Abtak Media Google News

મીઠું જેટલું જરૂરી એટલું જ પર્યાવરણની જાળવણી પણ જરૂરી : સરકાર માટે હવે બન્ને મુદ્દે તકેદારીથી ચાલવું આવશ્યક

સબરસ એટલે દરેક રસમાં જરૂરી વસ્તુ. સબરસ તરીકે પણ જાણીતા એવા મીઠા વગરના ભોજનની કલ્પના પણ મુશ્કેલ બને. કેગએ એવો રિપોર્ટ જાહેર કર્યો છે કે કચ્છના રણમાં મીઠુ પકવવા માટે બાંધવામાં આવેલ પારાએ મેન્ગ્રોવના જંગલોનો નાશ કર્યો છે. ત્યારે મીઠું જરૂરી છે. તો સામે પર્યાવરણ પણ એટલુ જ જરૂરી છે. માટે હવે સરકારે આ મુદ્દે તકેદારી સાથે ચાલવું જરૂરી બનશે.કેગના રિપોર્ટમાં જણાવાયું છે કે કચ્છમાં મીઠા પકવવાના પારાઓથી કોસ્ટલ રેગ્યુલેશન ઝોનની સૂચનાનું ઉલ્લંઘન થયું છે અને ગેરકાયદેસર કામગીરી ચાલુ રાખી છે.  2015 અને 2022ના સેટેલાઇટ મેપની સરખામણી કરવા પર, એવું નોંધવામાં આવ્યું છે કે કચ્છના કુકડસર ગામમાં મીઠાના પારાઓ મે 2015માં 580 હેક્ટરથી વધીને સપ્ટેમ્બર 2022 માં 800 હેક્ટર થયા હતા.

કેગએ જણાવ્યું હતું કે તેને ગુજરાત કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ ઓથોરિટી પાસે 2011-2021 સમયગાળામાં મીઠા પકવવાના પારા માટે કોસ્ટલ રેગ્યુલેશન ઝોનના ક્લિયરન્સ માટે કોઈ અરજી મળી નથી. આમ મીઠા પક્વવાના પારા નિયમો વિરુદ્ધ ચાલી રહ્યા છે.ગુજરાત કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ ઓથોરીટીએ પરવાનગી વિના મીઠુ પક્વવા  માટે પારા બાંધવા મુદ્દે તપાસનો નિર્દેશ આપ્યો હતો. પ્રાદેશિક અધિકારી, જીપીસીબી, કચ્છએ અહેવાલ આપ્યો છે કે આ વિસ્તારમાં પારા બાંધવાથી મેન્ગ્રોવ્ઝને નુકસાન થયું છે.

ફેબ્રુઆરી 2018 માં, ગુજરાત કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ ઓથોરીટીને ભુજમાં કચ્છ કેમલ બ્રીડર્સ એસોસિએશન તરફથી ભચાઉ તાલુકામાં મીઠાના પારાથી મોટા પાયે મેન્ગ્રોવ્સના વિનાશ અંગે ફરિયાદ મળી હતી.

કચ્છ કેમલ બ્રીડર્સ એસો. દ્વારા નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ સમક્ષ એક અપીલ પણ દાખલ કરવામાં આવી હતી જેણે છ મહિનામાં મેન્ગ્રોવ્સને પુન:સ્થાપિત કરવાનો નિર્દેશ આપ્યો હતો.  તેમ છતાં પુન:સ્થાપન માટે કોઈ કાર્યવાહી શરૂ કરવામાં આવી નથી.

હવે પ્રશ્ન એ સર્જાયો છે કે કેગના રિપોર્ટ બાદ જો સરકાર મીઠુ પક્વનારા વિરુદ્ધ જો કાર્યવાહી કરે છે તો મીઠાના ઉત્પાદનને અસર થવાની ભીતિ છે. ગુજરાત મીઠાના ઉત્પાદનમાં આત્મનિર્ભર હોવાની સાથે તેને બીજા રાજ્યોમાં મોકલીને અર્થતંત્રમાં પણ સારો એવો હિસ્સો ધરાવે છે. આ ઉપરાંત કાળી મજુરી કરી મીઠું પકવતા અગરીયાઓની રોજીરોટી ઉપર પણ અસર થાય તેમ છે.

મેન્ગ્રોવ્સના નાશથી ખારાઈ ઊંટ લુપ્ત થવાનું જોખમ વધ્યું : કેગ

Kharai Camel

ગુજરાત વિધાનસભામાં રજૂ કરાયેલા અહેવાલમાં કેગએ કચ્છમાં ખારાઈ ઊંટ જે તરતા ઊંટ તરીકે પણ જાણીતા છે. તેના અસ્તિત્વ ઉપર જોખમ ઉભું થયાનું જણાવ્યું છે.કેગએ રિપોર્ટમાં જાહેર કર્યું છે કે મેન્ગ્રોવ્સ આ અનોખી જાતિ માટે મૂળ ખોરાક છે  મેન્ગ્રોવ્સના વિનાશથી ખરાઈ ઊંટનું અસ્તિત્વ જોખમમાં મૂકાઈ શકે છે. ઊંટોની ‘ખરાઈ’ જાતિને લુપ્ત થતી બચાવવા માટે મેન્ગ્રોવ્સને બચાવવુ જરૂરી છે. આ ઊંટ પાણીમાં તરીને મેન્ગ્રોવ્સનો ચારો ચરવા માટે જાય છે.

વર્ષોથી કાળી મજુરી કરી પેટિયું રળિયે છીએ : સરકારે

અગરીયાઓની પણ વેદનાઓ જાણવી જરૂરી

Worker Agariya

અગરીયાઓ આ મામલે જણાવે છે કે તેઓ વર્ષોથી કાળી મજુરી કરીને પેટિયું રોળવે છે. તેઓને આ કામ કરવાથી કોઈ મોટી આવક પણ થતી નથી. માત્રને માત્ર ભૂખ મટે તેટલી આવક થાય છે. ત્યારે અગરીયાઓની આ વેદના પણ સરકારે જાણવી જરૂરી બની રહે છે. એક તરફ પર્યાવરણની જાળવણી અને બીજી તરફ અગરીયાની વેદના સાથે મીઠાની જરૂરિયાત સરકાર માટે હવેના પગલાં તલવારની ધાર ઉપર ચાલવા જેવા સાબિત થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.