Abtak Media Google News

બ્રાહ્મણો યજ્ઞોપવિત બદલાવશે

માછીમારો દરિયાનું પૂજન-અર્ચન કરશે

ભાઈ અને બહેન વચ્ચેના પવિત્ર પ્રેમની અભિવ્યકિત કરવાનું પાવન પર્વ એટલે રક્ષાબંધન

આવતીકાલે રક્ષાબંધન છે દરેક બહેનો રક્ષા અર્થે પોતાના વીરાના કાંડે રાખડી બાંધી ભાઈ અને બહેન વચ્ચેના પવિત્ર પ્રેમની અભિવ્યકિત કરવાનાં પાવન પર્વ રક્ષાબંધનની ઉજવણી કરશે આ સાથે બ્રાહ્મણો યજ્ઞોપવિત બદલાવશે. ઉપરાંત દરીયાકાંઠે વસતા માછીમારો કાલે દરીયાનું પૂજન કરશે.

ભાઇના જીવનમાં બહેનની સ્નેહપૂર્ણ અને પ્રેરક શુભેચ્છાનું પ્રતીક રક્ષાબંધન પર્વ છે. મનુષ્ય જન્મે ત્યારથી તેને કોઇને કોઇ પ્રકારનો ભય તો રહેતો જ હોય છે, અને જ્યાં ભય હોય ત્યાં રક્ષા સ્વયંભૂ પ્રગટ થતી હોય છે. રક્ષાની ભાવના પ્રબળ અને તીવ્ર હોય છે. આ રક્ષણ એટલે અંતરની આશિષનું રક્ષણ, હેતભરી શુભ ભાવનાનું રક્ષણ, અદ્રશ્ય પરમાત્મા અને દેવ-દેવીઓને ગદગદ ભાવે કરેલી પ્રાર્થનાનું રક્ષણ.

આવું રક્ષણ અભિમન્યુને કુંતીએ તેને રણમોરચે જતાં પહેલાં રાખડી બાંધી હતી. એવું રક્ષણ પ્રિયજનને આપવા માતાઓ, પત્નીઓ, ભગિનીઓએ રાખડી બાંધ્યાના પ્રસંગો પુરાણોમાં અનેક ઉપલબ્ધ છે.

હિંદુ સમાજમાં શ્રાવણી પૂર્ણિમાના દિવસે બધી જ બહેનો પોતાના ભાઇના કાંડે રાખડી બાંધી તેની સર્વ પ્રકારની રક્ષા ઇચ્છે છે. શું રાખડી બાંધીને કોઇની રક્ષા ખરેખર થઈ શકે? મહત્વ રક્ષાબંધનનું નથી, મહત્વ છે અંતરના જે અમી ઘૂંટીને રાખડી બાંધતી વખતે આશીર્વાદ આપે તેનું છે.

શુધ્ધ ભાવે, ખરા અંત:કરણપૂર્વક કોઇના શ્રેય માટે કરાયેલી ઇચ્છા નિષ્ફળ જતી નથી. ઇચ્છા-સંકલ્પ એક અમોઘ શક્તિ છે, ઘણું ઘણું કરવા સમર્થ એવી શક્તિ છે. દૃઢ સંકલ્પથી જ માનવી પોતાની જાતને ઇચ્છાનુસાર ઘડી શકે છે. સંકલ્પમાં અનેરું અને અનોખું સામર્થ્ય છે. સંકલ્પ એ ચમત્કારનો જન્મદાતા છે, સિદ્ધિ અને પ્રગતિનો પ્રેરક છે. સંકલ્પ વડે ગમે તેવા અશક્ય કાર્યો પણ સિદ્ધ થાય છે.

દરેકે દૃઢ સંકલ્પ-શક્તિના સહારે કઠોર તપશ્ચર્યા કરીને પરમ કૃપાળુ પરમાત્માનો સાક્ષાત્કાર કર્યો છે. એવી અવિચળ શ્રદ્ધાના જોરે માટીના માનવીએ અનેરી, અનોખી અને અલૌકિક સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે. દૃઢ સંકલ્પ અને અંતરની આશિષોએ અશક્યને શક્ય બનાવ્યું છે. આ બધું કરનાર શક્તિ એટલે આત્માની શક્તિ.

