Abtak Media Google News

આગામી લોકસભા ચૂંટણી પૂર્વે સર્વપક્ષીય બેઠકમાં ચૂંટણીપંચ દ્વારા રાજકીય પક્ષોને પુછાશે પ્રશ્ન

આગામી લોકસભા ચુંટણીના પડઘમ વાગી ચુકયા છે ત્યારે ચુંટણીપંચ દ્વારા મતદાનના ૪૮ કલાક પૂર્વે ઈલેકટ્રોનિકસ મિડીયામાં જાહેરાતો પર મુકેલા પ્રતિબંધને પ્રિન્ટ મિડીયામાં પણ અમલી બનાવવા તખ્તો ઘડી કાઢયો છે અને લોકસભા ચુંટણી પૂર્વે સર્વપક્ષીય બેઠક બોલાવી ચુંટણીપંચ રાજકીય પક્ષો પાસેથી જવાબ મેળવવામાં આવશે.

પ્રાપ્ત વિગતો મુજબ વર્ષ ૨૦૧૬માં ચુંટણીપંચ દ્વારા સરકારને ચુંટણી કાયદામાં સુધારો કરવા દરખાસ્ત કરવામાં આવી હતી. જે અન્વયે ચુંટણીના ૪૮ કલાક અગાઉ ઈલેકટ્રોનિકસ મિડીયામાં રાજકીય જાહેર ખબરો ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો હોય આજ રીતનો પ્રતિબંધ પ્રિન્ટ મિડીયા એટલે કે ન્યુઝ પેપરોમાં પણ મુકવો જોઈએ કે કેમ ? તે અંગે સર્વપક્ષીય બેઠકમાં ચુંટણીપંચ દ્વારા પ્રશ્ન પુછવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે.

લોકપ્રતિનિધિત્વ ધારાની કલમ હેઠળ ૧૨૬(૧)(બી)ની જોગવાઈ મુજબ પ્રિન્ટ મિડીયા અને સોશિયલ મિડીયામાં પણ ચુંટણી પ્રચારને પ્રોત્સાહન તેમજ પૂર્વ ગ્રહને લઈ ચુંટણીપંચ દ્વારા ગંભીરતાપૂર્વક વિચારણા હાથ ધરવામાં આવી છે. આગામી લોકસભા ચુંટણી પૂર્વે ચુંટણીપંચ દ્વારા એક સર્વપક્ષીય બેઠક બોલાવી રાજકીય જાહેર ખબરો મામલે નિર્ણય લેવા માટે રાજકીય પક્ષોનો જવાબ લેવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, ઓકટોબર-નવેમ્બર ૨૦૧૫માં બિહાર વિધાનસભાની સામાન્ય ચુંટણી દરમિયાન પણ ચુંટણીપંચ દ્વારા બંધારણીય સતાનો ઉપયોગ કરી આ પ્રકારની જાહેરાતો પર પ્રતિબંધ મુકયો હતો અને આગામી ચુંટણીમાં પણ આ નિયમની અમલવારી કરવા માટે ચુંટણીપંચ દ્વારા સરકારનું માર્ગદર્શન માંગવામાં આવ્યું હતું.

વધુમાં ચુંટણીના ૪૮ કલાક અગાઉ વર્તમાનપત્રોમાં જાહેર ખબરો પર પ્રતિબંધ લઈ ચુંટણીપંચ દ્વારા દેશના ૫૧ રજીસ્ટર થયેલા રાજકીય પક્ષોને આમંત્રણ આપવામાં આવ્યું છે અને ચુંટણીખર્ચ નિયમન વિષય પર યોજાનારી બેઠકમાં આ અંગે નિર્ણય લેવામાં આવનાર હોવાનું સુત્રોમાંથી જાણવા મળ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.