Abtak Media Google News
  • રાજ્યના 24 તાલુકાઓમાં વરસાદ: 15 જળાશયોમાં નવા નીરની આવક
  • સૌરાષ્ટ્રમાં મેઘવિરામ:સપ્ટેમ્બરના બીજા સપ્તાહથી રાજયમાં ફરી મેઘાના મુકામની સંભાવના

રાજ્યમાં ભાદરવા માસમાં પણ મેઘરાજાની મહેર જોવા મળી રહી છે, જો કે હાલ સાર્વત્રિક વરસાદ આવે તેવી કોઇ જ સિસ્ટમ સક્રિય નથી. છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. ભાદરવા માસમાં આકરી તડકી પડતી હોય છે. પરંતુ છેલ્લા ત્રણેક દિવસથી વાદળર્છાંયા વાતાવરણ વચ્ચે પરસેવે રેબઝેબ કરી દેતો અસહ્ય ઉકળાટનો અહેસાસ લોકો કરી રહ્યા છે. બફારાથી જળ જીવન રિતસર અકળાટ ઉઠ્યું છે.

આજે સવારથી પણ વાદળર્છાંયુ વાતાવરણ છવાયેલુ છે. આજે સવારે પૂરા થતા છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 24 તાલુકાઓમાં હળવા ઝાપટાથી લઇ એક ઇંચ સુધી વરસાદ પડ્યો હતો. જ્યારે 15 ડેમમાં નવા નીરની આવક થવા પામી છે. ગુજરાતમાં આ વર્ષે ચોમાસાની સિઝનમાં મેઘરાજાએ સવાયુ હેત વરસાવ્યું છે. રાજ્યમાં આજ સુધીમાં સિઝનનો 102.17 ટકા વરસાદ વરસી ગયો છે. કચ્છ રિજીયનમાં સૌથી વધુ 157.20 ટકા, ઉત્તર ગુજરાતમાં 110.70 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 83.81 ટકા, સૌરાષ્ટ્રમાં 90.25 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 110.87 ટકા વરસાદ પડ્યો છે.

છેલ્લા ત્રણેક દિવસથી અસહ્ય ઉકળાટનો અનુભવ થઇ રહ્યો છે. એક મીનીટ પણ પંખો કે એસી સહિતના ઠંડક આપતા ઉપકરણો બંધ રહે તો લોકો પરસેવે રેબઝેબ થઇ જાય છે. સપ્ટેમ્બર માસના બીજા પખવાડીયામાં ગુજરાતમાં ફરી મેઘરાજાના મંડાણ થાય તેવી સુખદ સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

રાજ્યમાં આજે સવારે પૂરા થતા છેલ્લા 24 કલાક દરમિયાન 24 તાલુકાઓમાં હળવા ઝાપટાથી લઇ એક ઇંચ સુધી વરસાદ પડ્યો છે. વલસાડના કપરાડામાં સૌથી વધુ 27મીમી વરસાદ પડ્યો છે. જ્યારે વડોદરાના સિનોરમાં 21 મીમી, સુધીરમાં 14 મીમી, સાગબારામાં 12 મીમી, ગરબાડામાં 12 મીમી, વરસાદ પડ્યો હતો. સૌરાષ્ટ્રમાં રવિવારે મેઘવિરામ જેવો માહોલ જોવા મળ્યો હતો.

આજે સવારથી રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં વાદળર્છાંયુ વાતાવરણ છવાયેલું છે. મેઘવિરામ હોવા છતા છલકાતા નદી-નાળાના કારણે 15 ડેમમાં પાણી આવક થવા પામી છે.

ભાદર ડેમમાં 0.07 ફૂટ, વેણુ-2 ડેમમાં 0.36 ફૂટ, આજી-1 ડેમમાં 0.20 ફૂટ, આજી-2 ડેમમાં 0.16 ફૂટ, મચ્છુ-1 ડેમમાં 0.07 ફૂટ, મચ્છુ-2 ડેમમાં 0.16 ફૂટ, ડેમી-1 ડેમમાં 0.07 ફૂટ, મચ્છુ-3 ડેમમાં 0.39 ફૂટ, સસોઇ ડેમમાં 0.10 ફૂટ, ઉંડ-1 ડેમમાં 0.07 ફૂટ, ઉંડ-2 ડેમમાં 0.10 ફૂટ અને ફૂલઝર (કોબા)માં 0.23 ફૂટ પાણીની આવક થવા પામી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.