. કેમ કે સૌરાષ્ટ્રમાં રોકડ વ્યવહારથી મોટા ભાગના વહીવટો ચાલે છે ત્યારે આચારસંહિતાને લીધે હાલમાં ચેકીંગ ચાલુ હોય સોની વેપારી, માર્કેટીંગ યાર્ડના વેપારી તેમજ આંગડીયા પેઢીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.

ચુંટણીના સંદર્ભમાં પોલીસ અને સ્પેશ્યલ સ્ટેસ્ટીક સ્કવોડ દ્વારા નાણાંની હેરફેર સામે બાજનજર રાખવામાં આવી રહી છે, પરંતુ બીજી તરફ ચેકિંગના બહાને સોનીબજારના વેપારીઓને બિનજરુરી રીતે ચેકીંગ દરમિયાન હેરાન કરાતા હોવાનો વિરોધ ઉઠવાની સાથે અચોકકસ મુદત સુધી સોનીબજાર બંધ રાખવાનું એલાન કરાયું છે.

આ અંગે સોનીબજાર વેપારીના સંગઠન ગોલ્ડ ડિલર્સ એસોસીએશનના પ્રમુખ ભાયાભાઇએ એવું જણાવ્યું હતું કે, ‘આજે બુધવારે સવારે 11 વાગ્યે  અમે સૌ આશાપુરા મંદિર પાસે એકત્ર થઇ ત્યાંથી પોલીસ કમિશ્નર અને જિલ્લા કલેકટરને આવેદન પાઠવવા જવાના છીએ’

સોની બજારમાાં અંદાજે પાંચેક હજાર જેટલા સોની વેપારીઓ અને બજારમાં અલગ અલગ પ્રકારના કામ સાથે લગભગ દોઢેક લાખ કારીગરો જોડાયેલા છે, જો 1 દિવસ પણ સોનીબજાર બંધ રહે તો કરોડો રૂપિયાનું નુકશાન જાય તેમ છે. અને રોજેરોજ કામ કરતાં કારીગરોની રોજીરોટી ઉપર પણ અસર થાય તેમ છે.

આજે રાજકોટ જિલ્લા કલેકટર  અને પોલીસ કમિશ્નરને ગોલ્ડ ડિલર્સ એસોસીએશનના નેજા હેઠળ આવેદન પત્ર પાઠવી ચેકીંગ દરમિયાન બીનજરુરી રીતે પરેશાન કરાશે નહીં તેવી ખાતરી આપવાની માંગણી કરાશે.

આ ખાતરી મળ્યા બાદ જ વેપાર – ધંધા ચાલુ કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય રહેશે કે સામાન્ય દિવસોમાં પણ સોનીબજારના વેપારીઓ દ્વારા મોટા નાણાકીય વ્યવહાર થતાં હોય છે.

બીજી તરફે સોની બજારમાં જ પોલીસ અને સ્ટેસ્ટીક સ્કવોડ  દ્વારા નાકુ બનાવાયું છે, અહીં ચેકીંગ કરવાની કાર્યવાહી સામે વેપારીઓને કોઇ વાંધો નથી પરંતુ બિનજરુરી રીતે પરેશાન કરવામાં આવે ત્યારે વેપારીઓમાં ભયનું વાતાવરણ સર્જાય છે જેની સીધી અસર વ્યવસાય ઉપર પડે છે. આથી આવી બીનજરુરી કાર્યવાહી રોકવા માટે માંગણી કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.