Abtak Media Google News

સરકારે અગાઉ જાહેરાત કર્યા બાદ સત્તાવાર પરિપત્ર કર્યો જાહેર : અનેક પરિવારોને હવે મફત રાશન યોજનાનો લાભ મળશે

રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ લાભ મેળવવા માટે સરકારે કુટુંબની આવકમર્યાદામાં વધારો કર્યો છે. અત્યાર સુધીમાં 10 હજાર માસિક આવક ધરાવતા પરિવારોને આ યોજના હેઠળ લાભ આપવામાં આવતો હતો. જેને હવે વધારીને 15 હજાર કરવામાં આવી છે.

રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો  હેઠળ વધુ કુટુંબોને આવરીને તેમને રેશનિંગનું અનાજ આપી શકાય તે માટે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા ફેરફાર કરવામાં આવ્યા છે. શહેરી વિસ્તાર માટે જે કુટુંબનો કોઇપણ સભ્ય માસિક 15 હજારથી ઓછી આવક ધરાવતો હોય તો તેને અન્ન સુરક્ષા હેઠળ આવરી લેવામાં આવશે. ગ્રામ્ય વિસ્તારમાં માસિક 15 હજારથી વધુ આવક ધરાવતા હોય તે કુટુંબને બાકાત રખાશે એટલે કે 15 હજાર સુધીની આવક ધરાવતાને લાભ મળશે તે અત્યાર સુધી 10 હજારની હતી.

તેવી જ રીતે હાલ શહેરી વિસ્તારમાં ઓટો રિક્ષા-છકડો વિગેરે ત્રણ પૈડાના વાહન ચાલકો જેમની માસિક આવક 10 હજારથી ઓછી હોય તેવા કુટુંબને લાભ મળે છે તેમાં ફેરફાર કરીને 15 હજારથી ઓછી આવક ધરાવતા હોય તેમને પણ અન્ન સુરક્ષા હેઠળ આવરી લેવામાં આવશે.  અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા 14 માર્ચે બહાર પડાયેલા ઠરાવમાં સરકારે ઉદાર રીતે મહત્તમ લોકોને અન્ન સલામતીનો લાભ મળે તેવો ફેરફાર કર્યો છે. તે મુજબ ગ્રામ્ય વિસ્તારમાં અગ્રતા ધરાવતા કુટુંબોમાં 2020ના ઠરાવ મુજબ જે કુટુંબનો કોઇપણ સભ્ય માસિક 10 હજારથી વધુ આવક ધરાવતો હોય તો તેને અન્ન સુરક્ષા માટે બાકાત રખાતા હતા.

તેમાં નવી આવક મર્યાદા મુજબ જે કુટુંબનો સભ્ય માસિક 15 હજારથી વધુ આવક ધરાવતો હોય તો એટલે કે કુટુંબની વાર્ષિક આવક 1,80,000થી વધુ હોય તો તેને અન્ન સુરક્ષા માટે બાકાત રાખવાના રહેશે. એટલે કે 15 હજાર સુધીની આવક ધરાવતા હોય તેને આવરી લેવામાં આવશે. શહેરી વિસ્તાર માટે પ્રથમ વખત 15 હજારથી ઓછી આવક ધરાવતા કુટુંબને અન્ન સુરક્ષા હેઠળ આવરી લેવાયા છે. સરકારે આ માટે સત્તાવાર પરિપત્ર જાહેર કર્યો છે.

ગ્રામ્યની 74.6 ટકા અને શહેરીના 48.2 ટકાને વસતીને આવરી લેવાનો ટાર્ગેટ

ભારત સરકાર દ્વારા ગુજરાતમાં કુલ 382.84 લાખ વસતી અન્ન સલામતી માટે આવરી લેવાની મહત્તમ મર્યાદા નક્કી કરાઇ છે. જેમાં ગ્રામ્ય વિસ્તારની 74.6 ટકા એટલે કે 258.78 લાખ તથા શહેરી વિસ્તારની 48.2 ટકા એટલે કે 124.06 લાખ વસતીને આવરી લેવાનો લક્ષ્યાંક નક્કી કરાયો છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.