પરંતુ આત્મા શુદ્ધ હોવો જોઇએ, નિર્મલ અને દોષરહિત હોવો જોઇએ, તો એવા અંતરાત્માથી ઉઠેલી આશિષ એળે (વ્યર્થ) જતી નથી. ભાઇના કાંડે રાખડી બાંધતી બહેન જો એવા આશિષ આપી શકે તો તેના ભાઇની રક્ષાની ખાતરી મળી જાય છે. માનવીના સંસારી જીવનની આ ભવ્ય ભાવનાની યાદ અપાવવા આ રક્ષાબંધનના તહેવારનું આયોજન કરવામાં આવ્યું છે. આ પવિત્ર તહેવારનું મહત્વ સ્નેહ, સદભાવ અને અન્યોન્ય શુભેચ્છા વધે તેનું છે.

આવો ભવ્ય ભાવનાનો તહેવાર માત્ર નિર્જીવ વ્યવહાર બની રહેવો ન જોઇએ. ભાઇને મન રાખડી બંધાવવી એટલે વ્યવહારની એક રસમ પૂરી કરવી, બહેનને શક્તિ અનુસાર કંઇક આપી છૂટવું, અને બહેને ભાઇ પાસેથી કંઇ મેળવવાનો હક્ક પૂરો કરવો. આપેલી અને લીધેલી ચીજો કે પૈસા એ ગૌણ વસ્તુ છે, એનું મહત્વ નથી, ભાઇ-બહેન વચ્ચે સ્નેહમાં અભિવૃદ્ધિ થાય એ વધુ મહત્વનું છે.

બહેનની આ ઉક્તિમાં મૂર્તિમંત ભાવ નીતરતો જોવા મળે છે. રક્ષાબંધનનો પર્વ ભાવસંવર્ધનનું કામ કરે છે. આ પરમ પવિત્ર પર્વ સ્વાર્પણ, શૌર્ય, સૌજન્ય, સાહસ અને ભાઇ-બહેનના નિર્મળ અને નિ:સ્વાર્થ પ્રેમનું પ્રતીક છે. આ પવિત્ર પર્વ ભારતીય સંસ્કૃતિનું અમૂલ્ય પ્રદાન છે. ભારતીય સંસ્કૃતિ એટલે વેદ અને વ્યાસ માન્ય સંસ્કૃતિ.

આપણે વ્રત-ઉત્સવો પાછળ રહેલા સાંસ્કૃતિક રહસ્યોને જાણવા, માણવા અને પીંછાણવા પ્રયત્ન કરવો જોઇએ.ઉત્સવ પ્રિયા ખલુ ભનુષ્યા- ઉત્સવોની અને પ્રતીકોની પાછળ ભાવનું, ભવ્ય ભાવનાનું મહત્વ છે.

રક્ષાબંધન પર્વ એટલે ભગિની પ્રેમ-બંધન. “સ્ત્રી તરફ વિકૃતિ દ્રષ્ટિએ ન જોતા પવિત્ર દ્રષ્ટિ રાખવી.” એ મહાન સંદેશ આપનાર આ પવિત્ર તહેવારને કુટુંબ પૂરતો મર્યાદિત બનાવી દીધો છે. પ્રેમ-બંધન અને ભાવ-બંધનના આ પવિત્ર તહેવારનું સામાજિકરણ અને વૈશ્વીકરણ કરવું જોઇએ.

રક્ષાબંધનનો પર્વ એટલે દ્રષ્ટિ પરિવર્તનનો પર્વ, ભાઇ-બહેનના વિશુદ્ધ પ્રેમનું અસ્ખલિત વહેતું ઝરણું. બહેનની રાખડી હાથ પર બંધાવતાની સાથે જ ભાઇની દ્રષ્ટિમાં આમૂલાગ્ર પરિવર્તન આવી જાય ! બહેનના રક્ષણની જવાબદારી ભાઇ સસ્મિત સ્વીકારે છે, જેથી બહેન સમાજમાં નિર્ભયપણે ફરી શકે.

બહેન જ્યારે ભાઇને રાખડી બાંધે છે ત્યારે તેના ભાલ પર ચાંલ્લો કરે છે. સર્વ સામાન્ય લાગતી આ પ્રણાલિકામાં દ્રષ્ટિ પરિવર્તનની મહાન પ્રક્રિયાનો સમાવેશ થાય છે. સામાન્ય દ્રષ્ટિથી સારા વિશ્વને નિહાળી રહેલા બે નેત્રો ઉપરાંત, ભોગને ભૂલીને ભાવ દ્રષ્ટિથી વિશ્વને નિહાળવા માટે જાણે કે એક ત્રીજું પવિત્ર નેત્ર અર્પણ કરીને બહેને પોતાના ભાઇને ત્રિલોચન બનાવ્યો છે. આવો શુભ સંકેત આ ક્રિયામાં દ્રષ્ટિગોચર થાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.