Abtak Media Google News

યુરોપિયન યુનિયને રશિયન ક્રુડ ઉપર પ્રતિબંધ મુક્યા બાદ હવે રશિયાએ ક્રુડના વેચાણ માટે માત્ર ભારત અને ચીન ઉપર જ નિર્ભર રહેવું પડશે

એક તરફ વિશ્વમાં ક્રૂડના ભાવ ફરી 120 ડોલરને આંબી ગયા છે. પણ આ ભડકે બળતા ક્રૂડને લઈને ભારતે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. કારણકે યુરોપિયન યુનિયને રશિયન ક્રુડ ઉપર પ્રતિબંધ મુક્યા બાદ હવે રશિયાએ ક્રુડના વેચાણ માટે માત્ર ભારત અને ચીન ઉપર જ નિર્ભર રહેવું પડશે. જેથી રશિયાની મજબૂરી છે કે તેને ભારતને સસ્તા ભાવે ક્રુડ આપવું જ પડશે.

યુરોપિયન યુનિયન રશિયન તેલની આયાત પર આંશિક પ્રતિબંધ લાદવા માટે સંમત થયા છે.  આવી સ્થિતિમાં ભારત અને ચીન પર રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની નિર્ભરતા વધી છે. ક્રૂડ ઓઈલ પર રશિયાના આંશિક પ્રતિબંધોના પરિણામે રશિયાને વાર્ષિક 10 બિલિયન ડોલર સુધીનું નુકસાન થઈ શકે છે. આવી સ્થિતિમાં રશિયન ઓઇલ બ્રાન્ડ યુરલ ક્રૂડને નવા ખરીદદારોની જરૂર પડશે. રશિયામાં રશિયન તેલના ખરીદદારોની સંખ્યા મર્યાદિત છે. તેનું કારણ એ છે કે શ્રીલંકા અને ઇન્ડોનેશિયા જેવા દેશોમાં યુરલ તેલને મોટા પ્રમાણમાં સરળતાથી શુદ્ધ કરી શકાતું નથી.  આ દેશો પાસે ઓઈલ પ્રોસેસિંગની આધુનિક ટેકનોલોજી નથી.

આ જ કારણ છે કે રશિયાને હવે ચીન અને ભારત પર વધુ નિર્ભર રહેવું પડી શકે છે કારણ કે આ દેશોમાં યુરલ ઓઇલ પ્રોસેસિંગ માટે આધુનિક રિફાઇનરીઓ છે. વેપારીઓનું કહેવું છે કે ચીનનું શાંઘાઈ શહેર હવે લાંબા સમયથી ચાલી રહેલા લોકડાઉનમાંથી બહાર આવી રહ્યું છે.  આ કારણે ચીનની જાહેર અને ખાનગી રિફાઈનરીઓ રશિયા પાસેથી વધુ તેલ ખરીદી શકે છે. જોકે, યુક્રેન પર હુમલા બાદ ચીન અને ભારત પહેલેથી જ રશિયા પાસેથી રેકોર્ડ માત્રામાં તેલ ખરીદી રહ્યા છે.  આવી સ્થિતિમાં તેલ ખરીદીને લઈને બંને દેશોની પોતાની મર્યાદાઓ પણ છે.

યુરોપિયન યુનિયનના નેતાઓ રશિયા પર તેના તેલની આયાત પર નવા પ્રતિબંધો હેઠળ પ્રતિબંધો લાદવા માટે સંમત થયા છે. આ પ્રતિબંધ હેઠળ સમુદ્ર દ્વારા આવતા રશિયન તેલ પર પ્રતિબંધ મૂકવામાં આવશે.  જોકે, પાઈપલાઈન દ્વારા તેલની આયાત પર કામચલાઉ છૂટ આપવામાં આવી છે. યુરોપિયન યુનિયન કાઉન્સિલના પ્રમુખ ચાલ્ર્સ માઈકલે જણાવ્યું હતું કે રશિયામાંથી બે તૃતીયાંશ કરતાં વધુ તેલની આયાત પર પ્રતિબંધ મૂકવામાં આવશે. યુરોપિયનની એક્ઝિક્યુટિવ બ્રાન્ચના વડા, અર્સલા વોન ડેર લેયેન કહે છે કે આ વર્ષના અંત સુધીમાં, રશિયાથી યુરોપિયન યુનિયનમાં લગભગ 90 ટકા તેલની આયાત પર પ્રતિબંધ મૂકવામાં આવશે.

વૈશ્વિક બજારમાં ક્રૂડના ભાવ આસમાને: 120 ડોલરની સપાટી વટાવી

યુરોપના દેશો દ્વારા રશિયા પાસેથી થતી ક્રૂડ તેલની આયાત પર પ્રતિબંધ મૂકશે એવા નિર્દેશો વહેતા થતાં વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ સળગ્યા છે. યુરોપ દ્વારા આ વર્ષના અંત સુધીમાં આવી આયાત પર 90 ટકા સુધીનો કાપ મુકાશે એવા નિર્દેશો વહેતા થયા હતા. ઓેપેકના ક્રૂડ ઉત્પાદક દેશોની  બીજી જૂને    મળનારી મિટિંગ પર હવે બજારની નજર રહી છે. આ દરમિયાન, વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ બેરલદીઠ  ન્યુયોર્ક  ક્રૂડના  ઉંચામાં 119.43  થઈ 118.59  ડોલર તથા બ્રેન્ટ ક્રૂડના ઉંચામાં  124.10 થઈ  123.65 ડોલર રહ્યા હતા.

ભારતે રશિયા પાસેથી સસ્તા ભાવે કેટલું ક્રુડ ખરીદ્યું

માર્ચ        3 મિલિયન બેરલ

એપ્રિલ     7.2 મિલિયન બેરલ

મે          24 મિલિયન બેરલ

 ચાલુ મહિના જૂનમાં પણ 28 મિલિયન બેરલ ક્રુડ ખરીદવાની સંભાવના

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.