રાજકોટમાં શુક્રવારે તિરંગા યાત્રા: મુખ્યમંત્રી કરાવશે પ્રસ્થાન

બહુમાળી ભવન ચોકથી રાષ્ટ્રીય શાળા સુધી નીકળશે તિરંગા યાત્રા, અંદાજે શહેર અને જિલ્લાના એક લાખથી પણ વધુ લોકો જોડાશે: પત્રકાર પરિષદમાં મેયર ડો. પ્રદિપ ડવ, કલેક્ટર અરૂણ મહેશ બાબુની જાહેરાત

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ’હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત રાજકોટમાં 12મી ઓગસ્ટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં વિશાળ તિરંગા યાત્રા યોજાશે. આશરે બે કિલોમીટર લાંબી આ યાત્રામાં એક લાખથી વધુ લોકો જોડાશે તેવો અંદાજ જિલ્લા વહીવટી તંત્રે વ્યક્ત કર્યો છે.

આ યાત્રા માટે જિલ્લા કલેકટરઅરુણ મહેશ બાબુના નેતૃત્વમાં વહીવટી દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. રાજકોટ શહેરમાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત વિશાળ તિરંગા યાત્રાના આયોજન માટે આજે જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુના અધ્યક્ષસ્થાને એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા વહીવટી તંત્રના તમામ વિભાગો, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના હોદ્દેદારો તથા અધિકારીઓ, ચેમ્બર ઓફ કોમર્સના હોદ્દેદારો, વિવિધ જીઆઈડીસીના એસોશિએશન્સ, સામાજિક, સેવાકીય અને ધાર્મિક સંગઠનો, વિવિધ યુનિવર્સિટી, શાળાઓ તેમજ કોલેજના પ્રતિનિધિઓ, કેન્દ્ર તેમજ રાજ્ય સરકારની વિવિધ કચેરીઓમાં પ્રતિનિધિ જોડાયા હતા.

આ મિટિંગમાં જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે, હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત સમગ્ર રાજ્યમાં ચાર મોટા શહેરોમાં વિશાળ તિરંગા યાત્રાનું આયોજન છે. જે પ્રમાણે, રાજકોટએ સૌરાષ્ટ્રનું પાટનગર હોવાથી 12મી ઓગસ્ટે વિશાળ તિરંગા યાત્રા યોજાશે. જેમાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહેશે. તેમની સાથે ગૃહરાજ્યમંત્રી  હર્ષ સંઘવી પણ જોડાશે.

સવારે 9 કલાકે બહુમાળી ભવન પાસે શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને આ યાત્રાની શરૂઆત થશે. જે રાષ્ટ્રીય શાળાએ વિરામ પામશે. આ યાત્રામાં જોડાનાર તમામ લોકો જમણા હાથમાં તિરંગો લઈને ચાલશે.  કલેકટરે કહ્યું કે, યાત્રા શરૂ થતાં પૂર્વે સવારે 8થી 9 દરમિયાન એક કલાક સાંસ્કૃતિક કાર્યક્રમો થશે. આ યાત્રામાં ચારથી પાંચ મ્યુઝીક બેન્ડ પણ જોડવાનું આયોજન છે. યાત્રામાં રાજકોટના સ્વાતંત્ર્ય સેનાનીઓના પરિવારજનો પણ જોડાશે.

કલેકટરે કહ્યું કે, તિરંગાની વ્યવસ્થા વહીવટી તંત્ર, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ સરકારી તંત્ર દ્વારા કરવામાં આવનાર છે. નાગરિકો ફ્લેગ કોડ મુજબનો તિરંગો જાતે પણ લાવીને ઉત્સાહ પૂર્ણ જોડાઈ શકે છે. આ કાર્યક્રમ આપણા સૌનો છે. આપણે બધાએ તેમાં જોડાવું જોઈએ અને એક કલાક દેશ માટે ફાળવવી જોઈએ. કલેકટરએ આ કાર્યક્રમમાં સૌને ખાસ જોડાવા અપીલ પણ કરી છે.કલેકટરએ કહ્યું હતું કે, માત્ર રાજકોટ જ નહિ, સમગ્ર સૌરાષ્ટ્રમાંથી તેમાં લોકો જોડાશે અને આ યાત્રા એક ઐતિહાસિક સંભારણું બની રહેશે.

આ મિટિંગમાં ઉપસ્થિત રાજકોટના મેયર ડો. પ્રદીપ ડવએ જણાવ્યું હતું કે, તિરંગા યાત્રા અંતર્ગત રાજકોટ શહેરમાં એક લાખથી વધુ તિરંગાનું વિતરણ કરવામાં આવ્યું છે અને હજુ પણ લોકોમાં માગ છે. તેમણે કહ્યું કે, આ કોઈ સામાન્ય યાત્રા નથી, પણ સમગ્ર વિશ્વને તિરંગાની તાકાત બતાવવાનો અવસર  આ મિટિંગમાં રાજકોટ મ્યુનિ.ના ડે. મેયર ડો. દર્શિતા શાહ, મ્યુનિ. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કર પટેલ , સ્પે. પોલીસ કમિશનર  ખુર્શીદ અહેમદ, નિવાસી અધિક કલેકટર  કેતન ઠક્કર, અધિક કલેકટર  એન. આર. ધાધલ, શહેર  ભાજપના અધ્યક્ષ કમલેશ મિરાણી, વહીવટી તંત્રના અધિકારીઓ વગેરે ઉપસ્થિત રહયા હતા.

  • શહેરમાં એક લાખથી વધુ તિરંગાનું વિતરણ, હાલ સ્ટોક ખલ્લાસ: મેયર

‘હર ઘર તિરંગા અભિયાન’ અંતર્ગત શહેરમાં 3 લાખ થી વધુ મિલકતો પર રાષ્ટ્રધ્વજ લહેરાય તેવું આયોજન કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યું છે. દરમિયાન ત્રણ દિવસથી તિરંગા વિતરણ શરૂ કરવામાં આવ્યુ છે. જે અંતર્ગત કુલ એક લાખથી વધુ તિરંગાનું વિતરણ કરી દેવામાં આવ્યું છે. હાલ સ્ટોક ખલ્લાસ થઇ ગયો હોય સુરતથી નવો સ્ટોક મંગાવવામાં આવ્યો છે. જે આવતાથી સાથે જ આવતીકાલથી તમામ વોર્ડ ઓફિસ ખાતેથી તિરંગાનું વિતરણ શરૂ કરી દેવામાં આવશે.