Abtak Media Google News

ગાંધી શાંતિ પુરસ્કાર માટે મરહુમ સુલતાન કાબુસ, બંગાબંધુની કરાઈ હતી પસંદગી

ભારત સરકાર દ્વારા વાર્ષિક ગાંધી પીસ પ્રાઇઝ (ગાંધી શાંતિ પુરસ્કાર) વર્ષ 2020 માટે બંગબંધુ શેખ મુજીબુર રહમાનને એનાયત કરવામાં આવ્યો છે. આ પુરસ્કાર દર વર્ષે ભારત સરકાર આપે છે, જેની શરૂઆત મહાત્મા ગાંધીની 125મી જન્મજયંતિની ઉજવણી કરવા વર્ષ 1995થી થઈ છે. આ પુરસ્કાર કોઈ પણ દેશ, જાતિ, ભાષા, જ્ઞાતિ, પંથ કે લિંગભેદને ધ્યાનમાં લીધા વિના તમામ વ્યક્તિઓને એનાયત કરવામાં આવે છે.

ગાંધી શાંતિ પુરસ્કારના નિર્ણાયક મંડળના અધ્યક્ષ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે અને હોદ્દાની રૂએ ભારતના મુખ્ય ન્યાયાધીશ અને લોકસભામાં વિપક્ષના નેતા એમ બે સભ્યો સામેલ છે. આ મંડળમાં અન્ય બે પ્રસિદ્ધ મહાનુભાવો પણ સામેલ હોય છે, જેમાં લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા અને સુલભ ઇન્ટરનેશનલ સોશિયલ સર્વિસ ઓર્ગેનાઇઝેશનના સ્થાપક બિંદેશ્વર પાઠક સામેલ છે.આ સંદર્ભે તાજેતરમાં નિર્ણાયક મંડળની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં વિસ્તૃત ચર્ચા વિચારણા કરીને સર્વસંમતિથી વર્ષ 2020 માટે ગાંધી શાંતિ પુરસ્કાર બંગબંધુ શેખ મુજીબુર રહમાનને એનાયત કરવાનો નિર્ણય લેવાયો હતો. આ માટે રહમાનના અહિંસા અને અન્ય ગાંધીવાદી પદ્ધતિઓ દ્વારા સામાજિક, આર્થિક અને રાજકીય ક્ષેત્રમાં પરિવર્તન લાવવા માટે ઉત્કૃષ્ટ પ્રદાનને ધ્યાનમાં લેવામાં આવ્યું હતું.એવોર્ડ વિજેતાને રૂ.1 કરોડની રકમ, એક તકતી અને વિશિષ્ટ પરંપરાગત હસ્તકળા/હાથવણાટની ચીજવસ્તુની ભેટ આપવામાં આવે છે. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું છે કે, બંગબંધુ માનવાધિકારો અને સ્વતંત્રતાના હિમાયતી હતા તથા ભારતીયોના પણ નાયક છે. તેમણે એવું પણ કહ્યું હતું કે, બંગબંધુનો વારસો અને પ્રેરણા બંને દેશોના વારસાને વધારે વિસ્તૃત અને ગાઢ બનાવે છે તથા બંગબંધુએ પ્રશસ્ત કરેલા માર્ગે ગયા દાયકામાં બંને દેશોના જોડાણ, તેમની પ્રગતિ અને સમૃદ્ધિ માટે મજબૂત પાયો નાંખ્યો છે.બાંગ્લાદેશ મુજીબ બોરશોની ઉજવણી કરી રહ્યું હોવાથી ભારતને બાંગ્લાદેશની સરકાર અને એના લોકો સાથે સંયુક્તપણે તેમના વારસાની ઉજવણી કરવાનું ગૌરવ છે. ગાંધી શાંતિ પુરસ્કાર બાંગ્લાદેશની સ્વતંત્રતાને પ્રેરણા આપવા, આંતરિક સંઘર્ષમાંથી જન્મેલા એક દેશને સ્થિરતા આપવા, ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના સંબંધોને ગાઢ બનાવવા અને એમાં ભાઇચારો લાવવા માટે પાયો નાંખવા તથા ભારતીય ઉપમહાખંડમાં શાંતિ અને અહિંસાને પ્રોત્સાહન આપવા માટે પ્રચૂર અને વિશિષ્ટ પ્રદાનને બિરદાવે છે.

પુરસ્કારના અગાઉના વિજેતાઓ

આ પુરસ્કારના અગાઉના વિજેતાઓમાં ડો. જુલિયસ ન્યેરેરે, તાન્ઝાનિયાના પૂર્વ રાષ્ટ્રપતિ, ડો. ગેરહાર્ડ ફિશર, સંઘ પ્રજાસત્તાક જર્મની, રામકૃષ્ણ મિશન, બાબા આમ્ટે (મુરલીધર દેવીદાસ આમ્ટે), સ્વ. ડો. નેલ્સન મંડેલા, દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ, બાંગ્લાદેશની ગ્રામીણ બેંક, આર્કબિશપ ડસમન્ડ ટુટુ, દક્ષિણ આફ્રિકા, ચંડીપ્રસાદ ભટ્ટ અને ભારતીય અંતરિક્ષ સંશોધન સંસ્થા. છેલ્લાં થોડાં વર્ષોમાં એવોર્ડ વિવેકાનંદ કેન્દ્ર, ભારત (વર્ષ 2015), અક્ષયપાત્ર ફાઉન્ડેશન, ભારત અને સુલભ ઇન્ટરનેશનલ (સંયુક્તપણે વર્ષ 2016 માટે), એકલ અભિયાન ટ્રસ્ટ ઇન્ડિયા (વર્ષ 2017) અને યોહેઈ સાસાકાવા, જાપાન (વર્ષ 2018) સામેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.