Abtak Media Google News

ભારતીય મોબાઈલ બજારમાં પોતાની પકડ મજબુત બનાવવા સેમસંગ દ્વારા વિશ્વના સૌથી મોટા મેન્યુફેકચરીંગ પ્લાન્ટનો નોઈડામાં પ્રારંભ: ‘મેક ઈન ઈન્ડિયા પ્રોજેકટ’ને સાકાર કરવા તરફ પીએમ મોદીની સૌથી મોટી સિદ્ધિ

મોબાઈલ ઉત્પાદકો માટે ભારત મેન્યુફેકચરીંગ હબ બનશે. જેમાં મહત્વનો ફાળો સેમસંગ કંપનીનો રહેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારના રોજ નોઈડા ખાતે સેમસંગ કંપનીના એક મેન્યુફેકચરીંગ યુનિટનું ઉદ્ઘાટન કર્યું હતું. આ યુનીટની ખાસીયત એ છે કે તે વિશ્વનો સૌથી મોટો સેમસંગ પ્લાન છે. તેની ઉત્પાદન ક્ષમતા ૧૨૦ મીલીયન પ્રતિ વર્ષ રહેશે એટલે કે દર વર્ષે ૧૨૦ મીલીયન ફોનનું ઉત્પાદન થશે.

આ તકે પીએમ મોદીની સાથે દક્ષિણ કોરીયાના રાષ્ટ્રધ્યક્ષ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. નોઈડાના સેકટર-૮૧માં સ્થિત આ યુનિટ રૂપિયા ૫૦૦૦ કરોડના રોકાણથી તૈયાર થયું છે અને આગામી થોડા વર્ષોમાં ડબલ ૧૦,૦૦૦ કરોડનું રોકાણ કરશે તેવી ધારણા છે. સેમસંગના આ પ્લાન્ટથી ભારતમાં પાંચ લાખથી વધુ રોજગારની તકો ઉભી થશે.

મેક ઈન ઈન્ડિયા પ્રોજેકટને સાકાર કરવા તરફ પીએમ મોદીની આ સૌથી મોટી સિદ્ધિ ગણી શકાય. વર્ષ ૨૦૧૪માં જયારે મેક ઈન ઈન્ડિયાની શરૂઆત થઈ હતી ત્યારે ભારતમાં મોબાઈલ કંપનીઓનું બજાર લગભગ ૧૯૦૦૦ કરોડ રૂપિયાનું હતુ પરંતુ આ પહેલ બાદ માત્ર બે વર્ષના સમયગાળામાં ૩૭૩ ટકાનો રેકોર્ડ વધારો થયો છે. વર્ષ ૨૦૧૬-૧૭માં આ બજાર ૯૦,૦૦૦ કરોડ સુધી પહોંચી ગયું હતું.

મેક ઈન ઈન્ડિયાની શરૂઆત બાદ લગભગ ૪૦ મોબાઈલ કંપનીઓએ પોતાનો પ્લાન્ટ ભારતમાં સ્થાપ્યો છે અને તેમાં સતત વધારો પણ થઈ રહ્યો છે ત્યારે હવે, સેમસંગે પણ ભારતમાં મોબાઈલનું ઉત્પાદન કરવાનું શરૂ કર્યું છે અને વિશ્વનો સૌથી મોટો ઉત્પાદન પ્લાન્ટ ભારતમાં યુપીના નોઈડા ગામે સ્થાપ્યો છે. સેમસંગના આ પ્લાન્ટથી ભારત મેન્યુફેકચરીંગ હબ બની જશે.

જણાવી દઈએ કે, ચીન-અમેરિકા જેવા દેશોને છોડી પોતાનો સૌની મોટો પ્લાન્ટ સેમસંગે ભારતમાં સ્થાપ્યો છે તેનું એક માત્ર કારણ ભારતીય બજારમાં પોતાની પકડ મજબુત બનાવવાનું ગણી શકાય. સેમસંગ કંપની પોતાનો વ્યાપ વિસ્તાર વધારી ભારતમાં અન્ય મોબાઈલ કંપનીઓને હરોળમાં લાવશે. નોઈડા ખાતેના આ સેમસંગ યુનીટમાં દર વર્ષે ૧૨ કરોડ મોબાઈલ ફોન બનશે. જેથી આગામી સમયનું મોબાઈલ મેન્યુફેકચરીંગનું હબ ભારત બનશે તેમાં કોઈ શંકા નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.